India

ભારતમાં ડેન્ગ્યુની પ્રથમ વેક્સિનને મંજૂરી, 4થી 60 વર્ષ સુધીની વયના લોકો લઈ શકશે QDENGA

By GS Team
20 Jul 20264 mins read
TukuTouch Logo
ભારતમાં ડેન્ગ્યુ સામે રક્ષણ આપતી પ્રથમ વેક્સિન 'QDENGA'ને મંજૂરી મળી છે. જાપાનની 'Takeda' કંપની દ્વારા નિર્મિત આ રસીને ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) એ 4થી 60 વર્ષના લોકો માટે લીલી ઝંડી આપી છે. ડેન્ગ્યુના 4 વેરિઅન્ટ સામે અસરકારક આ રસીના 2 ડોઝ 3 મહિનાના અંતરે અપાશે, જે 90% સુધી હોસ્પિટલાઇઝેશન ઘટાડવામાં સક્ષમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં ડેન્ગ્યુની પ્રથમ વેક્સિનને મંજૂરી, 4થી 60 વર્ષ સુધીની વયના લોકો લઈ શકશે  QDENGA
IMAGE - IANS

Dengue Vaccine approved in India: દર વર્ષે ચોમાસું શરૂ થતાં જ દેશભરમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઝડપથી વધવા લાગે છે. વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ લાખો લોકોને પોતાની ઝપેટમાં લે છે અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગે છે તે હવે સામાન્ય વાત બની ગઈ છે. ઘણા કિસ્સાઓમાં તો દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર થઈ જાય છે અને આ સમસ્યા વર્ષોવર્ષ વકરી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે હવે ભારત માટે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુથી બચાવ માટે એક રસી (વેક્સિન)ને મંજૂરી આપી દેવામાં આવી છે. આ રસીનું નામ QDENGA (ક્યૂડેન્ગા) છે, જેને જાપાનની જાણીતી ફાર્મા કંપની 'Takeda' દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) એ આ રસીને 4થી 60 વર્ષની વયના લોકો માટે લીલી ઝંડી આપી દીધી છે.

શું છે QDENGA વેક્સિનની સૌથી મોટી ખાસિયત?

QDENGAએ ભારતમાં મંજૂર થનારી સર્વપ્રથમ ડેન્ગ્યુ વેક્સિન છે. આ રસીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને લગાડતા પહેલાં વ્યક્તિને ક્યારેય ભૂતકાળમાં ડેન્ગ્યુ થયો છે કે નહીં, તેની કોઈ પણ પ્રકારની તપાસ કરાવવાની જરૂર રહેશે નહીં. એટલે કે, આ રસી કોઈ પણ વ્યક્તિને સરળતાથી આપી શકાશે. જો કોઈને પહેલા ડેન્ગ્યુ થઈ ચૂક્યો હોય તો પણ તે આ રસી લઈ શકે છે અને જો ક્યારેય ડેન્ગ્યુ ન થયો હોય તો પણ આ રસી લગાડી શકાય છે.

કોણ અને કેવી રીતે લઈ શકશે આ રસી?

તબીબી મંજૂરી અનુસાર, આ રસી 4 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની ઉંમરના તમામ લોકો માટે ઉપલબ્ધ બનશે. આ વેક્સિનના કુલ બે ડોઝ આપવામાં આવશે, જેમાં બંને ડોઝની વચ્ચે 3 મહિનાનો સમયગાળો રાખવો અનિવાર્ય છે. આ રસી ત્વચાની નીચે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવશે.

ભારત માટે આ મંજૂરી કેમ અત્યંત મહત્ત્વની છે?

વિશ્વમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ ધરાવતા દેશોમાં ભારત મોખરે છે. એક અનુમાન મુજબ, દુનિયાભરના કુલ ડેન્ગ્યુ કેસનો આશરે ત્રીજો ભાગ માત્ર ભારતમાં જ જોવા મળે છે. કંપનીના રિપોર્ટ અનુસાર, છેલ્લા 20 વર્ષમાં ભારતમાં ડેન્ગ્યુના નોંધાયેલા કેસોમાં અંદાજે 11 ગણો તોતિંગ વધારો થયો છે. વર્ષ 2025માં જ દેશમાં 1.13 લાખથી વધુ સત્તાવાર કેસ નોંધાયા હતા, જોકે નિષ્ણાતોના મતે વાસ્તવિક આંકડો આના કરતાં ઘણો મોટો હોઈ શકે છે.

