Get The App

ભારતે COP33ની મેજબાનીનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો, કારણ પણ ન જણાવ્યું, 2028માં થવાનું હતું આયોજન

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
India COP33 withdrawal


(IMAGE - IANS)

India COP33 withdrawal: ભારતે વર્ષ 2028માં યોજાનારા યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલન COP33ની યજમાની કરવાનો પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. વૈશ્વિક સ્તરે આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ભારતે પોતે આ કાર્યક્રમ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી.

યજમાનીના પ્રસ્તાવ પરથી ભારતની પીછેહઠ

વર્ષ 2023માં દુબઈ ખાતે યોજાયેલ COP28 દરમિયાન પીએમ મોદીએ પોતે આંતરરાષ્ટ્રીય મંચ પરથી પ્રસ્તાવ મૂક્યો હતો કે ભારત 2028માં COP33ની યજમાની કરવા ઈચ્છે છે. તે સમયે પીએમ મોદીએ આબોહવા પરિવર્તન સામેની વૈશ્વિક લડાઈમાં ભારતની વધતી જતી ભૂમિકા અને નેતૃત્વને રેખાંકિત કર્યું હતું. જોકે, હવે સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ભારતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચવાની જાણ કરી દીધી છે, પરંતુ આ પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.

પ્રસ્તાવ પાછો ખેંચવા પર કોઈ સત્તાવાર સ્પષ્ટતા નહીં

પર્યાવરણ મંત્રાલયે આ બાબતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. નોંધનીય છે કે ભારત આ આયોજન માટે ખૂબ જ ગંભીર હતું અને જુલાઈ 2025માં મંત્રાલય દ્વારા ખાસ 'COP33 સેલ'ની રચના પણ કરવામાં આવી હતી, જેથી વર્ષ 2028ના શિખર સંમેલન માટે તમામ સાધન-સામગ્રી અને વ્યૂહનીતિ તૈયાર કરી શકાય.

આ પણ વાંચો: કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ

પર્યાવરણના રક્ષણ માટે વૈશ્વિક લક્ષ્યાંકોની ચર્ચા

COP એટલે કે 'કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ' એ સંયુક્ત રાષ્ટ્ર હેઠળ યોજાતું વિશ્વનું સૌથી મોટું વાર્ષિક સંમેલન છે. આ મંચ પર વિશ્વના દેશો ભેગા મળીને આબોહવા પરિવર્તન સામે લડવા માટેના લક્ષ્યાંકો અને નીતિઓ પર ચર્ચા કરે છે. સામાન્ય રીતે આ સંમેલન વિવિધ પ્રાદેશિક જૂથો વચ્ચે વારાફરતી યોજાય છે. હવે પછીનું COP31 સંમેલન તૂર્કિયે અને ઓસ્ટ્રેલિયા સંયુક્ત રીતે યોજશે, જ્યારે તે પછીનું સંમેલન ઈથિયોપિયામાં યોજાનાર છે. આવા સમયે ભારતનું પાછળ હટવું એ વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે.

ભારતે COP33ની મેજબાનીનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો, કારણ પણ ન જણાવ્યું, 2028માં થવાનું હતું આયોજન 2 - image