Get The App

16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય 1 - image


Karnataka social media ban for children : ભારતમાં પહેલીવાર કોઈ રાજ્યએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. કર્ણાટક સરકારે રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે રાજ્યનું બજેટ (2026-27) રજૂ કરતી વખતે આ મોટું એલાન કર્યું હતું.

શા માટે લેવાયો આ નિર્ણય?

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના મતે, બાળકોમાં મોબાઈલના વધતા જતા વપરાશની અત્યંત પ્રતિકૂળ અસરો જોવા મળી રહી છે. સરકાર ઇચ્છે છે કે, બાળકોમાં વધી રહેલી મોબાઈલ ફોનની લતને રોકવી જરૂરી છે. ઓનલાઇન ગેમિંગ અને સોશિયલ મીડિયાના કારણે બાળકોના શિક્ષણ, શારીરિક ફિટનેસ અને માનસિક સ્વાસ્થ્ય પર પડી રહેલી નકારાત્મક અસરો પડી રહી છે. ગયા મહિને બેંગલુરુમાં આયોજિત કુલપતિ સંમેલનમાં મુખ્યમંત્રીએ આ મુદ્દે ગંભીર ચર્ચા કરી હતી અને શિક્ષણવિદોના મંતવ્યો પણ મંગાવવામાં આવ્યા હતા. 

બજેટમાં ટેકનોલોજી અને શિક્ષણ પર ભાર

સોશિયલ મીડિયા પર પ્રતિબંધની સાથે સરકારે ટેકનોલોજી ક્ષેત્રે પણ મોટી જાહેરાતો કરી છે. બેંગલુરુ રોબોટિક્સ અને AI ઇનોવેશન ઝોન: IISc હેઠળના AI અને ટેક પાર્ક દ્વારા ISRO અને Keonics ના સહયોગથી એક અત્યાધુનિક રોબોટિક્સ અને AI કેમ્પસ સ્થાપવામાં આવશે. વિકાસ અને કલ્યાણનો સમન્વય: સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાના આર્થિક પરિવર્તન સાથે જનકલ્યાણના કાર્યક્રમોને સંતુલિત કરવાની વ્યૂહરચના અપનાવી છે.

આ પણ વાંચો : 'અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું?', રશિયા પાસેથી તેલ ખરીદવા 30 દિવસની છૂટ મળતા કોંગ્રેસના પ્રહાર

કેન્દ્ર સરકાર સામે પણ સાધ્યું નિશાન

પોતાનું 17મું બજેટ રજૂ કરતા સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર ફેડરલ સિસ્ટમનું પાલન ન કરીને કર્ણાટક સાથે અન્યાય કરી રહી છે. તેમણે માંગ કરી હતી કે કેન્દ્ર સરકારે રાજ્યની માંગણીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બનવું જોઈએ. ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા દેશો બાદ હવે ભારતનું કર્ણાટક રાજ્ય પણ બાળકોને ડિજિટલ દુનિયાના જોખમોથી બચાવવા માટે કડક કાયદા તરફ આગળ વધી રહ્યું છે.