India

Explainer: જો ‘સમુદ્ર મંથન’ સફળ રહ્યું તો ભારત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર થઈ જશે! જાણો શું છે ₹84,000 કરોડની મહાકાય યોજના

By GS Team
3 Aug 20264 mins read
TukuTouch Logo
ભારતની ઊર્જા આત્મનિર્ભરતા માટે કેન્દ્ર સરકારે ₹84,084 કરોડના 'સમુદ્ર મંથન' પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ હેઠળ આગામી 5 વર્ષમાં દરિયાના ઊંડાણમાં 60 ઓઇલ અને ગેસ કૂવા ખોદવામાં આવશે. આ પ્રોજેક્ટથી દેશની 88% ક્રૂડ ઓઇલ આયાત નિર્ભરતા ઘટાડવાનો લક્ષ્ય છે, જ્યાં સરકારે સંશોધનનું મોટું જોખમ ઉઠાવવાનો નિર્ણય લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: જો ‘સમુદ્ર મંથન’ સફળ રહ્યું તો ભારત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર થઈ જશે! જાણો શું છે ₹84,000 કરોડની મહાકાય યોજના
AI તસવીર

Samudra Manthan Project India: ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. વિશ્વમાં સૌથી વધુ ક્રૂડ ઓઇલ વપરાશ ધરાવતા દેશોમાં અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજા ક્રમે આવે છે. તાજેતરના વૈશ્વિક ઘટનાક્રમ અને હોર્મુઝ કટોકટીએ સ્પષ્ટ કરી દીધું છે કે દેશ માટે ઊર્જા આત્મનિર્ભરતા કેટલી મહત્ત્વપૂર્ણ છે. ભારત પોતાની કુલ જરૂરિયાતનું 88% ક્રૂડ ઓઇલ બહારથી મંગાવે છે, જેના માટે વાર્ષિક ₹13 લાખ કરોડથી વધુનો ખર્ચ થાય છે. આ આયાત નિર્ભરતા ઘટાડવા અને દેશની ઊર્જા સુરક્ષા મજબૂત કરવા માટે સરકારે હવે દરિયાના ઊંડાણમાં ઓઇલ અને ગેસ શોધવા માટે એક મોટું પગલું ભર્યું છે, જેનું નામ છે પ્રોજેક્ટ ‘સમુદ્ર મંથન’.

શું ભારતમાં ઓઇલના કૂવા છે?

ભારતમાં ઓઇલ અને ગેસ શોધવાનો ઇતિહાસ 150 વર્ષથી પણ વધુ જૂનો છે.

  • ઓઇલનો પહેલો કૂવો: 1867 માં આસામના દિગ્બોઈ ખાતે દેશનો પ્રથમ ઓઇલનો કૂવો મળી આવ્યો હતો. ડિસેમ્બર 1901 સુધીમાં ત્યાં પ્રથમ રિફાઇનરી શરૂ થઈ હતી.
  • મુખ્ય જમીની ક્ષેત્રો (Onshore): પશ્ચિમ ભારતમાં ગુજરાત મોટું ઊર્જા કેન્દ્ર છે. અંકલેશ્વર, કલોલ, મહેસાણા, નવાગામ અને સાણંદ જેવા વિસ્તારો ઓઇલ ભંડાર માટે જાણીતા છે. આ ઉપરાંત રાજસ્થાનનું બાડમેર પણ મહત્ત્વપૂર્ણ પ્રદેશ છે.
  • દરિયાઈ ક્ષેત્રો (Offshore): અરબી સમુદ્રમાં કિનારાથી આશરે 160 કિમી દૂર આવેલું 'મુંબઈ હાઇ' ભારતનું સૌથી મોટું ઓફશોર ઓઇલ ક્ષેત્ર છે. તેની શોધ 1974 માં થઈ હતી. આ સિવાય આંધ્ર પ્રદેશ અને તેને અડીને આવેલી બંગાળની ખાડીમાં સ્થિત કૃષ્ણા-ગોદાવરી બેસિન પણ મહત્ત્વનું કેન્દ્ર છે.
  • Directorate General of Hydrocarbons (DGH) ના આંકડા મુજબ, 1889 થી 2025 સુધીમાં દેશમાં 966 વખત ઓઇલ અને ગેસના ક્ષેત્રોની શોધ થઈ છે. આમાં 312 કૂવા માંથી માત્ર ઓઇલ, 360 માંથી માત્ર ગેસ અને 286 કૂવા માંથી ઓઇલ તથા ગેસ બંને મળી આવ્યા છે.

કયા રાજ્યમાં કેટલા ઓઇલ કૂવા છે?

