Explainer: મોંઘી ખાંડ, કડવા તહેવાર...દેશમાં ખાંડ સંકટ માટે ઇથેલોન સહિત 5 કારણો જવાબદાર?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Sugar Price Hike: ભારતમાં તહેવારોની મોસમ એટલે મીઠાઈઓ અને ખુશીઓનો સમય. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં મીઠાઈ વિના ઉજવણી અધૂરી ગણાય છે. પરંતુ આ વર્ષે તહેવારોની આ મીઠાશ થોડી કડવી અને મોંઘી સાબિત થઈ શકે છે, કેમ કે દેશમાં ખાંડનું ગંભીર સંકટ ઊભું થયું છે. છૂટક બજારમાં ખાંડની અછત સર્જાઈ છે અને તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. માત્ર થોડા જ દિવસોમાં ખાંડના ભાવમાં થયેલા જંગી વધારાએ ગ્રાહકો, વેપારીઓ અને સરકાર સૌની ચિંતા વધારી દીધી છે. ચાલો જાણીએ કે આ સંકટ કેમ ઊભું થયું, સરકારે શું પગલાં લીધા છે અને તેની ખેડૂતો તથા સામાન્ય જનતા પર શું અસર પડી રહી છે.
ભાવમાં કેટલો અને કેવો ઉછાળો આવ્યો?
છેલ્લા એક જ મહિનામાં ખાંડના ભાવમાં 15 થી 20% નો તોતિંગ વધારો નોંધાયો છે. જે ખાંડ થોડા દિવસો પહેલા છૂટક બજારમાં 42 થી 46 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી, તે હવે દેશના ઘણા શહેરોમાં 60 થી 65 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. માત્ર 10 જ દિવસમાં ખાંડના ભાવમાં 20 રૂપિયા જેટલો વધારો થયો છે. જથ્થાબંધ બજારોમાં પણ જુલાઈ મહિનામાં ફેક્ટરીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.
ખાંડના ભાવ આસમાને કેમ પહોંચ્યા?
આ સંકટ પાછળ કોઈ એક કારણ નથી, પરંતુ અનેક પરિબળો જવાબદાર છે.
- હવામાનનો માર અને ઘટતું ઉત્પાદન: વર્ષ 2025-26 ની સિઝન માટે ખાંડના ઉત્પાદનનો અંદાજ ઊંચો હતો. પરંતુ દેશમાં સૌથી વધુ શેરડી પકવતા રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ક્યાંક વધુ પડતો વરસાદ તો ક્યાંક દુષ્કાળ (અલ નીનોની અસર) જોવા મળ્યો. આ અસ્થિર હવામાનને કારણે ઊભા પાકને મોટું નુકસાન થયું અને ઉત્પાદન ઘટી ગયું.
- માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત: એક અંદાજ મુજબ 2025-26 માં દેશમાં ખાંડનું કુલ ઉત્પાદન 27.9 મિલિયન ટન રહેવાની ધારણા છે, જ્યારે વપરાશ 28.5 મિલિયન ટન સુધી પહોંચી શકે છે. ઉત્પાદન ઓછું અને વપરાશ વધુ હોવાથી બજારમાં ખાંડની કિંમત વધી ગઈ છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશનો સ્ટોક ઘટીને માત્ર 30 થી 35 લાખ ટન રહી જવાની ધારણા છે.
- વેપારીઓ દ્વારા સંગ્રહખોરી: બજારમાં અછતની અફવા અને તહેવારોમાં વધતી માંગને જોઈને મોટા વેપારીઓએ સંગ્રહખોરી (Hoarding) શરૂ કરી દીધી. ભવિષ્યમાં વધુ નફો કમાવવાની લાલચમાં તેમણે મોટા પ્રમાણમાં ખાંડના ગોડાઉન ભરી લીધા, જેનાથી બજારમાં કૃત્રિમ અછત ઊભી થઈ.
- ઇથેનોલ નીતિની અસર: સરકાર પેટ્રોલની આયાત ઘટાડવા તેમાં ઇથેનોલ ભેળવવાની નીતિ અપનાવી રહી છે. 2025-26 માં આશરે 3.1 થી 3.4 મિલિયન ટન ખાંડ (સુક્રોઝ) ઇથેનોલ બનાવવા તરફ વાળી દેવામાં આવી. જોકે હવે સરકારે મકાઈ (35-40%) અને ક્ષતિગ્રસ્ત ચોખા (25-30%) નો ઉપયોગ વધાર્યો છે, તેમ છતાં શેરડીનો (24-33%) હિસ્સો નોંધપાત્ર છે.
- નિકાસમાં વિલંબ અને અસમાન સ્ટોક: સરકારે શરૂઆતમાં 1.5 મિલિયન ટન અને પછી વધારાના 500,000 ટન ખાંડની નિકાસને મંજૂરી આપી હતી. મહારાષ્ટ્ર અને કર્ણાટકની મિલોએ શરૂઆતમાં જ મોટા પાયે નિકાસ કરી દીધી હતી. સરકારને અછતનો ખ્યાલ આવ્યો ત્યારે મે મહિનામાં નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, પણ ત્યાં સુધીમાં સ્થાનિક બજારમાં સ્ટોક ઘટી ચૂક્યો હતો.
ભાવ ઘટાડવા સરકારે કયા મોટા પગલાં લીધા છે?
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે છેલ્લા 10 વર્ષમાં ન લીધા હોય તેવા કડક પગલાં લીધા છે.
