સ્વતંત્રતા દિવસની ઊજવણી હાઈ એલર્ટ મોડમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આઝાદીના 80 વર્ષે પણ દિલ્હી હાઈકોર્ટ અને લાલ કિલ્લા પર હુમલાની ધમકી
- એઆઈથી સજ્જ 1,000 કરતાં વધુ સીસીટીવી, હજારો જવાનોની કિલ્લેબંધી વચ્ચે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધશે
- સ્વતંત્રતા દિવસની ઊજવણીમાં લાલ કિલ્લા પરથી પહેલી વખત વંદે માતરમ્ ગવાશે
નવી દિલ્હી : દેશભરમાં ભારે ઉત્સાહ અને ઉમંગથી સ્વતંત્રતા દિવસની ઊજવણીની તૈયારીઓ ચાલી રહી છે તેવા સમયે આઝાદીના ૮૦ વર્ષે પણ શુક્રવારે દિલ્હીમાં હાઈકોર્ટ, એરપોર્ટ, લાલ કિલ્લો, જામનગર હાઉસ સહિત પાંચ સ્થળો પર બોમ્બ હુમલાની ધમકી અપાઈ હતી. બોમ્બ હુમલાની ધમકી આપતા ઈ-મેલથી સુરક્ષા એજન્સીમાં દોડધામ મચી ગઈ હતી. બીજીબાજુ શનિવારે સ્વતંત્રતા દિવસની ઊજવણીના પગલે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત આકરી કરી દેવાતા રાજધાની કિલ્લેબંધીમાં ફેરવાઈ ગઈ છે. લાલ કિલ્લા પર કિલ્લેબધી વચ્ચે વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સંબોધન કરશે. આ સાથે સ્વતંત્રતા દિવસે શનિવારે પહેલી વખત લાલ કિલ્લા પરથી વંદેમાતરમ્ ગવાશે.
દિલ્હી હાઈકોર્ટના સત્તાવાર ઈમેલ એટલે કે રજિસ્ટ્રાર જનરલના ઈ-મેલ આઈડી પર એક ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો, જેમાં હાઈકોર્ટ પરિસર અને જજોના રૂમમાં બોમ્બ મૂકાયો હોવાનો દાવો કરાયો હતો અને બપોરે ૨.૦૦ વાગ્યા સુધીમાં પરિસર ખાલી કરવાની સાથે વિસ્ફોટ કરવાની ચેતવણી અપાઈ હતી. ઈમેલની જાણ થતા જ દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમોએ હાઈકોર્ટ પહોંચી તપાસ શરૂ કરી હતી.
આ સિવાય ઈ-મેલમાં જામનગર હાઉસ, ઝંડેવાલા ફ્લેટેડ ફેક્ટરી કોમ્પલેક્ષ, એમબી સાકેત ઓફિસ-ડીએમ ઓફિસ, દિલ્હી એરપોર્ટનું ટર્મિનલ-૩ અને એસડીએમ ઓફિસ દિલ્હી કેન્ટમાં પણ બોમ્બ મૂકાયા હોવાનો દાવો કરાયો હતો. ઈ-મેલમાં શીખ રમખાણો અને હુલ્લડોનો પણ ઉલ્લેખ કરાયો હતો. જોકે, બધા જ સ્થળોની તપાસમાં કશું જ વાંધાજનક મળ્યું નહોતું. હવે સ્પેશિયલ સેલ અને સાયબર ક્રાઈમ યુનિટ ઈ-મેલ મોકલનારના આઈપી એડ્રેસ અને સર્વરની તપાસમાં લાગી ગઈ છે, જેથી ઈ-મેલનો સ્રોત જાણી શકાય.
દરમિયાન સ્વતંત્રતા દિવસના સમારંભને ધ્યાનાં રાખતા દિલ્હીમાં લાલ કિલ્લાની આજુબાજુના વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા અત્યંત આકરી કરી દેવાઈ છે. અનેક રસ્તા પર ટ્રાફિકને ડાયવર્ટ કરાયો છે. ભારે વાહનોના પરિવહન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સંવેદનશીલ સ્થળોનું ડ્રોનથી નિરીક્ષણ કરાઈ રહ્યું છે. ૧,૦૦૦ કરતાં વધુ સીસીટીવીથી લાલ કિલ્લાની આજુબાજુના વિસ્તાર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ કેમેરા એઆઈ આધારિત વીડિયો એનાલિટિક્સ સિસ્ટમ સાથે સંકળાયેલા છે.
લાલ કિલ્લો ઐતિહાસિક રીતે મહત્વનું સ્થળ હોવાની સાથે સ્વતંત્રતા દિવસનું મુખ્ય સમારંભ કેન્દ્ર પણ છે. વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પરથી જ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને દેશને સંબોધન કરશે. આવી સ્થિતિમાં સુરક્ષા દળો પર લાલ કિલ્લા અને આજુબાજુના વિસ્તારની સુરક્ષાની જવાબદારીઓ વધી જાય છે. સ્વતંત્રતા દિવસની ઊજવણીના પગલે રાજધાનીમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.