  • સૌથી વધુ 217 કૂવા ગુજરાતમાં
  • આસામમાં 159
  • મુંબઈ (ઓફશોર)માં 142
  • આંધ્ર પ્રદેશમાં 98
  • રાજસ્થાનમાં 57
  • તમિલનાડુમાં 48

'સમુદ્ર મંથન' યોજના શું છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ₹84,084 કરોડના ‘સમુદ્ર મંથન’ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. સમુદ્રમાં ઓઇલ અને ગેસના સંશોધન માટે ભારતમાં પ્રથમ વખત આટલા મોટા પાયે સરકાર સીધી નાણાકીય સહાય આપી રહી છે. આગામી 5 વર્ષ (2031 સુધી) ચાલનારી આ યોજના હેઠળ સરકારી ભંડોળનો ઉપયોગ નીચે મુજબ થશે.

  • ખોદકામ (Drilling): કુલ 60 ઊંડા અને અતિ-ઊંડા કૂવા ખોદવા માટે ₹43,200 કરોડ ફાળવાશે. સરકાર દરેક કૂવા માટે 50% ખર્ચ અથવા ₹650 કરોડ સીધા આપશે.
  • ડેટા એકત્રિકરણ (Offshore Data): કૂવો ખોદતા પહેલાં યોગ્ય બેસિન ઓળખવા માટે ₹28,534 કરોડનો ખર્ચ ડેટા કલેક્શન પર થશે.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ: ઓઇલ અને ગેસના પરિવહન તથા પ્રોસેસિંગ માટે પાણીની અંદર પાઇપલાઇન અને ગ્રાઉન્ડ સિસ્ટમ ઊભી કરવા ₹10,000 કરોડ ફાળવાયા છે.

ઓઇલ-ગેસ મેળવવા લીધું મોટું જોખમ

અત્યાર સુધી ખાનગી કંપનીઓ આવા ઊંડા દરિયાઈ સંશોધનોથી દૂર રહેતી હતી કારણ કે, જો ઓઇલ કે ગેસ ન મળે તો કરોડો રૂપિયા પાણીમાં જતા રહે છે. આ જોખમ હવે સરકારે પોતે ઉપાડવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, સંશોધનનો વ્યાપ વધારવા સરકારે 99%થી વધુ 'No-Go' વિસ્તારોના નિયંત્રણો હટાવી દીધા છે, જેનાથી Exclusive Economic Zone(EEZ)નો 10 લાખ ચોરસ કિ.મી.થી વધુ નવો વિસ્તાર શોધખોળ માટે ખુલ્લો થયો છે. 'No-Go' વિસ્તાર એટલે એવો દરિયાઈ કે જમીની વિસ્તાર જ્યાં સુરક્ષા, પર્યાવરણ કે સૈન્ય સંરક્ષણ ના કારણોસર કોઈપણ પ્રકારનું ખોદકામ, ઓઇલ-ગેસનું સંશોધન કે વ્યાપારી પ્રવૃત્તિઓ કરવાની મનાઈ કે પ્રતિબંધ હોય છે.

સમુદ્રમાં ખજાનો શોધવા શા માટે જરૂરી છે?

27 જુલાઈના રોજ રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પેટ્રોલિયમ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ માહિતી આપી હતી કે ભારતની આયાત નિર્ભરતા 2021-22માં 85.5% હતી જે 2025-26માં વધીને 88.7% થઈ ગઈ છે. બીજી તરફ, જૂના કૂવામાં પાણી કે રેતી ભરાઈ જવાના કારણે સ્થાનિક ઉત્પાદન 2021-22ના 29.7 મિલિયન મેટ્રિક ટનથી ઘટીને 2025-26માં 28 મિલિટન મેટ્રિક ટન થઈ ગયું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા નવા સ્ત્રોતો શોધવા અત્યંત જરૂરી છે.

સમુદ્ર મંથનના સંભવિત જોખમો

ઊંડા સમુદ્રમાં ઓઇલ અને ગેસની શોધખોળ અત્યંત જટિલ અને ખર્ચાળ છે. તેમાં સૌથી મોટું જોખમ એ છે કે અબજો રૂપિયાના ખર્ચ અને વર્ષોની મહેનત પછી પણ કૂવો ખોદતી વખતે ત્યાંથી વ્યાવસાયિક રીતે ઉત્પાદન કરી શકાય તેટલા પ્રમાણમાં ઓઇલ કે ગેસ મળશે તેની કોઈ ગેરંટી હોતી નથી. આમ છતાં, ઊર્જા આત્મનિર્ભરતા મેળવવા માટે સરકારે આ મોટું નાણાકીય જોખમ ઉઠાવવાની તૈયારી બતાવી છે.