Get The App

યુદ્ધ વચ્ચે ઈરાનનો સકારાત્મક સંકેત! હોર્મુઝ ઑફ સ્ટ્રેટમાં ભારતીય શિપિંગ સુરક્ષિત અવરજવર કરી શકશે

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધ વચ્ચે ઈરાનનો સકારાત્મક સંકેત! હોર્મુઝ ઑફ સ્ટ્રેટમાં ભારતીય શિપિંગ સુરક્ષિત અવરજવર કરી શકશે 1 - image
Image Source: IANS

India Iran Trade: ખાડી દેશોમાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે તેવામાં ઈરાને ભારતને મોટી રાહત આપી છે. દુનિયામાં ક્રૂડ ઓઇલ અને ગેસની તંગ સ્થિતિ વચ્ચે મહત્ત્વના સમુદ્રી માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતને સુરક્ષિત રસ્તો આપવાની ઈરાને તૈયારી દર્શાવી છે. ઈરાની રાજદૂત મોહમ્મદ ફતાલીએ કહ્યું છે કે, ઈરાન મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારતને સુરક્ષિત માર્ગ પૂરો પાડવા માટે પગલાં લઈ શકે છે. આ નિવેદન બાદ આશા છે કે આગામી સમયમાં હોર્મુઝ સ્ટ્રેટ ફસાયેલા ભારતીય જહાજો સુરક્ષિત રીતે ભારતમાં ક્રૂડ અને ગેસ સપ્લાય કરી શકશે.

દિલ્હી સ્થિત ઈરાનના રાજદૂતે શું કહ્યું?

ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ ભારતને 'સુરક્ષિત માર્ગ' (Safe Passage) આપવાની ખાતરી આપતાં જણાવ્યું હતું કે, 'ભારત અમારું ખાસ મિત્ર છે અને આગામી બે-ત્રણ કલાકમાં જ આ અંગેની પ્રક્રિયા જોવા મળશે. ભારત અને ઈરાન બંને સમાન હિતો ધરાવે છે, જેના કારણે બંને દેશો વચ્ચેનો સહયોગ પરસ્પર વિકાસ માટે અનિવાર્ય છે'. 

ઈરાન તરફથી મળેલી ખાતરી ભારત માટે અત્યંત મહત્ત્વની

ઈરાન તરફથી મળેલી આ ખાતરી રાજદ્વારી અને વ્યૂહાત્મક દૃષ્ટિએ ભારત માટે અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે, જે યુદ્ધ વચ્ચે ક્ષેત્રીય સ્થિરતા અને વેપારના નવા દ્વાર ખોલી શકે છે. જો કે ઈરાની રાજદૂતે આ મુદ્દે વિસ્તારથી જાણકારી આપી નથી, પરંતુ આ નિવેદન એ બાબત પર ઇશારો કરે છે કે ભારત અને ઈરાન વચ્ચે સમુદ્રી અવર જવરને લઈને ગહન ચર્ચા ચાલુ છે જેનું સકારાત્મક પરિણામ આવી શકે. 

વિદેશ મંત્રી જયશંકર અને અરાઘચી વચ્ચે ચોથી વખત વાતચીત

મહત્ત્વનું છે કે ગત રાત્રે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું હતું, જે બાદ જયશંકરે અરાઘચી સાથે વાત કરી હતી. પશ્ચિમ એશિયામાં ઘેરાયેલા સંકટ વચ્ચે 5 માર્ચ અને 10 માર્ચના રોજ પણ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. છેલ્લા 15 દિવસમાં જયશંકર અને અરાઘચી વચ્ચે ચાર વાર વાત થઈ છે.

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ

જે બાદ ભારતીય વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, 'કાલે રાત્રે ઈરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી સાથે વધુ એક વખત વાતચીત થઈ, આ વાતચીતમાં દ્વિપક્ષીય મામલાઓ સાથે સાથે બ્રિક્સ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ', ભારત હોર્મુઝ સ્ટ્રેટના વ્યૂહાત્મક શિપિંગ રૂટ દ્વારા ભારતીય ધ્વજવાળા વેપારી જહાજો માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયલ સાથે સંઘર્ષ વધતાં ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝને આંશિક રીતે બંધ કરી દીધું છે. જેથી દુનિયા પર ઊર્જાનું સંકટ ઘેરાયું છે. જો કે ગુરુવારે સારા સમાચાર સામે આવ્યા હતા કે એક ભારતીય જહાજ સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાર કરી ભારત પહોંચ્યું હતું. જેને ભારતના કૂટનૈતિક પ્રયાસોનું પરિણામ માનવામાં આવી રહ્યું છે.