Get The App

ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા મથામણ! 3 મહિનામાં બે ગુપ્ત બેઠક, NSA ડોભાલ એક્ટિવ

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
India-Pakistan Back-Channel Talks
(IMAGE - IANS)

India-Pakistan Back-Channel Talks: ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં હજુ પણ શૂન્યાવકાશ છે. સત્તાવાર સ્તરે કોઈ સંપર્ક નથી થયો, પરંતુ પડદા પાછળ વાતચીતનો માર્ગ ખોલવાના પ્રયાસો તેજ બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મંત્રણાની જવાબદારી બંને દેશોના નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓએ સંભાળી છે. છેલ્લા ત્રણ મહિનામાં કતાર અને એશિયાના અન્ય એક દેશની રાજધાનીમાં ઓછામાં ઓછી બે વાર ગુપ્ત બેઠકો યોજાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ મુલાકાતો અનૌપચારિક છે, પરંતુ તણાવ ઘટાડવા માટેની આ પહેલી મોટી કોશિશ માનવામાં આવે છે.

ગુપ્ત મંત્રણા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય

ભારતીય સરકારી વર્તુળોમાં એવી સર્વસંમતિ બની રહી છે કે ઇસ્લામાબાદ અને રાવલપિંડી (પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટર) સાથે વાતચીત માટે એક ગુપ્ત રસ્તો ખુલ્લો હોવો જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના કાર્યાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયને પણ આ હિલચાલથી વાકેફ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન તરફથી પણ આવી જ ઈચ્છા વ્યક્ત કરાઈ છે. આ મંત્રણાનો મુખ્ય હેતુ ભવિષ્યમાં કોઈ સંભવિત આતંકી હુમલાની સ્થિતિમાં તણાવને વધુ વકરતો અટકાવવાનો અને કટોકટીના સમયે સીધો સંપર્ક સાધવાનો છે.

આતંક અને મંત્રણા: ભારતનો અભિગમ

ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે કે 'આતંકવાદ અને મંત્રણા સાથે ન ચાલી શકે'. જોકે, બેક-ચેનલ વાટાઘાટોને આ સિદ્ધાંતનું ઉલ્લંઘન માનવામાં આવતું નથી. તેને એક એવી વ્યવસ્થા તરીકે જોવામાં આવે છે જેનાથી સંકટ સમયે ભારત સરકાર સીધી પાકિસ્તાની નેતૃત્વ સાથે વાત કરી શકે. હાલમાં બંને દેશો વચ્ચે માત્ર DGMO સ્તરે સાપ્તાહિક હોટલાઈન દ્વારા જ વાતચીત થાય છે, જે અપૂરતી સાબિત થઈ શકે છે.

પાકિસ્તાનનું બદલાયેલું સમીકરણ અને ભારતની જરૂરિયાત

હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ભૂમિકા બદલાઈ રહી છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવમાં પાકિસ્તાન સક્રિય છે. પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની પકડ મજબૂત થઈ છે અને તેમને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ સમર્થન હોવાનું મનાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ નવો આતંકી હુમલો થાય, તો ઇસ્લામાબાદ પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવું ભારત માટે પડકારજનક બની શકે છે. તેથી, ભારત માટે સીધા સંવાદની વ્યવસ્થા રાખવી અત્યંત મહત્ત્વની બની ગઈ છે.

આ પણ વાંચો: બંગાળમાં આજથી 'શુભેન્દુ યુગ', શપથ સમારોહમાં PM મોદી સહિત 20થી વધુ રાજ્યના CM હાજર રહેશે

નવી નિયુક્તિઓ અને જૂનો ઈતિહાસ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુપ્ત વાટાઘાટોનો ઈતિહાસ ઘણો જૂનો છે. વર્ષ 2015થી 2018 વચ્ચે NSA ડોભાલે બેંગકોકમાં પાકિસ્તાની સમકક્ષો સાથે ઘણી બેઠકો કરી હતી. હવે પાકિસ્તાનમાં લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ આસિમ મલિકને નવા NSA બનાવવામાં આવ્યા છે. તેઓ પાકિસ્તાનના 10માં NSA છે અને પ્રથમ એવા અધિકારી છે જે ISI ચીફ અને NSA બંને પદ સંભાળી રહ્યા છે. આ ફેરફારથી પાકિસ્તાનની લશ્કરી અને નાગરિક શક્તિઓ એક જ કેન્દ્રમાં આવી ગઈ છે, જે ફિલ્ડ માર્શલ મુનીરના સીધા નિયંત્રણને વધુ મજબૂત બનાવે છે.