Get The App

'નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ...', ઇન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
General Upendra Dwivedi
(IMAGE - IANS)

General Upendra Dwivedi: ભારતીય સૈન્યના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપતાં જણાવ્યું છે કે, 'ભારત અત્યારે 'ઓપરેશન સિંદૂર 2.0' (Operation Sindhoor 2.0) માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ રહ્યું છે. પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાએ જે કડક વલણ અપનાવ્યું હતું, તે આજે પણ યથાવત્ છે.'

પાકિસ્તાનને આડકતરો અને કડક સબક: ત્રણેય પાંખ ઍલર્ટ પર

જનરલ દ્વિવેદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના ભારતની સૈન્ય તૈયારીઓનો ઉલ્લેખ કરીને એક શક્તિશાળી સંદેશ આપ્યો હતો. તેમણે સંકેત આપ્યો કે ઓપરેશન સિંદૂર હજુ પણ સત્તાવાર રીતે ચાલુ જ છે અને હાલની શાંતિ એ દુશ્મનાવટમાં માત્ર એક ક્ષણિક વિરામ છે. જો ભવિષ્યમાં કોઈ નવું ઓપરેશન કરવાની જરૂર પડશે, તો માત્ર ભૂમિસેના જ નહીં, પરંતુ વાયુસેના અને નૌસેના પણ વળતો પ્રહાર કરવા માટે 24 કલાક (24x7) તૈયાર છે. હાલમાં ત્રણેય પાંખ વચ્ચે પરસ્પર તાલમેલ વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

યુદ્ધના મેદાનમાં અત્યંત સતર્કતા અને સુરક્ષા જરૂરી

જનરલ દ્વિવેદીએ આજના આધુનિક યુદ્ધક્ષેત્ર અંગે વાત કરતાં જણાવ્યું કે, 'અત્યારે યુદ્ધનું મેદાન એટલું ખુલ્લું અને ડિજિટલ થઈ ગયું છે કે આપણી દરેક હિલચાલ પર દુશ્મનની નજર હોય છે. આ પરિસ્થિતિમાં આપણે સરહદ પર સૈનિકોની તહેનાતી, વ્યૂહનીતિ અને બોર્ડર નજીક રહેતા સામાન્ય નાગરિકોની સુરક્ષાને લઈને ખૂબ જ વધારે સતર્ક અને સાવધ રહેવું પડશે.'

ઇન્ફોર્મેશન વોરફેરમાં દેશની એકતા સૌથી મહત્ત્વની

ઇન્ફોર્મેશન વોરફેર (માહિતી યુદ્ધ) અંગે વાત કરતાં સૈન્ય વડાએ કહ્યું કે, 'કોઈપણ દેશ ઇન્ફોર્મેશન વોરફેર ત્યારે જ જીતી શકે છે જ્યારે આખો દેશ સત્તાવાર માહિતી આપનારા તંત્રો પર ભરોસો રાખે અને એક થઈને ઊભો રહે. જ્યારે દેશના તમામ નાગરિકો અને હિતધારકો એકબીજા પર અતૂટ વિશ્વાસ રાખે છે, ત્યારે એ દેશની જીત હંમેશા નિશ્ચિત બને છે.'

આ પણ વાંચો: 'એક ઘર, એક કનેક્શન...' 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે!

શું છે 'ઓપરેશન સિંદૂર'નો ઇતિહાસ?

ગત વર્ષે 22 એપ્રિલના રોજ દક્ષિણ કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ પહલગામની બૈસરન ઘાટીમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ કાયરતાપૂર્ણ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 7 અને 8 મે 2025ની મધ્યરાત્રિએ પાકિસ્તાન સમર્થિત આતંકવાદ વિરુદ્ધ એક મોટું સૈન્ય ઓપરેશન શરૂ કર્યું હતું, જેને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું.