ત્રિપુરાના DGPનું શંકાસ્પદ મોત, પોલીસ હેડક્વાર્ટરમાં મૃતદેહ મળી આવતાં ખળભળાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tripura DGP Died In Office : ત્રિપુરાના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ(DGP) અને વરિષ્ઠ આઇપીએસ(IPS) અધિકારી અનુરાગ ધનખડ સોમવારે(20 જુલાઈ) અગરતલા સ્થિત પોલીસ હેડક્વાર્ટર(PHQ)માં આવેલી તેમની ઑફિસમાંથી શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ આત્મહત્યાનો મામલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઑફિસના રૂમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા
મળતી માહિતી મુજબ, ડીજીપી અનુરાગ ધનખડ પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા તેમના ઑફિસના જ એક રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર અર્થે અગરતલાની ગોવિંદ વલ્લભ પંત(GBP) હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
તબીબોએ 48 મિનિટ સુધી CPR આપ્યું, પણ બચાવી ન શકાયા
જીબી પંત હૉસ્પિટલના સિનિયર ડૉક્ટર પ્રદીપ ભૌમિકે પત્રકારોને જણાવ્યું હતું કે, "બપોરે આશરે 12:00 વાગ્યે જ્યારે તેમને હૉસ્પિટલ લાવવામાં આવ્યા, ત્યારે અમારા ડૉક્ટરોએ તાત્કાલિક તેમની તપાસ કરી હતી. તે સમયે તેમના પલ્સ (નબ્ઝ), બ્લડ પ્રેશર કે અન્ય કોઈ પણ જીવંત પેરામીટરના સંકેતો મળી રહ્યા નહોતા. તેમ છતાં, ઈમરજન્સી યુનિટમાં કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન(CPR)ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અમારા નિષ્ણાત તબીબોની ટીમે સતત 48 મિનિટ સુધી તેમને બચાવવા માટે CPR આપ્યું હતું, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે બપોરે 12:48 વાગ્યે સત્તાવાર રીતે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા."
પોલીસ હેડક્વાર્ટરની ઑફિસ સીલ: તપાસ શરૂ
આ ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જે રૂમમાં આ ઘટના બની તેને સુરક્ષાના કારણોસર સીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસે ડીજીપીના આકસ્મિક મોતના કારણો જાણવા માટે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જોકે, મોતનું અસલી કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. આ સંવેદનશીલ મામલે ત્રિપુરા પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.









