India

PM, CM કે મંત્રી 30 દિવસ સુધી કસ્ટડીમાં રહેશે તો જશે ખુરશી ! નવા કાયદાની તૈયારી, JPC લોકસભા સ્પીકરને સોંપશે રિપોર્ટ

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
સંસદના ચોમાસુ સત્રમાં 20 જુલાઈથી રજૂ થનાર 130માં બંધારણ સુધારા વિધેયક પર JPC 17 જુલાઈએ રિપોર્ટ આપશે. આ બિલ મુજબ, 5 વર્ષથી વધુ સજાપાત્ર ગુનામાં 30 દિવસ કસ્ટડીમાં રહેલા મંત્રી આપોઆપ પદ ગુમાવશે. ગૃહમંત્રી અમિત શાહે રજૂ કરેલા આ બિલનો વિપક્ષ 'INDIA'એ વિરોધ કર્યો છે, જે તેને અલોકતાંત્રિક ગણાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM, CM કે મંત્રી 30 દિવસ સુધી કસ્ટડીમાં રહેશે તો જશે ખુરશી ! નવા કાયદાની તૈયારી, JPC લોકસભા સ્પીકરને સોંપશે રિપોર્ટ

Parliament Monsoon Session Bill : હવે જો મંત્રીઓ, કે CM 30 દિવસ સુધી કસ્ટડીમાં રહેશે તો તેમને ખુરશી ગુમાવવાનો વારો આવી શકે છે. ગંભીર ગુનાઓમાં સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવેલા મંત્રીઓને પદ પરથી હટાવવાની જોગવાઈ કરતું બિલ ટૂંક સમયમાં આવશે. આ મામલે 130માં બંધારણ સુધારા વિધેયકની સમીક્ષા કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ(JPC) આગામી 17 જુલાઈએ લોકસભા સ્પીકરને પોતાનો અહેવાલ સોંપી શકે છે. આ બિલ સંસદના આગામી ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવશે, જે 20 જુલાઈથી શરૂ થવાની સંભાવના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં આ બિલ રજૂ કર્યું હતું, જે બાદ અપરાજિતા સારંગીની અધ્યક્ષતામાં 31 સભ્યોની JPCની રચના કરવામાં આવી હતી.

શું છે આ વિવાદાસ્પદ બિલ અને કાયદો?

આ વિધેયકના મુખ્ય ઉદ્દેશ્ય મુજબ, જો વડાપ્રધાન, મુખ્યમંત્રી કે અન્ય કોઈ મંત્રી પર 5 વર્ષ કે તેથી વધુની સજા થઈ શકે, તેવા ગંભીર ગુનાનો આરોપ હોય અને તેઓ સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે, તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે. 31મા દિવસે રાષ્ટ્રપતિ કે, રાજ્યપાલ દ્વારા અથવા આપોઆપ તેઓ પદ પરથી મુક્ત થઈ જશે. જોકે, અહેવાલમાં કાયદાનો દુરુપયોગ રોકવા અને તે રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત ન હોય, તે સુનિશ્ચિત કરવા માટે કેટલાક સુરક્ષાત્મક સૂચનો પણ સામેલ કરવામાં આવી શકે છે.

વિપક્ષનો વિરોધ અને દલીલો

કોંગ્રેસ સહિત વિપક્ષી ગઠબંધન 'INDIA'ના મોટાભાગના સભ્યોએ આ સમિતિનો બહિષ્કાર કર્યો હતો. વિપક્ષનો આરોપ છે કે, સત્તાધારી પક્ષ તેમના સૂચનોને નકારી કાઢશે, અને આ સમિતિનો ઉપયોગ માત્ર એક 'રબર સ્ટેમ્પ' તરીકે થશે.

વિપક્ષની દલીલ: આ બિલ અલોકતાંત્રિક, સંઘવાદ વિરોધી અને કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે, કારણ કે તે દોષિત સાબિત થયા પહેલા માત્ર કસ્ટડીના આધારે જ મંત્રીને પદ પરથી હટાવી દે છે.

સત્તાધારી પક્ષનો તર્ક: સત્તાધારી પક્ષનું માનવું છે કે, 30 દિવસનો સમયગાળો ઘણો મોટો છે, જે મંત્રીને ઓછામાં ઓછી ત્રણ વખત જામીન અરજી દાખલ કરવા માટે પૂરતી તક આપે છે.

અસદુદ્દીન ઓવૈસી અને સુપ્રિયા સુલે આપી શકે છે ડિસેન્ટ નોટ

આ 31 સભ્યોની સમિતિમાં અસદુદ્દીન ઓવૈસી અને સુપ્રિયા સુલે જેવા વિપક્ષી નેતાઓ પણ સામેલ છે, જેઓ આ અહેવાલ પર પોતાનો અસંમતિ પત્ર(Dissent Note) આપી શકે છે. આ સિવાય રાજ્યસભાના સાંસદ YSRCPના એસ. નિરંજન રેડ્ડી પણ આ સમિતિનો હિસ્સો છે. સમિતિ ગુનાની પ્રકૃતિને મર્યાદિત કરવા અને કાયદાનો દુરુપયોગ રોકવા માટેની જોગવાઈઓ ઉમેરવાની ભલામણ કરી શકે છે.