Get The App

PM મોદીનો પ્રવાસ પૂર્ણ થતાં જ ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા', ઈઝરાયલ પર ભડક્યા ઓવૈસી

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
PM મોદીનો પ્રવાસ પૂર્ણ થતાં જ ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા', ઈઝરાયલ પર ભડક્યા ઓવૈસી 1 - image

Asaduddin Owaisi Attacks PM Modi's Israel Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ઈઝરાયલ પ્રવાસથી દેશનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પાર્ટીએ આ પ્રવાસની આકરી ટીકા કરતાં તેને 'નૈતિક કાયરતા' ગણાવી છે. ત્યારે આ વચ્ચે હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની એક પોસ્ટમાં ઓવૈસીએ આ પગલાને પેલેસ્ટાઈન પ્રત્યે ભારતના ઐતિહાસિક સમર્થન સાથે વિશ્વાસઘાત ગણાવ્યો છે. ઓવૈસીએ એવો પણ દાવો કર્યો છે કે, પીએમ મોદીનો પ્રવાસ પૂર્ણ થતાં જ અમેરિકા ઈરાન પર હુમલો કરી શકે છે.

ગાઝા અંગે ઔવેસીની સખત ટિપ્પણી

ઓવૈસીએ પોતાની પોસ્ટની શરૂઆતમાં જ ગાઝાની સ્થિતિને 'નરસંહાર' ગણાવી દીધી છે. તેમણે લખ્યું કે, ગાઝામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે હંમેશા ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે.  AIMIM પ્રમુખે ઈઝરાયલના વડા પ્રધાન તરફ ઈશારો કરતા તેમને 'યુદ્ધ અપરાધી' કહ્યા, જેમની સામે ધરપકડ વોરંટ જારી છે. તેમણે પીએમ મોદીની ટીકા કરતા કહ્યું કે, આવા સમયમાં ઈઝરાયલનો પ્રવાસ કરવો અને એક 'યુદ્ધ અપરાધી'ને ગળે લગાવવા એ ભારતની સ્થાપિત વિદેશ નીતિની વિરુદ્ધ છે.

ઓવૈસીએ કહ્યું કે, ભારતે હંમેશા પેલેસ્ટિનિયન લોકો અને તેમના અધિકારોનું સમર્થન કર્યું છે. તેમના મતે વર્તમાન વડા પ્રધાનનો આ પ્રવાસ ભારતના લાંબા સમયથી ચાલતા સૈદ્ધાંતિક સમર્થન સાથે સીધો વિશ્વાસઘાત છે. ઓવૈસીએ મધ્ય પૂર્વમાં ભૂ-રાજકીય તણાવ વધવાની પણ આશંકા વ્યક્ત કરી હતી. તેમણે આશંકા વ્યક્ત કરી કે, પીએમ મોદીનો આ પ્રવાસ પૂર્ણ થતાં જ અમેરિકા ઈરાન પર હુમલો કરી શકે છે. તેમણે પોતાની પોસ્ટનો અંત 'ઝાયોનિઝમ મુર્દાબાદ'ના નારા સાથે કર્યો છે, જે ઈઝરાયલની રાજકીય વિચારધારા ઝાયોનિઝમ પ્રત્યે તેમના આકરા વિરોધને દર્શાવે છે.

કોંગ્રેસે પણ કર્યા પ્રહાર

કોંગ્રેસે વડા પ્રધાન મોદીના ઈઝરાયલ પ્રવાસ પહેલા બુધવારે આરોપ લગાવ્યો હતો કે, જ્યારે આખી દુનિયા ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ટીકા કરી રહી છે, ત્યારે વડા પ્રધાન મોદી ત્યાં "નૈતિક કાયરતા"નો પરિચય આપવા જઈ રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે 'X' પર પોસ્ટ કરી હતી કે, '20 મે, 1960ના રોજ જવાહરલાલ નેહરુ ગાઝામાં હતા અને ત્યાં સંયુક્ત રાષ્ટ્રના ઈમરજન્સી ફોર્સની ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. 29 નવેમ્બર, 1981ના રોજ ભારતે પેલેસ્ટાઇન સાથે એકતા વ્યક્ત કરતા એક સ્મારક ટપાલ ટિકિટ જારી કરી હતી. 18 નવેમ્બર, 1988ના રોજ ભારતે પેલેસ્ટાઈન રાજ્યને ઔપચારિક રીતે માન્યતા આપી હતી.'

આ પણ વાંચો: VIDEO: ઈઝરાયલમાં PM મોદીનું રેડ કાર્પેટ સ્વાગત, નેતન્યાહૂ ભેટી પડ્યા, ગાર્ડ ઑફ ઓનર અપાયું

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'મને આશા છે કે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આગામી ઈઝરાયલ પ્રવાસ દરમિયાન નેસેટને સંબોધિત કરશે અને ગાઝામાં હજારો નિર્દોષ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના નરસંહારનો ઉલ્લેખ કરશે અને તેમના માટે ન્યાયની માગ કરશે. એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારત પોતાના સમગ્ર ઈતિહાસમાં જે સાચું છે તેના માટે ઊભું રહ્યું છે. આપણે દુનિયાને સત્ય, શાંતિ અને ન્યાયનો પ્રકાશ બતાવતા રહેવું જોઈએ.'

આ પણ વાંચો: 'નેતન્યાહૂને ગળે લગાવવા એ કાયરતા...', PM મોદીના ઈઝરાયલ પ્રવાસ પર ભડકી કોંગ્રેસ

PM મોદીનો ઈઝરાયલ પ્રવાસ

લગભગ 9 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલના બે દિવસના પ્રવાસે પહોંચ્યા છે. તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી ઈઝરાયલી સંસદ, નેસેટને પણ સંબોધિત કરી હતી.