Explainer: બિહારની શરમજનક ઘટના, મોરલ પોલીસિંગના નામે સગીરા સાથે હેવાનિયતના વીડિયોથી દેશભરમાં આક્રોશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamui harassment viral video case: એક સગીરા કોચિંગ ક્લાસ પૂરો કરીને પોતાના સગીર મિત્ર સાથે થોડો સમય શાંતિથી ફરવા અને ફોટા પાડવા માટે જાય છે, પરંતુ અચાનક એક ટોળું તેમને ઘેરી લે છે અને પછી શરૂ થાય છે તેમની જિંદગીની સૌથી ડરામણી 20 મિનિટ! બિહારના જમુઈમાં બનેલી આ ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. માત્ર બે સગીર મિત્રો હોવાના કારણે 'મોરલ પોલીસિંગ'ના નામે ભીડ દ્વારા તેમની સાથે જે શરમજનક ગેરવર્તન, મારપીટ અને છેડતી કરવામાં આવી, તે આપણા સમાજની માનસિકતા પર મોટો સવાલ ઊભો કરે છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને મહિલા સુરક્ષાના મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ચાલો આ સમગ્ર ઘટના, પોલીસની કાર્યવાહી અને તેની પાછળના કાયદાકીય તથા રાજકીય પાસાઓને વિગતવાર સમજીએ.
ઘટના શું હતી?
આ શરમજનક ઘટના 19 સપ્ટેમ્બરના રોજ સાંજે લગભગ 6:25 થી 7:00 વાગ્યાની આસપાસ બની હતી. જમુઈમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા બે સગીર મિત્રો (1 છોકરો અને 1 છોકરી) કોચિંગ ક્લાસ પૂરો કરીને જમુઈ-લખીસરાય રોડ પર આવેલા મડવા પહાડ વિસ્તારમાં ફરવા ગયા હતા. તેઓ જ્યારે પોતાનું સ્કૂટર લઈને પાછા ફરી રહ્યા હતા, ત્યારે 6 થી 7 અસામાજિક તત્વોના ટોળાએ તેમને આંતર્યા.
ટોળાએ તેમને ઘેરીને સવાલો શરૂ કર્યા. મોઢા પર દુપટ્ટો બાંધેલો એક શખ્સ સગીર છોકરીને ઊંચકી લે છે અને તેની સાથે અત્યંત શરમજનક અને અશ્લીલ હરકતો કરે છે. સગીર છોકરો તેને બચાવવાનો પ્રયાસ કરે છે, તો ટોળું તેનો શર્ટ ખેંચીને તેને બેરહેમીથી મારે છે. છોકરી રડતી રહી, હાથ જોડીને આજીજી કરતી રહી કે, ‘પ્લીઝ, અમને જવા દો, અમે સાથે ભણીએ છીએ, આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, ઘરમાં બધાને ખબર છે.’ પરંતુ નરાધમોને જરા પણ દયા ન આવી. તેઓ પરિવાર સાથે વાત કરાવવા અને મોબાઈલ મૂકીને જવાની ધમકીઓ આપતા રહ્યા. આ સમગ્ર હેવાનિયત લગભગ 20 મિનિટ સુધી ચાલી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો આરોપીઓએ બનાવ્યો હતો, જે વાયરલ થતાં આખા દેશમાં હોબાળો મચી ગયો છે.
પોલીસે 7 આરોપીઓ ધરપકડ કરી, 3 સગીર
ડર અને બદનામીના કારણે પીડિત પરિવારે 2 દિવસ સુધી કોઈ ફરિયાદ નહોતી કરી. પરંતુ 21 સપ્ટેમ્બરના રોજ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જમુઈ પોલીસ સફાળી જાગી. એસપી વિશ્વજીત દયાલના નેતૃત્વમાં વીડિયોમાં દેખાતા સ્કૂટરના નંબર પરથી પીડિતોને શોધી કાઢવામાં આવ્યા. મહિલા અધિકારી દીપ્તિ મોનાલીના નેતૃત્વમાં એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી. પોલીસે POCSO એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વીડિયોના આધારે 7 આરોપીઓની ઓળખ કરી અને તેમની ધરપકડ કરી લેવામાં આવી, જેમાંના 3 તો સગીર છે.
મુખ્ય આરોપી નંદન યાદવને પોલીસે પગમાં ગોળી મારી
પોલીસ કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી નંદન યાદવ (જે વીડિયોમાં મોઢા પર કપડું બાંધીને છોકરીની છેડતી કરતો દેખાય છે) ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ એન્કાઉન્ટરમાં તેના પગમાં ગોળી વાગી છે અને તેને સદર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે બીજા આરોપી હરેરામ યાદવનો પગ તૂટ્યો હોવાની માહિતી મળી છે. ઉપરાંત, સગીરોની ઓળખ છતી કરતો વીડિયો શેર કરવા બદલ પોલીસે 32 થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે પણ બ્લોક કરવાની કડક કાર્યવાહી હાથ ધરી છે.
