Get The App

3.25 લાખ કરોડની મેગા ડીલ: 114 રાફેલ વિમાનોની ખરીદી માટે LoR આપી ભારતે રચ્યો ઈતિહાસ

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
3.25 લાખ કરોડની મેગા ડીલ: 114 રાફેલ વિમાનોની ખરીદી માટે LoR આપી ભારતે રચ્યો ઈતિહાસ 1 - image

India 114 Rafale Deal : ભારતે વાયુસેના (IAF) ની તાકાત અને લડાયક ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો કરવા માટે ફ્રાન્સ પાસેથી 114 રાફેલ લડાયક વિમાનોની ખરીદી માટે આશરે 3.25 લાખ કરોડ રૂપિયાના મોટા સરકારી કરારનો વિનંતી પત્ર (LOR) મોકલી દીધો છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે 114 માંથી 94 રાફેલ વિમાનો ભારતમાં જ તૈયાર કરવામાં આવશે, જેનાથી દેશના સંરક્ષણ ઉત્પાદન (Defense Production) ને બહુ મોટો વેગ મળશે.

PM મોદીની ફ્રાન્સ મુલાકાત પહેલા મોટો નિર્ણય

સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે મંત્રાલયના એક્વિઝિશન ડિપાર્ટમેન્ટે આ ઓફિશિયલ વિનંતી પત્ર ફ્રેન્ચ સરકારને મોકલ્યો હતો. આ કરાર હેઠળ ફ્રેન્ચ કંપની 'દસો એવિએશન' (Dassault Aviation) એક ભારતીય ભાગીદાર કંપની સાથે મળીને ભારતમાં જ આ વિમાનોનું મેન્યુફેક્ચરિંગ કરશે. ફ્રાન્સ આગામી બે થી ત્રણ મહિનામાં આ પત્રનો જવાબ આપી શકે છે અને બંને દેશો વચ્ચેની વાતચીત પૂરી થઈને કરાર ફાઇનલ થવામાં આશરે એક વર્ષનો સમય લાગશે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનના મધ્યમાં ફ્રાન્સની મુલાકાતે જઈ શકે છે, જ્યાં આ ડીલ પર મહત્વની ચર્ચા થવાની સંભાવના છે.

ભારતમાં રાફેલ વિમાનોની સંખ્યા 200 ને પાર થઈ જશે

ભારતીય વાયુસેના હાલમાં ફાઈટર જેટની સ્ક્વોડ્રનની અછતનો સામેલ સામનો કરી રહી છે, જેને પહોંચી વળવા માટે અદ્યતન 4.5 જનરેશનના રાફેલ વિમાનોને મોટી સંખ્યામાં સામેલ કરવાનું આયોજન છે. ભારતીય વાયુસેના અને નૌસેના પહેલાથી જ કુલ 62 રાફેલ વિમાનોનો ઓર્ડર આપી ચૂકી છે. આ નવા 114 વિમાનોના ઓર્ડર બાદ દેશમાં રાફેલની સંખ્યા 176 થશે. આ ઉપરાંત, ભારતીય નૌસેના દરિયાઈ સુરક્ષા માટે વધુ 31 રાફેલ ખરીદવાની ઈચ્છા જાહેર કરી ચૂકી છે. જો આ તમામ ઓર્ડર પૂરા થશે, તો ભારતમાં કુલ રાફેલ વિમાનોની સંખ્યા 200 થી વધુ થઈ જશે.

'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત ભારતમાં થશે નિર્માણ

સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહના નેતૃત્વમાં કરાયેલા વિગતવાર અભ્યાસ બાદ, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ ચાર મહિના પહેલા આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. હાલમાં વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહ ફ્રાન્સના પ્રવાસે છે, જ્યાં તેઓ દસો એવિએશનના પ્રોડક્શન યુનિટ્સની મુલાકાત લઈ શકે છે. સરકાર વચ્ચેના (Government-to-Government) આ કરારમાં કોઈ વચેટિયા રહેશે નહીં અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહેશે. આ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં બનનારા વિમાનોમાં 50 ટકા લોકલાઈઝેશન (સ્વદેશીકરણ) હશે, એટલે કે ઘણા મહત્વના ભાગો અને સિસ્ટમ ભારતમાં બનશે, જેનાથી ટેક્નોલોજી ટ્રાન્સફર થશે અને ભવિષ્યમાં ભારત પોતાના સ્વદેશી હથિયારોને આ વિમાનો સાથે સરળતાથી ઈન્ટીગ્રેટ કરી શકશે.