| (IMAGE - IANS) |
India-Russia Relation: ભારત અને રશિયા વચ્ચેના ગાઢ સંબંધોને તોડવા માટે અમેરિકા ભલે પ્રયાસો કરી રહ્યું હોય, પરંતુ રશિયાને હજુ પણ તેના જૂના મિત્ર ભારત પર અતૂટ વિશ્વાસ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન વિદેશ મંત્રાલય સતત એવો દાવો કરી રહ્યા છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે, પરંતુ રશિયાએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ સ્પષ્ટ કર્યું છે કે ભારત તેના વલણમાં ફેરફાર કરે તેવા કોઈ સંકેતો રશિયાને મળ્યા નથી. તેમણે આ વેપારને બંને દેશો માટે ફાયદાકારક અને વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા જાળવનારો ગણાવ્યો છે.
રશિયાએ શું કહ્યું?
રશિયાએ ભારત દ્વારા તેલની ખરીદી ઘટાડવાના અમેરિકી દાવાઓને ફગાવી દેતાં કહ્યું છે કે, 'નવી દિલ્હીના વલણમાં કોઈ ફેરફારના સંકેત નથી. રશિયા આ વેપારને વૈશ્વિક બજારની સ્થિરતા માટે જરૂરી અને પરસ્પર ફાયદાકારક માને છે.' બીજી તરફ, ભારતે પણ સ્પષ્ટ કર્યું છે કે તે રાષ્ટ્રીય હિતમાં જ્યાંથી સસ્તું તેલ મળશે ત્યાંથી ખરીદી ચાલુ રાખશે.
રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ જણાવ્યું હતું કે, 'અમારી પાસે એવું માનવાનું કોઈ કારણ નથી કે ભારતે રશિયન હાઇડ્રોકાર્બન ખરીદવા પર પોતાનું વલણ બદલ્યું છે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદીથી બંને દેશોને ફાયદો થાય છે અને તેનાથી આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં સ્થિરતા જળવાય છે. ટ્રમ્પ અને માર્કો રુબિયોના દાવાઓમાં કંઈ નવું નથી.'
શું છે આખો વિવાદ?
રશિયાની આ પ્રતિક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં થયેલી ટેલિફોનિક વાતચીત બાદ આવી છે. આ વાતચીત પછી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ બની છે. અમેરિકાએ ભારતીય સામાન પરના ટૅરિફને 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી છે અને રશિયન તેલ ખરીદવાને કારણે લાદવામાં આવેલ 25 ટકા એડિશનલ ટૅરિફ પણ હટાવી દીધો છે. આના આધારે ટ્રમ્પ એવો દાવો કરી રહ્યા છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે.
ઊર્જા ખરીદીના નિર્ણયમાં ભારત માટે દેશનું હિત જ સર્વોપરી
ભારતે સત્તાવાર રીતે વોશિંગ્ટનના આ દાવાને ન તો સમર્થન આપ્યું છે, ન તો તેને નકાર્યો છે. દિલ્હીએ ફરીથી ભારપૂર્વક જણાવ્યું છે કે ઊર્જા ખરીદવાના નિર્ણયોમાં માત્ર 'રાષ્ટ્રીય હિત' જ સર્વોપરી રહેશે. એટલે કે, ભારત પોતાના ફાયદા અને જનતાના હિતને ધ્યાનમાં રાખીને જ તેલ ખરીદવાનો સ્વતંત્ર નિર્ણય લેશે. રશિયાએ અમેરિકા પર એવો પણ આરોપ લગાવ્યો છે કે વોશિંગ્ટન ટૅરિફ અને પ્રતિબંધો જેવા દબાણના રસ્તાઓ અપનાવીને ભારત જેવા દેશોને રશિયાથી દૂર રાખવા માંગે છે.


