Get The App

આગામી 5 વર્ષમાં ભારતમાં આ પ્રકારના સ્કિલ્ડ લોકોની ભારે અછત વર્તાશે, વિદેશમાં વધી માગ

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
આગામી 5 વર્ષમાં ભારતમાં આ પ્રકારના સ્કિલ્ડ લોકોની ભારે અછત વર્તાશે, વિદેશમાં વધી માગ 1 - image

Job News India : યુરોપ અને અન્ય વિક્સિત દેશોમાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે અને જન્મદર ઘટી રહ્યો છે જેને કારણે પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશ્યન્સ, સુથાર અને નર્સોની વધી રહેલી માંગ પુરી કરવા આ દેશો આ કામદારોની ભારતમાંથી આક્રમક ધોરણે ભરતી કરવા માંડશે તો આગામી પાંચ વર્ષમાં ભારતમાં પણ તેમની તંગી સર્જાશે તેવી કેનેડા સ્થિત માઇક્રો ટ્રેન્ડસ રિસર્ચ ફર્મ પાઇન ટ્રીના સ્થાપક રિતેશ જૈને આગાહી કરી હતી. જૈને જણાવ્યું હતું કે દુનિયામાં વ્હાઇટ કોલર જોબ કરનારા ખૂબ છે પણ બ્લુ કોલર જોબ કરનારાની તંગી છે.જે દુનિયામાં શ્રમ બજારમાં પ્રવર્તતા સૌથી મોટા અસંતુલનને દર્શાવે છે. 

યુનાઇટેડ નેશન્સના વરતારા અનુસાર 1970ના દાયકાથી દુનિયામાં 65 વર્ષ અને તેથી વધુ વયના લોકોની વસ્તી લગભગ બમણી થઇ ગઇ છે અને તે 2070માં ફરી બમણી થઇ જવાના માર્ગે છે. યુએન પોપ્યુલેશન ફંડના અંદાજ અનુસાર દુનિયાની 60 ટકા વસ્તી એવા દેશોમાં વસે છે જ્યાં વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી રિપ્લેસમેન્ટ દર ઘટી રહેલી ફળદ્રુપતાને કારણે જળવાતો નથી. 

ઘણાં દેશોમાં બેરોજગારીનું પ્રમાણ સાવ ઘટી ગયું છે છતાં બાંધકામ કામદારો, મિકેનિક્સ, ઇલેક્ટ્રિશ્યન્સ, દર્દીની સંભાળ રાખનારાં અને માલસામાનની હેરફેર કરનારા મજૂરો મળતાં નથી. આ ક્ષેત્રોમાં જુના કામદારો નિવૃત્ત થાય છે પણ તેમના સ્થાને નવા કામદારો આવતાં નથી. 2024માં જર્મનીમાં 80 ટકા કરતાં વધારે એમ્પલોયર્સને આવા કામદારો શોધવામાં તકલીફ પડી હતી. યુરોપિયન યુનિયનમાં જેમની સૌથી વધારે અછત છે તેવા વ્યવસાયોમાં ઇલેક્ટ્રિશ્યન્સ, વેલ્ડર્સ અને મિકેનિક્સ મોખરે છે. યુએસમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તતી હોઇ આગામી દાયકામાં તેમની માંગ ઝડપથી વધતી જશે. 

જૈનના જણાવ્યા અનુસાર આ સમસ્યાનો ઉકેલ ભારતીય કામદારો છે. પશ્ચિમમાં  બરોકટોક ઇમિગ્રેશનના દિવસો પુરાં થઇ ગયા છે પણ સરકારો હવે લેબર શોર્ટેજને હળવી કરવા ટાર્ગેટેડ ઇકાનોમિક માઇગ્રેશનને પ્રોત્સાહન આપશે. પરંતુ વક્રતા એ છે કે ભારતમાં દુનિયામાં જેની જરૂર નથી એવા વ્હાઇટ કોલર ગ્રેજ્યુએટ વધારે પેદાં થઇ રહ્યા છે અને જેમની જરૂર છે તેવા બ્લુકોલર કામ કરનારાં મળતાં નથી. ભારતમાં આવા કામો માટે  કામદારોને ઓછાં વેતન અપાય છે અને નોકરીનો કોઇ ભરોસો ન હોઇ તે કરવા કોઇ તૈયાર  થતું નથી.જેને કારણે ભવિષ્યમાં ભારતમાં પણ આવા કામદારોની અછત સર્જાશે.