ભારતીય નૌકાદળને 18,000 કરોડના ખર્ચે અત્યાધુનિક ડ્રોન ખરીદવા મંજૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 'કામીકાજ' ડ્રોન ૧,૦૦૦ કિ.મી.થી વધુની મારક ક્ષમતાવાળા હશે
- ૨૦૩૦ સુધીમાં દેશનું દરેક યુદ્ધજહાજ બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ થતાં હિંદ મહાસાગરમાં ભારતની તાકાત વધશે
- નવા યુદ્ધજહાજો બ્રહ્મોસ માટે ૧૬ વર્ટિકલ લોન્ચર લઈ જઈ શકે છે, અગાઉના આઠ જ લઈ જઈ શકતા હતા
નવી દિલ્હી : સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળના જહાજોને લોન્ચ થનારા લોઇટરિંગ મ્યુનિશન એટલે કે કામીકાજ ડ્રોનથી સજ્જ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે ૧૮,૦૦૦ કરોડના આરએફઆઈને મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત બ્રહ્મોસની નવી આવૃત્તિ પડે પણ નૌકાદળને સજ્જ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આમ નૌકાદળ અત્યાધુનિક ડ્રોન અને મિસાઇલ બંનેથી ૨૦૩૦ સુધીમાં સજ્જ થશે.
નૌકાદળના જણાવ્યા મુજબ આ કામિકેજ ડ્રોન યુદ્ધજહાજમાંથી છોડી શકાશે. તે સમુદ્રની અંદરના અને જમીન પર એમ બંને લક્ષ્યાંકો પર હુમલા કરી શકશે. આ સિસ્ટમની લઘુત્તમ રેન્જ ૧,૦૦૦ કિ.મી.ની હશે. તેના કારણે લાંબા અંતર સુધી પ્રહાર કરવાની નૌકાદળની ક્ષમતા નવા જ સ્તરે પહોંચશે. આ ઉપરાંત નૌકાદળ સમુદ્રની અંદર પેટ્રોલિંગ પણ વધારી શકશે.આ સિવાય આ ડ્રોન સળંગ નવ કલાક સુધી તેના લક્ષ્યાંકની ઉપર મંડરાતા રહી શકશે, તેની ક્રૂઝિંગ સ્પીડ ૭૫ નોટ એટલે કે ૧૩૮ કિ.મી.થી વધુ અને ટર્મિનલ એટેક સ્પીડ ૨૦૦ નોટ એટલે કે પ્રતિ કલાક ૩૭૦ કિ.મી.ની રાખવામાં આવી છે.
આ ડ્રોન ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઇન્ફ્રારેડ ઇઓ-આઇઆર સીકરથી સજ્જ હશે. તેના પગલે દિવસ-રાત નિરીક્ષણ કરવાની સાથે ચોકસાઈપૂર્વક હુમલો પણ કરી શકાશે.આ ડ્રોન ૧૫ હજાર ફૂટની ઊંચાઈએ ઉડી શકશે. તેની ખરીદીમાં પણ ભારતીય ઉદ્યોગ અને સ્વદેશી એકમોને પ્રાથમિકતા આપવામાં આવશે. આમ બાય ઇન્ડિયન શ્રેણી હેઠળ પ્રક્રિયા આગળ વધવાની સંભાવના છે. આ ડ્રોન નૌકાદળને નવી તાકાત આપશે, તે પરંપરાગત ક્રુઝ મિસાઇલોનો વિકલ્પ બની શકે છે. તેનું નિયંત્રણ એક જહાજથી બીજા જહાજમાં ટ્રાન્સફર કરી શકાય અથવા જમીન પર આવેલા યુનિટમાં પણ ટ્રાન્સફર કરી શકાશે. તેનાથી તેનું સંચાલન વધુ અસરકારક બનશે. આ ડ્રોન હિંદ મહાસાગરમાં ભારતનેી રણનીતિક પહોંચ વિસ્તારશે. બધુ મળીને નૌકાદળની યુદ્ધક્ષમતા વધારવાની દિશામાં આ મહત્ત્વનું પગલું છે.
ભારતીય નૌકાદળ આટલેથી અટકવાનું નથી. નૌકાદળના બધા જ યુદ્ધજહાજોને ૨૦૩૦ સુધીમાં બ્રહ્મોસથી સજ્જ કરવાનું લક્ષ્ય છે. છેલ્લા એક વર્ષમાં બ્રહ્મોસથી સજ્જ હોય તેવા છથી વધુ યુદ્ધજહાજ નૌકાદળમાં સામેલ થયા છે,જેથી તેમની સંખ્યા ૨૦ પર પહોંચી ગઈ છે. બધા નવા જહાજ બ્રહ્મોસ સિસ્ટમથી સજ્જ છે. બીજા જહાજો પર કામ ચાલી રહ્યું છે. નવા યુદ્ધજહાજો ૧૬ વર્ટિકલ લોન્ચર લઈ જઈ શકે છે, જ્યારે જૂના આઠ લઈ જઈ શકતા હતા. નૌકાદળને ફેબુ્રઆરી ૨૦૨૪માં જ યુદ્ધજહાજો માટે ૨૨૦થી વધુ બ્રહ્મોસ ખરીદવા મંજૂરી મળી ગઈ છે. ૨૦૩૦ સુધીમાં લગભગ બધા યુદ્ધજહાજ પર બ્રહ્મોસ ઉપલબ્ધ થતાં ભારતની લાંબા અંતરની સામુદ્રિક હુમલાની ક્ષમતા વધુ મજબૂત બનશે. ભારતીય નૌકાદળ ૨૦૪૭ સુધીમાં સંપૂર્મપણે સ્વદેશી ઉત્પાદનો પર આધારિત બનવાનું ધ્યેય ધરાવે છે, પરંતુ હજી તેણે લાંબી મજલ કાપવાની છે.









