5,000 કિ.મી દૂરથી આવતી મિસાઈલ હવામાં જ થશે નેસ્તનાબૂદ, ભારતનું મલ્ટી-લેયર્ડ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

DRDO Multi Layered Ballistic Missile Defence System : ભારતે સંરક્ષણ (Defence) ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ દેશની સુરક્ષાને અભેદ્ય બનાવતા પોતાની મલ્ટી-લેયર્ડ બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) સિસ્ટમનું સતત 3 વખત સફળ પરીક્ષણ કર્યું છે. આ અત્યાધુનિક સિસ્ટમ દુશ્મનની લાંબી અને મધ્યમ અંતરની પરમાણુ મિસાઈલો તેમજ ફાઈટર જેટ્સને અધવચ્ચે જ રોકીને હવામાં તોડી પાડવા માટે સક્ષમ છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, DRDO એ પોતાની આ બહુસ્તરીય સંરક્ષણ ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે 10 અને 11 જૂન 2026ના રોજ આ પરીક્ષણો કર્યા હતા. દેશની આ મોટી સફળતા બદલ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDOની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
અણુ મિસાઈલો (ICBM)ને હવામાં તોડી પાડવાની અદ્ભુત શક્તિ
આ પરીક્ષણ પૃથ્વીના વાતાવરણની અંદર (Endo-Atmospheric) અને વાતાવરણની સરહદની બહાર (Exo-Atmospheric) એમ બંને સ્તરે મિસાઈલોને તોડી પાડવાની ક્ષમતા ચકાસવા માટે કરવામાં આવ્યું હતું, જે સંપૂર્ણપણે સચોટ રહ્યું હતું.
વિશિષ્ટ દેશોના ક્લબમાં એન્ટ્રી: આ સફળતા સાથે જ ભારત દુનિયાના એવા ગણતરીના અને વિશિષ્ટ દેશોના સમૂહમાં સામેલ થઈ ગયું છે, જેમના વૈશ્વિક સ્તરે 5,000 કિલોમીટરથી વધુ અંતરની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલો (ICBM)ને અવકાશ કે હવામાં જ આંતરીને (Intercept) નષ્ટ કરવાની અદભુત ટેકનોલોજી છે.
સચોટ નિશાન: ટેસ્ટિંગ દરમિયાન ભારતીય 'ઇન્ટરસેપ્ટર' મિસાઇલોએ પોતાના નિર્ધારિત ટાર્ગેટ્સને હવામાં જ સફળતાપૂર્વક ફૂંકી માર્યા હતા.
નેવલ એન્ટી-શિપ મિસાઈલ (NASM-MR) નું પણ સફળ પરીક્ષણ
બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ઉપરાંત, ભારતે દરિયામાં પોતાની સૈન્ય તાકાત વધારતા મધ્યમ અંતરની નેવલ એન્ટી-શિપ મિસાઈલ (NASM-MR - Naval Anti-Ship Missile-Medium Range)નું પણ પ્રથમ ઉડાન-પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ મિસાઈલ સમુદ્રમાં દુશ્મનના યુદ્ધજહાજોને પળવારમાં નષ્ટ કરવાની તાકાત ધરાવે છે.
શું છે આ મલ્ટી-લેયર્ડ સિસ્ટમ અને કેમ છે જરૂરી?
સામાન્ય રીતે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલો (ICBM) 5,000 કિલોમીટરથી વધુ અંતર સુધી પ્રહાર કરી શકે છે, અને તે પરમાણુ હથિયાર લઈ જવા સક્ષમ હોય છે. લોન્ચ થયા પછી આ મિસાઈલો રોકેટની જેમ સ્પેસમાં જાય છે અને ત્યાંથી અત્યંત ઝડપી ગતિએ પૃથ્વી પરના ટાર્ગેટ તરફ આવે છે. તેમની સ્પીડ એટલી ઘાતક હોય છે કે, સામાન્ય ડિફેન્સ સિસ્ટમ તેને પકડી શકતી નથી.
આવા ખતરાઓનો સામનો કરવા માટે ભારતે આ ટુ-લેયર પ્રોટેક્શન સિસ્ટમ બનાવી છે
એક્સો-એટમોસ્ફેરિક (Exo-Atmospheric): આ સિસ્ટમ પૃથ્વીના વાતાવરણની સૌથી ઉપરની સરહદે એટલે કે સ્પેસની નજીક જ દુશ્મનની મિસાઈલને નષ્ટ કરે છે.
એન્ડો-એટમોસ્ફેરિક (Endo-Atmospheric): જો કોઈ મિસાઈલ ઉપરનું સુરક્ષા ચક્ર પાર કરી જાય, તો આ સિસ્ટમ 100 કિલોમીટરથી ઓછી ઊંચાઈએ વાતાવરણની અંદર જ તેને તોડી પાડે છે.
સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આ તમામ પ્રણાલીઓને ભવિષ્યના ઉભરતા મિસાઈલ જોખમો અને આધુનિક યુદ્ધ તકનીકોને ધ્યાનમાં રાખીને લેટેસ્ટ ટેકનોલોજી સાથે સંપૂર્ણપણે સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે.