ડેન્ગ્યુના ચારેય વેરિઅન્ટ સામે આપશે રક્ષણ

ડેન્ગ્યુ વાયરસના મુખ્ય ચાર અલગ-અલગ પ્રકાર (સ્ટ્રેઈન) હોય છે. QDENGA વેક્સિનને ખાસ એવી વૈજ્ઞાનિક વ્યૂહનીતિથી ડિઝાઇન કરવામાં આવી છે કે તે ડેન્ગ્યુના આ ચારેય પ્રકારના વાયરસ સામે શરીરને સંપૂર્ણ સુરક્ષા પૂરું પાડવામાં મદદ કરે છે.

ક્લિનિકલ ટ્રાયલમાં 90% સુધી અસરકારક સાબિત થઈ

કંપનીના જણાવ્યા અનુસાર, QDENGA પર અત્યાર સુધીનો સૌથી મોટા પાયે સંશોધન અને રિસર્ચ કરવામાં આવ્યું છે, જેમાં 28,000થી વધુ લોકો પર તેનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. ક્લિનિકલ ટ્રાયલના પરિણામો દર્શાવે છે કે, રસીનો બીજો ડોઝ લીધાના 12 મહિના પછી તે ડેન્ગ્યુના બચાવમાં 80.2% અસરકારક જોવા મળી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ રસી ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને 90.4% સુધી ઘટાડવામાં સફળ રહી છે.

લાંબા ગાળાના આંકડા પણ ખૂબ જ સકારાત્મક રહ્યા છે. સ્ટડી અનુસાર, સાડા ચાર વર્ષ પછી પણ આ રસી દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાથી રોકવામાં 84.1% અસરકારક રહી છે, જ્યારે 7 વર્ષ સુધી તેની સુરક્ષા અને પ્રભાવ જળવાઈ રહેવાના મજબૂત પુરાવા મળ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની પણ ભલામણ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પણ અગાઉ જ QDENGA વેક્સિનની ભલામણ કરી દીધી છે. WHOનું કહેવું છે કે જે દેશોમાં ડેન્ગ્યુનું જોખમ વધારે છે, ત્યાં પબ્લિક વેક્સિનેશન પ્રોગ્રામમાં આ રસીનો સમાવેશ કરવો જોઈએ. આ રસીને WHOનું પ્રીક્વાલિફિકેશન પણ મળી ચૂક્યું છે, જેનો અર્થ એ થાય છે કે તે ક્વોલિટી, સુરક્ષા અને અસરકારકતાના તમામ આંતરરાષ્ટ્રીય ધોરણો પર ખરી ઉતરી છે.

વિશ્વના 43 દેશોમાં મળી ચૂકી છે મંજૂરી

આ વેક્સિનને ભારત સહિત વિશ્વના 43 દેશોમાં સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. કંપનીના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં દુનિયાભરમાં આ રસીના 3.2 કરોડ (32 મિલિયન) થી વધુ ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. બ્રાઝિલ, આર્જેન્ટિના, કોલંબિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ તો તેને પોતાના સરકારી રસીકરણ કાર્યક્રમમાં પણ સામેલ કરી દીધી છે.

રસી લીધા પછી પણ સાવચેતી રાખવી જરૂરી

તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે વેક્સિન ડેન્ગ્યુ સામે બચાવનું એક મજબૂત હથિયાર ચોક્કસ છે, પરંતુ તેની સાથે-સાથે મચ્છરોથી બચવાના અન્ય ઉપાયો પણ ચાલુ રાખવા જ પડશે. આ માટે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું:

ઘરની આસપાસ ક્યાંય પણ પાણી જમા ન થવા દો.

શરીર પૂરેપૂરું ઢંકાય તેવા લાંબી બાયના કપડાં પહેરો.

મચ્છરદાની અને મચ્છર ભગાડતી ક્રીમ કે લિક્વિડનો ઉપયોગ કરો.

જો જોરદાર તાવ આવે, શરીરમાં સખત દુખાવો થાય કે પ્લેટલેટ્સ ઓછા થવાના લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વગર તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.