- ડ્યુટી-ફ્રી આયાત (આયાત પર છૂટ): એક દાયકામાં પહેલીવાર ભારતે ખાંડની આયાત કરવી પડી રહી છે. 1 ઓક્ટોબર સુધી દેશમાં 1 મિલિયન મેટ્રિક ટન (MMT) કાચી ખાંડ કોઈપણ ટેક્સ (ડ્યુટી) વિના આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેથી બજારમાં પુરવઠો વધે.
- નિકાસ પર કડક પ્રતિબંધ: 13 મે, 2026 થી અમલમાં આવેલો ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ 30 સપ્ટેમ્બર, 2026 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આનો હેતુ દેશની ખાંડ દેશના લોકો માટે જ બચાવવાનો છે.
- સ્ટોક મર્યાદા (Stock Limits): સંગ્રહખોરી રોકવા માટે 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી નવા નિયમો લાગુ કરાયા છે. હવે કોઈપણ વેપારી એક સ્થળે 4000 ક્વિન્ટલથી વધુ ખાંડ રાખી શકશે નહીં. ઉપરાંત, ખાંડ ખરીદ્યાના 15 દિવસની અંદર તેમણે તે વેચી દેવી પડશે. અગાઉ આ મર્યાદા 30 દિવસ અને માત્ર 10 મેટ્રિક ટનની હતી. વેપારીઓએ ઓનલાઈન પોર્ટલ પર દર અઠવાડિયે પોતાનો સ્ટોક જાહેર કરવો પડશે.
- મિલોનું ઇન્સ્પેક્શન અને માસિક ક્વોટા: સરકાર હવે મિલોના સ્ટોકનું રૂબરૂ (ભૌતિક) ચેકિંગ કરી રહી છે, જેનો હેતુ મિલો દ્વારા જાહેર કરાયેલા અને વાસ્તવિક સ્ટોક વચ્ચેની વિસંગતતાઓને ઓળખવાનો છે, તેમજ વેચાણ ક્વોટાનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. સરકારે જુલાઈ માટે 2.2 મિલિયન ટન અને ઓગસ્ટ માટે 2.25 મિલિયન ટન ખાંડ સ્થાનિક બજારમાં વેચવાનો ક્વોટા નક્કી કર્યો છે.
- ઇથેનોલ ઉત્પાદનની સમીક્ષા: સ્થાનિક માંગ પૂરી કરવા માટે સરકાર આગામી સિઝનમાં શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે.
ભાવ વધ્યા તો પણ ખેડૂતોના હાથ ખાલી કેમ?
આ આખી પરિસ્થિતિની સૌથી કડવી વક્રતા એ છે કે ખાંડના ભાવ વધવાથી મિલો, વચેટિયાઓ અને સંગ્રહખોરો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે, પરંતુ જે ખેડૂત શેરડી પકવે છે તે દેવામાં ડૂબેલો છે. કાયદા મુજબ ખેડૂતને શેરડી આપ્યાના 14 દિવસમાં ચુકવણી થઈ જવી જોઈએ, પરંતુ વાસ્તવિકતા જુદી છે. 16 ફેબ્રુઆરી, 2026 સુધીના આંકડા મુજબ દેશભરની મિલોએ ખેડૂતોને 16,087 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે! આમાં મહારાષ્ટ્રના 4,898 કરોડ અને ઉત્તર પ્રદેશના 4,000 કરોડથી વધુ રૂપિયા બાકી છે. ખાંડનો ફેક્ટરી ભાવ 25.60 થી 26.22 રૂપિયા પ્રતિ કિલો છે, જે ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓછો હોવાની દલીલો મિલો કરે છે. પરંતુ બજારમાં વધતા ભાવથી મિલો પાસે રોકડ આવી રહી છે, છતાં ખેડૂતોને તેમના હકના પૈસા મળતા નથી. આ અન્યાય સામે છત્તીસગઢ અને યુપીના પીલીભીત સહિત દેશભરમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
સામાન્ય માણસ અને તહેવારો પર કેવી અસર પડશે?
ખાંડના ભાવ વધવાની સીધી અસર ગૃહિણીઓના બજેટ અને તહેવારોની મજા પર પડશે. જ્યારે કન્ફેક્શનરી કંપનીઓ, ડેરીઓ અને મીઠાઈવાળાઓને મોંઘી ખાંડ મળશે, ત્યારે તેઓ તેનો બધો જ બોજ ગ્રાહકો પર નાખશે. પરિણામે બજારમાં મળતી પેકેજ્ડ કેન્ડી, બિસ્કિટ, બેકરીની આઈટમો અને મીઠાઈઓના ભાવમાં મોટો ઉછાળો આવશે. આગામી દિવાળી અને છઠ પૂજા સુધી ખાંડની માંગ ટોચ પર રહેશે, તેથી નિષ્ણાતો માને છે કે હજુ પણ ભાવમાં ઘટાડો થવાની શક્યતા નહિવત્ છે.
સરકાર ડ્યુટી-ફ્રી આયાત અને સ્ટોક લિમિટ જેવા પગલાંથી આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જ્યાં સુધી માંગ અને પુરવઠાનું સંતુલન જળવાય નહીં અને ખેડૂતોને તેમના હકના નાણાં સમયસર ન મળે, ત્યાં સુધી દેશનો ખાંડ ઉદ્યોગ અને સામાન્ય ગ્રાહકો આ કડવાશનો અનુભવ કરતા રહેશે.









