India

જંતર-મંતર વિવાદ : CJPના ગંભીર આરોપો પર દિલ્હી પોલીસનો પલટવાર, કહ્યું- 'બધા દાવા પાયાવિહોણા'

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
કોકરોચ જનતા પાર્ટી (CJP) એ દિલ્હીમાં 'સંસદ ચલો' પ્રદર્શન દરમિયાન પોલીસ પર સોનમ વાંગચુકના સાથી ગીતાંજલિ અંગમો અને 12 વર્ષની બાળકી સાથે મારપીટનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસે આ આરોપોને પાયાવિહોણા ગણાવી, પ્રદર્શનમાં પોલીસકર્મીઓ ઘાયલ થયા અને વાહનોમાં તોડફોડ થઈ હોવાનો દાવો કર્યો છે. પોલીસે અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જંતર-મંતર વિવાદ : CJPના ગંભીર આરોપો પર દિલ્હી પોલીસનો પલટવાર, કહ્યું- 'બધા દાવા પાયાવિહોણા'

Delhi Police Denies CJP Protest Assault Claims : કોકરોચ જનતા પાર્ટી (CJP)એ 'સંસદ ચલો' પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ પર સોનમ વાંગચુકના સાથી ગીતાંજલિ અંગમો અને એક 12 વર્ષની બાળકી સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસે આ તમામ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા છે. પોલીસનો દાવો છે કે, પ્રદર્શન દરમિયાન અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, અને સરકારી વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એ દાવાઓને ફગાવી દીધા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, CJPના પ્રદર્શન દરમિયાન 'ગીતાંજલિ' નામની મહિલા અને 12 વર્ષની બાળકી સાથે પોલીસે મારપીટ કરી છે. દિલ્હી પોલીસે આ આરોપોને 'જૂઠા અને ભ્રામક' ગણાવીને લોકોને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે.

CJPના દાવો અને દિલ્હી પોલીસનું ખંડન

CJPના પ્રવક્તા સૌરભ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આરોપ લગાવ્યો હતો કે, દિલ્હી પોલીસે ગીતાંજલિના વાળ ખેંચ્યા, 12 વર્ષની બાળકીના માથામાં ઈજા થઈ, અને 40 થી 50 અન્ય પ્રદર્શનકારીઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા. આ દાવાઓ પર પ્રતિક્રિયા આપતાં દિલ્હી પોલીસની ફેક્ટ ચેક યુનિટે કહ્યું કે, સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલી આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે. દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું કે, 'ગીતાંજલિ નામની મહિલા, 12 વર્ષની બાળકી પર હુમલો અને 40-50 લોકોના માથા ફૂટવા જેવી વાતો તથ્યહીન છે. કૃપા કરીને આવી ખોટી અને ભ્રામક માહિતી શેર ન કરો કે તેને પ્રોત્સાહન ન આપો.'

પોલીસના ખંડન બાદ સૌરભ દાસે બીજી એક પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી કે, તેમનો ઈશારો સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સાથી ગીતાંજલિ અંગમો તરફ હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.

જે.પી.નડ્ડાને મળ્યું CJPનું પ્રતિનિધિમંડળ

આ દરમિયાન CJPના પ્રતિનિધિ સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરીને એક આવેદનપત્ર સોંપ્યું હતું. આવેદનપત્રમાં 3 મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી હતી. જેમાં સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની તાત્કાલિક મુક્તિ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, NEET-UG પેપર લીક પછી આત્મહત્યા કરનારા ઉમેદવારોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાની મુખ્ય માંગો હતી. CJPનો દાવો છે કે, જે.પી. નડ્ડાએ તેમની માંગણીઓ અંગે પાર્ટી નેતૃત્વ સાથે ચર્ચા કરવાનું આશ્વાસન આપ્યું છે.

હિંસા અને તોડફોડ અંગે FIR નોંધાશે

CJPનો 'સંસદ ચલો' કાર્યક્રમ NEET-UG પેપર લીક અને અન્ય પરીક્ષાલક્ષી ગડબડો સામે હતો. પ્રદર્શનકારીઓને સંસદ સુધી પહોંચતા રોકવા માટે દિલ્હી પોલીસે સેન્ટ્રલ દિલ્હીમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદર્શનમાં અનેક પોલીસકર્મીઓ અને પેરામિલીટ્રી ફોર્સના જવાનો ઘાયલ થયા છે. પાર્લામેન્ટ પોલીસ સ્ટેશન આસપાસ અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે ઘણા લોકોની અટકાયત કરી છે, અને આ મામલે કેસ દાખલ કરવામાં આવશે.