જમ્મુ-કાશ્મીર : બડગામમાં છુપાયેલા આતંકવાદીઓનો સેના પર આડેધડ ગોળીબાર, 1 આતંકી ઠાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jammu Kashmir Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન અશદાર' દરમિયાન 1 આતંકવાદી ઠાર મરાયો છે. ગુપ્ત માહિતીના આધારે શરૂ કરાયેલી આ કાર્યવાહીમાં આતંકીઓ સામેથી ફાયરિંગ કરતાં જવાનોએ વળતો પ્રહાર કર્યો હતો, જેમાં 1 આતંકી માર્યો ગયો હતો અને ઘટનાસ્થળેથી AK-47 રાઈફલ મળી આવી હતી.
ગુપ્ત બાતમી મળતાં જ આખા જંગલની ઘેરાબંધી કરાઈ
પુલવામાના પખેરપોરા વિસ્તારમાંથી યુસમર્ગ તરફ આતંકવાદીઓની શંકાસ્પદ હિલચાલ થઈ રહી હોવાની ચોક્કસ બાતમી સુરક્ષાદળોને મળી હતી. આ ઈન્ટેલિજન્સ ઇનપુટ મળતાં જ સેના, પોલીસ અને CRPFની ટીમોએ બડગામના અશદાર ગલી જંગલ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ચિનાર કોર્પ્સના જણાવ્યા અનુસાર, જંગલમાં શંકાસ્પદ હલચલ દેખાતાં જવાનોએ પડકાર ફેંક્યો હતો, જેના જવાબમાં આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
સુરક્ષાદળોનો વળતો પ્રહાર અને AK-47 રાઈફલ જપ્ત
આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. બંને તરફથી થયેલા સામસામે ફાયરિંગમાં 1 આતંકી ઘટનાસ્થળે જ ઢેર થઈ ગયો હતો. અથડામણ પૂર્ણ થયા બાદ એન્કાઉન્ટર સ્થળેથી સુરક્ષાદળોએ 1 AK-47 રાઈફલ સહિતનો હથિયાર-દારૂગોળો જપ્ત કર્યો છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ મેળવવા માટેની કાનૂની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.
બીજા આતંકીની શોધખોળ માટે સમગ્ર વિસ્તાર સીલ
આ વિસ્તારમાં હજુ પણ 1 અન્ય આતંકવાદી છુપાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. તેના પગલે સુરક્ષાદળોએ આખા જંગલ વિસ્તારને સીલ કરી દીધો છે અને સંયુક્ત સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવી દેવામાં આવ્યું છે. કાશ્મીર ખીણમાં ઘણા મહિનાઓની શાંતિ બાદ બડગામ વિસ્તારમાં આ મોટી અથડામણ સામે આવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.




