જમ્મુ-કાશ્મીર : કુલગામમાં આતંકીઓનો શ્રમિકો પર આડેધળ ગોળીબાર, એકનું મોત, એકને ઈજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jammu And Kashmir Terror Attack : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એક મોટો આતંકી હુમલો થયો છે. અહીં આતંકીઓએ બે પરપ્રાંતીય મજૂરો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં છત્તીસગઢના રહેવાસી દીપક નામના એક મજૂરનું મોત થયું છે, જ્યારે ભૂપેન્દ્ર કુમાર નામનો બીજો મજૂર ઘાયલ છે. લશ્કર-એ-તૈયબા નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
હુમલા બાદ તરત જ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને શોધવા માટે સઘન તપાસ અભિયાન શરૂ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આ કાયરતાપૂર્ણ હુમલાની આકરી નિંદા કરી છે અને સુરક્ષાદળોને ઓપરેશન તેજ કરીને આતંકીઓનો ખાતમો કરવાનો કડક નિર્દેશ આપ્યો છે.
ઘાયલ મજૂરની સારવાર ચાલુ
ઉપરાજ્યપાલે માહિતી આપી છે કે હુમલામાં ઘાયલ થયેલા અન્ય મજૂરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. તેમણે મૃતક મજૂરના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને વિશ્વાસ અપાવ્યો છે કે આખું તંત્ર અને દેશ પીડિત પરિવારોની પડખે ઊભો છે.
થોડા દિવસો પહેલાં જ પકડાયા હતા હથિયારો
નોંધનીય છે કે આતંકીઓએ આ હુમલો એવા સમયે કર્યો છે જ્યારે ૨૨ જુલાઈના રોજ કુલગામમાંથી જ સુરક્ષાદળોને મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળ્યો હતો. સેના અને પોલીસની ટીમે એક બગીચામાં ઓપરેશન ચલાવીને વિસ્તારની શાંતિ ડહોળવાના આતંકીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું.
રાજૌરીના જંગલોમાં પણ મળ્યા આતંકી અડ્ડા
આ ઘટનાના થોડા સમય પહેલા 30 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના રાજૌરીના ગાઢ જંગલોમાં પણ સુરક્ષાદળોએ આતંકીઓનો એક ગુપ્ત અડ્ડો પકડી પાડ્યો હતો. આ સ્થળેથી રાશન અને રસોઈના વાસણો મળી આવ્યા હતા. આતંકીઓએ જંગલની ઝાડીઓની આડમાં અહીં પોતાનું કામચલાઉ રહેઠાણ બનાવ્યું હતું.
કાશ્મીરભરમાં આતંકીઓ વિરુદ્ધ સઘન તપાસ
હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને શોધવા માટે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને જંગલના ખૂણે-ખૂણાની તપાસ થઈ રહી છે. તાજેતરના દિવસોમાં સેનાને અલગ-અલગ જગ્યાએથી વિસ્ફોટકો, ગ્રેનેડ લોન્ચર, એકે-47 રાઈફલો અને અન્ય સામાન જપ્ત કરવામાં મોટી સફળતા મળી છે.









