Get The App

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો 1 - image

- ક્રૂડ ઓઈલનો ભાવ આકાશને આંબતા પેટ્રોલ-ડીઝલ પાંચ દિવસમાં ફરી મોંઘા થયા

- ઓઈલ કંપનીઓ માટે પેટ્રોલ અને ડીઝલમાં રૂ.3-4થી કશું નહીં થાય, રૂ. 17 સુધીનો વધારો જરૂરી હોવાનો નિષ્ણાતોનો દાવો

- પ્લાસ્ટિક પેકેજિંગની આયાત અને ટ્રાન્સપોર્ટેશનના કારણે મોર્ડન બ્રેડના ભાવમાં રૂ. 5નો વધારો

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ, ઈરાન યુદ્ધના કારણે દુનિયાભરમાં ઊભી થયેલી ઓઈલ કટોકટીના કારણે ભારતમાં એક સપ્તાહથી ઓછા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. સરકારી ઓઈલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૯૦ પૈસાનો વધારો કર્યો છે. બીજીબાજુ નિષ્ણાતોએ દાવો કર્યો છે કે સરકારી ઓઈલ કંપનીઓનું નુકસાન સરભર કરવા પેટ્રોલ અને ડીઝલમાં રૂ. ૩-૪ના વધારાથી કશું નહીં થાય. ઓઈલ કંપનીઓએ પ્રતિ લીટર રૂ. ૧૩થી ૧૭ સુધીનો ભાવ વધારો કરવો પડશે.

વૈશ્વિક ક્રૂડ ઓઈલ કટોકટીની અસર ભારત પર પણ થઈ રહી છે. ક્રૂડ ઓઈલના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે સરકારી ઓઈલ કંપનીઓ માટે પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો કરવો અનિવાર્ય બની ગયું છે. ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમે મંગળવારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર ૯૦ પૈસાનો ભાવ વધારો કર્યો છે. હવે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૭.૭૭થી વધીને રૂ. ૯૮.૬૪ જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૯૦.૬૭થી વધીને રૂ. ૯૧.૫૮ થઈ ગયો છે. 

દેશમાં ચાર વર્ષ કરતાં વધુ સમય પછી શુક્રવારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. ૩નો વધારો કરાયા પછી મંગળવારે આ નજીવો વધારો કરાયો છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ફેબુ્રઆરી પછી ૫૦ ટકાથી વધુનો વધારો થયો છે અને હોર્મુઝની ખાડીની નાકાબંધીના કારણે ક્રૂડ ઓઈલનો પૂરવઠો ખોરવાઈ ગયો છે ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે સરકારી ઓઈલ કંપનીઓનું નુકસાન ઘટાડવા માટે પેટ્રોલ અને ડીઝલના રિટેલ વેચાણમાં રૂ. ૩-૪ના વધારાથી કશું નહીં થાય. સરકારી ઓઈલ કંપનીઓએ પ્રતિ લીટર રૂ. ૧૩થી ૧૭  સુધીનો વધારો કરવો પડી શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા પછી પણ સરકારી ઓઈલ કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના નીચા ભાવના કારણે સરકારી ઓઈલ કંપનીઓને માસિક રૂ. ૨૫,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે. ડીઝલની અન્ડર-રિકવરી લગભગ પ્રતિ લીટર રૂ. ૧૧.૪૦ અને પેટ્રોલની રૂ. ૧૪.૩૦ પ્રતિ લીટર છેે. આ સંજોગોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ વધારાની સંભાવના નકારી શકાય નહીં. કંપનીના સૂત્રોએ કહ્યું કે, ગ્રાહકોની સુરક્ષા અને મોંઘવારીના દબાણને મર્યાદિત કરવા માટે કિંમતોમાં ધીમે-ધીમે નજીવો વધારો કરવામાં આવી શકે છે. દરમિયાન દેશમાં પેટ્રોલ, ડીઝલ, દૂધ પછી હવે બ્રેડના ભાવમાં પણ વધારો થઈ ગયો છે. મોર્ડન બ્રેડે બેઝિક વેરિઅન્ટના ભાવમાં પ્રતિ પેકેટ રૂ. ૫નો વધારો કરાયો છે. બ્રેડના પ્લાસ્ટિક પેકેજિંગની આયાત અને ટ્રાન્સપોર્ટેશન મોંઘા થતા બ્રેડના ભાવમાં વધારો કરાયો છે. મોર્ડન બ્રેડે સેન્ડવીચ બ્રેડના ભાવ રૂ. ૪૦થી વધારીને રૂ. ૪૫, હોલ વ્હીટ બ્રેડ રૂ. ૫૫થી વધારી રૂ. ૬૦, મલ્ટીગ્રેન બ્રેડ રૂ. ૬૦થી વધારી રૂ. ૬૫ કરાયા છે. નાની બ્રાઉન બ્રેડનો ભાવ રૂ. ૨૮થી વધારી રૂ. ૩૦ કરાયો છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.