હુમલો પ્લાનિંગ કરીને કરાયો હતો!
સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીઓએ એ સગીરોને પરેશાન કરવા માટે પહેલેથી જ પૂરી પ્લાનિંગ કરી લીધી હતી. એ વિસ્તારમાં બનેલી આ પ્રકારની આ પહેલી ઘટના નથી. આરોપીઓ અગાઉ પણ ઘણા છોકરા-છોકરીઓને હેરાન કરી ચૂક્યા છે. પરંતુ કોઈ ફરિયાદ કરતા ન હોવાથી આરોપીઓને પ્રોત્સાહન મળતું રહે છે.
મોરલ પોલીસિંગની બીમારી સામે કાયદો શું કહે છે?
આ ઘટના 'મોરલ પોલીસિંગ' (નૈતિકતાના નામે દાદાગીરી) નું એક ઘૃણાસ્પદ ઉદાહરણ છે. વારંવાર આવા ટોળાં સાથે ફરતા છોકરા-છોકરીને રોકીને આઈડી કાર્ડ માંગે છે, અને મારપીટ કરે છે. પરંતુ, આપણો કાયદો કંઈક અલગ જ કહે છે.
- ભારતીય બંધારણની કલમ 19 કોઈપણ નાગરિકને દેશમાં કોઈપણ રોકટોક વિના હરવા-ફરવાનો અધિકાર આપે છે.
- કલમ 21 અંતર્ગત દરેકને ગોપનીયતા અને સન્માનથી જીવવાનો મૂળભૂત અધિકાર છે. સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે 2 લોકો જો સાથે ફરે છે, તો પોલીસ કે પબ્લિક કોઈને પણ તેમને રોકવાનો અધિકાર નથી.
- ભૂતકાળમાં કોર્ટે એક કપલને પરેશાન કરનાર CISF કોન્સ્ટેબલને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.
- અલગ અલગ ચુકાદામાં ભારતની અદાલતો સ્પષ્ટ કરી ચૂકી છે કે, જો કોઈ જગ્યાએ બેસીને બે લોકો કિસ પણ કરી રહ્યા હોય અને તેનાથી કોઈને પરેશાની ન થતી હોય તો તેને અશ્લીલતા માનવામાં આવશે નહીં. આવી ઘટનાને અશ્લીલતાના દાયરામાં લાવવા માટે એ પણ સાબિત કરવું પડશે કે તેનાથી અન્ય લોકોને પરેશાની થઈ હતી.
કાયદો પાળવામાં ખુદ પોલીસની સમજણ કાચી!
આવા કાયદા હોવા છતાં 'સ્ટેટસ ઓફ પોલીસિંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ 2025' ના આંકડાઓ ચોંકાવનારા છે. આ રિપોર્ટ મુજબ 59% પોલીસકર્મીઓ માને છે કે જાહેરમાં કપલને વોર્નિંગ આપવી જોઈએ. 10% પોલીસકર્મીઓ બૂમો પાડવામાં, 10% અટકાયત કરવામાં અને 4% તો લાકડીથી મારવામાં પણ વિશ્વાસ રાખે છે. આ આંકડાઓ દર્શાવે છે કે માત્ર રસ્તા પરના ટોળામાં જ નહીં, તંત્રમાં પણ બદલાવની કેટલી જરૂર છે.
રાજકીય ભૂકંપ: કયા નેતાએ શું કહ્યું?
આ ઘટના બાદ બિહાર અને દેશના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે. અનેક નેતાઓએ આકરી પ્રતિક્રિયાઓ આપી છે.
- ઉમેશ કુશવાહાઃ JDU નેતાએ આ જઘન્ય ઘટનાને માત્ર એક 'નાની-મોટી' ઘટના ગણાવી દીધી, જેના કારણે ભારે વિવાદ સર્જાયો. અન્ય પક્ષના નેતાઓએ તેમની આકરી ટીકા કરી.
