India

કર્ણાટક કોંગ્રેસમાં CM બાદ હવે મંત્રીપદને લઈને ખટરાગ : સિદ્ધારમૈયાના નજીકના નેતાનો 'હાઈ'કમાન્ડને 'આદેશ'!

By GS Team
23 May 20262 mins read
TukuTouch Logo
કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ બાદ હવે મંત્રીપદને લઈને પણ રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો મંત્રીપદ માટે દાવેદારી કરી રહ્યા છે, જેના કારણે પાર્ટીમાં આંતરિક ખેંચતાણ તેજ બની છે. આ દરમિયાન મુખ્યમંત્રી સિદ્દારમૈયાની (Siddaramaiah) નજીકના મનાતા રાજ્યના એક્સાઈઝ મંત્રી આર.બી. તિમ્માપુરે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કર્ણાટક કોંગ્રેસમાં CM બાદ હવે મંત્રીપદને લઈને ખટરાગ : સિદ્ધારમૈયાના નજીકના નેતાનો 'હાઈ'કમાન્ડને 'આદેશ'!

Karnataka Congress Dispute : કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ બાદ હવે મંત્રીપદને લઈને પણ રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો મંત્રીપદ માટે દાવેદારી કરી રહ્યા છે, જેના કારણે પાર્ટીમાં આંતરિક ખેંચતાણ તેજ બની છે. આ દરમિયાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની (Siddaramaiah) નજીકના મનાતા રાજ્યના એક્સાઈઝ મંત્રી આર.બી. તિમ્માપુરે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. બાગલકોટમાં પત્રકારો સાથે વાત કરતાં આરબી તિમ્માપુરે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક લોકશાહી છે, અને ધારાસભ્યો પોતાની ઇચ્છા વ્યક્ત કરે તેમાં કંઈ ખોટું નથી. તેમણે કહ્યું, “મંત્રી બનવાની ઇચ્છા રાખવી કોઈ ગુનો નથી. હાઈકમાન્ડ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે.” તાજેતરમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ચેતવણી આપી હતી કે, જો તેમને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે તો તેઓ દિલ્હી હાઈકમાન્ડ સુધી પોતાની વાત પહોંચાડશે. આ મુદ્દે પણ તિમ્માપુરે નરમ વલણ અપનાવ્યું હતું.

ભાજપ પર કર્યા આકરા પ્રહાર

ભાજપે કલબુર્ગી લાડલે મશાક દરગાહ કેસમાં કોંગ્રેસ સરકાર પર કેસ પરત ખેંચવાનો આરોપ મૂક્યો હતો અને તેને “મુસ્લિમ તુષ્ટિકરણ” ગણાવ્યું હતું. આ આરોપોને નકારી કાઢતાં તિમ્માપુરે કહ્યું કે અગાઉ ખેડૂતો સામેના કેસ પણ પાછા ખેંચવામાં આવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો કે “જો ખેડૂતોના કેસ પરત ખેંચાયા તો શું તે પણ સાંપ્રદાયિક હતું?. કોંગ્રેસ દરેક જાતિ અને ધર્મના લોકોને સાથે લઈને ચાલે છે, જ્યારે ભાજપ સમાજને ધર્મના નામે વહેંચવાનો પ્રયાસ કરે છે.”

કેન્દ્ર સરકાર પર પણ નિશાન

તિમ્માપુરે કેન્દ્ર સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા. તેમણે ડોલરની વધતી કિંમત, પેટ્રોલ-ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવ વધારા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સંબંધો સુધારવા અને મોંઘવારી નિયંત્રણમાં લાવવાના બદલે લોકોને કહેવામાં આવે છે કે પેટ્રોલ મોંઘું હોય તો ફરવાનું બંધ કરો અને ગેસ મોંઘો હોય તો રસોઈ બનાવવાનું બંધ કરો. “જો વડાપ્રધાન આવી વાત કરે તો સામાન્ય લોકો શું વિચારે?” એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો.

સિદ્ધારમૈયાનું જૂથ વધુ સક્રિય

આરબી તિમ્માપુરનું નિવેદન એટલા માટે પણ મહત્વનું માનવામાં આવે છે કે તેઓ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નજીકના નેતા તરીકે ઓળખાય છે. કોંગ્રેસમાં મંત્રીમંડળ વિસ્તરણ અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી છે, અને અનેક ધારાસભ્યો મંત્રીપદ માટે દાવેદારી કરી રહ્યા છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, હાઈકમાન્ડ આ વખતે ક્ષમતા, વફાદારી અને પ્રાદેશિક સંતુલનને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકે છે. કુલ મળીને, કર્ણાટક કોંગ્રેસમાં સત્તા અને મંત્રીપદને લઈને રાજકીય હલચલ વધુ તેજ બની રહી છે.