8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat and India weather Updates : દેશભરમાં હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. દેશના 8 રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અત્યંત સક્રિય થઈ ગઈ છે, જ્યારે રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ આંધી-વંટોળ આફત બનીને ત્રાટક્યું છે, જેમાં યુપી અને એમપીમાં જુદી-જુદી દુર્ઘટનાઓમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. 4 જૂને કેરળમાં દસ્તક દીધા બાદ, ચોમાસું માત્ર 9 દિવસના ટૂંકા ગાળામાં દેશના 19 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે.
ગુજરાત અંગે લેટેસ્ટ હવામાન અપડેટ
ગુજરાત માટે હવામાન વિભાગ અને લેટેસ્ટ સ્થિતિ મુજબ નીચે મુજબની મહત્ત્વની વિગતો સામે આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ અસહ્ય ગરમીનો પ્રકોપ યથાવત્ છે. ગુજરાતના ભાવનગરમાં મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે સ્થાનિક લોકો બફારા અને કાળઝાળ ગરમીથી પરેશાન છે. હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, આગામી 14 જૂનથી 5 જુલાઈની વચ્ચે ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે પ્રવેશી જશે. આ જ સમયગાળા દરમિયાન મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ મોન્સૂનની એન્ટ્રી થઈ જશે.
યુપી-એમપીમાં આંધી અને વીજળીનો કહેર: 5ના મોત
બીજી તરફ, પ્રી-મોન્સૂન વાવાઝોડાને કારણે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ભારે નુકસાન થયું છે યુપીના ઉન્નાવ અને ગાજીપુરમાં વીજળી પડવાના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કાસગંજમાં એક મકાનની છત ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. જ્યારે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ સહિત ચાર જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેમાં એમ્બ્યુલન્સ પર ઝાડ પડવાની અને વીજ વાયરો તૂટવાની ઘટનાઓ સામે આવી છે. રાજસ્થાનના ચુરુમાં આંધીના કારણે મકાનની દીવાલ પડતાં એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાયા હતા, જેમને હૉસ્પિટલ ખસેડાયા છે.
દેશમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અને વરસાદની આગાહી
13 જૂન સુધીમાં ચોમાસું કેરળ, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિત 19 રાજ્યોને આવરી ચૂક્યું છે. દેશમાં સૌથી વધુ 42.4 ડિગ્રી તાપમાન મહારાષ્ટ્રના યવતમાલમાં નોંધાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 19 જૂન સુધી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પંજાબમાં 14 જૂને આંધી-તોફાન સાથે વીજળી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.









