India

અલ નીનોની અસર : દેશના અડધા ભાગમાં વરસાદની અછત, 350 જિલ્લામાં દુષ્કાળની ભીતિ

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: ઓગસ્ટમાં 1901 પછી સૌથી વધુ તાપમાન અને 16% ઓછો વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે, જે ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે. 350 જિલ્લાઓમાં વરસાદની અછતને કારણે પાકને નુકસાન થવાનો ભય છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે 253 લોકોનો ભોગ લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલ નીનોની અસર : દેશના અડધા ભાગમાં વરસાદની અછત, 350 જિલ્લામાં દુષ્કાળની ભીતિ
  • ઓગસ્ટમાં 1901 બાદ સૌથી ઊંચુ તાપમાન, 16 ટકા ઓછો વરસાદ
  • સપ્ટેમ્બરમાં પણ ઘટ પુરી નહીં થાય, સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા, પાકને નુકસાનના ભણકારા, ખેડૂતો ચિંતામાં મુકાયા

નવી દિલ્હી : ઓગસ્ટ મહિનામાં ત્રણ વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓગસ્ટમાં સામાન્ય કરતા ૧૬ ટકા ઓછો વરસાદ પડયો છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતાઓ છે, એટલે કે ૯૧ ટકાથી પણ ઓછો વરસાદ પડી શકે છે. ઓછા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અનેક જિલ્લાઓ કે રાજ્યો એવા છે કે જ્યાં પાણીની અછતને પગલે પાકને ભારે નુકસાનની ભીતિ છે.
ભારતમાં ૫૦ ટકા જેટલી ખેતીની જમીન વરસાદના પાણી પર નિર્ભર છે, જુનથી સપ્ટેમ્બર સુધીનો વરસાદ ખેતી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જુલાઇ મહિનામાં થોડો સારો વરસાદ પડયો હતો જોકે ઓગસ્ટ મહિનામાં નિરાશા હાથ લાગી હતી. અલ નીનોને કારણે સપ્ટેમ્બર મહિનો સામાન્ય કરતા ગરમ રહેવાની શક્યતાઓ છે. જેને પગલે હાલ જે પાક ઉભો છે તેને પાણી વગર નુકસાન થવાની શક્યતાઓ છે. જે વિસ્તારમાં સિંચાઇની સુવિધા નથી ત્યાં ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ જુનથી ઓગસ્ટ સુધી ૧૩ ટકા વરસાદની અછત નોંધાઇ છે. ઓગસ્ટ મહિનામાં ૧૬.૩ ટકા અછત નોંધાઇ છે. ૩૧મી ઓગસ્ટ સુધીમાં દેશના લગભગ ૩૫૦ જિલ્લાઓમાં વરસાદની અછત છે, એટલે કે દેશના ૪૭ ટકા વિસ્તારમાં દુષ્કાળની ભીતિ છે જેને પગલે મોંઘવારી પણ વધવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અલ નીનોની અસર ફેબુ્રઆરી કે માર્ચ મહિનામાં જ ઓછી થવાની શક્યતાઓ છે. ઓગસ્ટ મહિનામાં પણ અલ નીનોની માઠી અસર રહી જેને પગલે ૧૯૦૧ પછી સૌથી વધુ ૨૮.૧ ડિગ્રી તાપમાન રહ્યું.
એક તરફ અનેક રાજ્યોમાં પાણીની અછતના ભણકારા છે એવામાં હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલમાં ભારે વરસાદે આ ચોમાસામાં કુલ ૨૫૩ લોકોનો ભોગ લીધો છે. જ્યારે ૯૮થી વધુ રોડ બંધ કરી દેવા પડયા છે. ૧૦૭ જેટલા ટ્રાન્સફોર્મર પણ ઠપ થઇ ગયા છે. ૩૦ જૂનથી ૩૦ ઓગસ્ટ સુધીમાં હિમાચલમાં ૧૦૪ લોકોના મોત કુદરતી રીતે જ્યારે ૧૪૯ લોકોના મોત વરસાદી અકસ્માતો જેમ કે રોડ અકસ્માત વગેરેમાં થયા છે. ઉત્તરાખંડની રાજધાની દેહરાદુનમાં સ્થિતિ વધુ કફોડી છે. દેહરાદુનમાં ભારે વરસાદની આગાહીને પગલે ૧ સપ્ટેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં શાળાઓ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. આમ એક તરફ કેટલાક રાજ્યોમાં વરસાદ ખેંચાયો છે અને પાણીની અછતની સ્થિતિ છે ત્યારે પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદને કારણે જન જીવન પર માઠી અસર પહોંચી રહી છે.