- રાહુલ ગાંધીઃ લોકસભામાં વિપક્ષના નેતાએ આ ઘટનાને 'અત્યંત વિચલિત કરનારી' ગણાવતા કહ્યું કે, ‘આ સંસ્કૃતિ નથી, પિતૃસત્તાકતા છે. આ એવી વિચારસરણી છે કે કોઈ પણ પુરુષનું કોઈ પણ છોકરીના શરીર, તેના આવવા-જવા અને તેની પસંદ-નાપસંદ પર નિયંત્રણ છે.’ તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે 'અંધભક્ત' આવી વિચારસરણીને સામાન્ય ઠેરવે છે, ત્યારે ટોળાને પોતે જ કાયદો હોવાનો ભ્રમ થાય છે. તેમણે દીકરીઓની સુરક્ષા પર સવાલ ઉઠાવી તમામ આરોપીઓ પર POCSO એક્ટ હેઠળ કેસ ચલાવવાની માંગ કરી છે.
- તેજસ્વી યાદવઃ બિહાર RJD નેતાએ આ ઘટના માટે સીધી રીતે બિહારની NDA સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા અને રાજ્યમાં સંપૂર્ણપણે 'ગુંડારાજ' ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો.
- મલ્લિકાર્જુન ખડગેઃ કોંગ્રેસ અધ્યક્ષે ઘટનાની આકરી નિંદા કરી અને સરકાર પાસે જવાબદારી નક્કી કરીને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી.
- અરુણ ભારતીઃ જમુઈના સાંસદે કહ્યું કે આ ઘટના બિલકુલ સહન કરવા લાયક નથી. તેમણે પોતાની જ પાર્ટીના નેતા ઉમેશ કુશવાહાના નિવેદનથી પોતાને અલગ કર્યા અને કહ્યું કે નાગરિકોને ડરાવનાર કોઈ ઘટના 'નાની' ન હોઈ શકે. તેમણે ખાતરી આપી કે કાયદાથી કોઈ બચી શકશે નહીં.
- શ્રેયસી સિંહઃ જમુઈના ધારાસભ્યએ રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિનો પુનરોચ્ચાર કર્યો. આરોપીઓની ધરપકડની પુષ્ટિ કરતા તેમણે મીડિયા અને લોકોને અપીલ કરી કે તેઓ પીડિતોની ઓળખ છતી કરતા વીડિયો કે તસવીરો સોશિયલ મીડિયા પર શેર ન કરે.
- શ્રવણ કુમારઃ બિહાર સરકારના મંત્રીએ પણ બચાવમાં એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્યમાં આવી ‘છૂટક ઘટનાઓ’ તો બનતી રહે છે, જેને વિપક્ષે વખોડી કાઢી હતી.
- મનોજ કુમારઃ કોંગ્રેસ સાંસદે આ ઘટનાને માનવતાને શરમાવે તેવી ગણાવી અને ભાજપ-JDU સરકારના 'રામરાજ્ય'ના દાવાઓ પર કટાક્ષ કરતા પૂછ્યું કે શું ખરેખર આ પ્રકારનું શાસન છે?
- ઉદિત રાજઃ કોંગ્રેસ નેતાએ આ ઘટનાને બિહાર રાજ્યના કથળતા કાયદા અને વ્યવસ્થાનું જીવંત અને સીધું ઉદાહરણ ગણાવ્યું.
- સુશીલ કુમાર સિંહઃ ભાજપના નેતાએ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરતા માંગ કરી કે આ કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેથી ગુનેગારોને એવી સજા મળે કે ભવિષ્યમાં લોકોમાં કાયદાનો ડર ઊભો થાય.
- સંજય સરાવગીઃ બિહાર ભાજપ અધ્યક્ષે ઘટનાની નિંદા કરતા પોલીસની કામગીરીના વખાણ કર્યા અને કહ્યું કે માત્ર માનસિક રીતે બીમાર લોકો જ આવું કૃત્ય કરી શકે.
- ઓમ પ્રકાશ રાજભરઃ UP ના મંત્રી અને NDA સહયોગીએ બિહાર સરકારનો બચાવ કરતા કહ્યું કે બિહારમાં કાયદાનું શાસન છે, કોઈ 'જંગલરાજ' નથી. ગુનો કરનાર સામે કડક કાર્યવાહી ચોક્કસ થશે.
- રાજીવ રંજન પ્રસાદઃ JDU પ્રવક્તાએ કહ્યું કે માનવતાના દુશ્મનો અને સંસ્કૃતિની કોઈ જ ચિંતા ન કરનારા આવા લોકોનું સ્થાન જેલના સળિયા પાછળ જ હોવું જોઈએ.
- JDU પક્ષનો સત્તાવાર બચાવ: બિહારની ગઠબંધન સરકારમાં સહયોગી JDU એ વિપક્ષના સવાલોના જવાબમાં વળતો પ્રહાર કરતા કહ્યું છે કે વિપક્ષે પહેલા લાલુ પ્રસાદ યાદવના શાસનકાળને યાદ કરવો જોઈએ.




