મિત્ર સાથે ડિનર પર ગયેલા IAS તુકારામ મુંઢેને પીરસાયું હતું નકલી પનીર: જોઈને જ પકડી પાડી ગેરરીતિ, પછી શું થયું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IAS Officer Catches Fake Paneer: મહારાષ્ટ્રના ફૂડ સેફ્ટી ચીફ અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર IAS તુકારામ મુંઢે પોતાના કડક નિર્ણયો અને તાબડતોબ એક્શનને કારણે હાલ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પોતાના 21 વર્ષના વહીવટી કાર્યકાળ દરમિયાન 25 જેટલી બદલીઓનો સામનો કરી ચૂકેલા વર્ષ 2005ની બેચના આ પ્રામાણિક અધિકારીએ તાજેતરમાં ક્વિક કોમર્સ એપ બ્લિંકિટ સામે લાલ આંખ કર્યા બાદ જાણીતી પિઝા બ્રાન્ડ ડોમિનોઝના 4 આઉટલેટ્સના લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દીધા હતા.
એક ન્યૂઝ ચેનલને આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં તુકારામ મુંઢેએ પોતાની કાર્યશૈલી અને એક રસપ્રદ અંગત કિસ્સો શેર કર્યો હતો કે કેવી રીતે તેઓ મિત્ર સાથે જમવા ગયા ત્યારે રેસ્ટોરન્ટમાં નકલી પનીર પીરસવાનો ભાંડો ફૂટ્યો હતો.
ડિનર ટેબલ પર પકડાયું નકલી પનીર
તુકારામ મુંઢેએ જણાવ્યું કે તેમની એવી ટેવ છે કે તેઓ જ્યાં પણ જાય છે, ત્યાં આસપાસની દરેક વસ્તુઓ અને ફૂડ સેફ્ટી નિયમો પર ખૂબ ઝીણવટભરી નજર રાખે છે.
- તાજેતરમાં તેમના એક મિત્રે તેમને ડિનર માટે એક રેસ્ટોરન્ટમાં આમંત્રણ આપ્યું હતું.
- રેસ્ટોરન્ટમાં પ્રવેશતાં જ તેમણે જોયું કે નિયમ અનુસાર જરૂરી ફૂડ લાયસન્સ યોગ્ય જગ્યાએ ડિસ્પ્લે કરવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા.
- જ્યારે મિત્રે પનીરની ડિશ ઓર્ડર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મુંઢેએ તેમને રોકતાં કહ્યું હતું કે, "પનીર ઓર્ડર ન કર, તે મારી નજરની પરીક્ષામાં પાસ નહીં થાય."
- ટેબલ પર પનીરની વાનગી આવતાં જ તેમણે તેનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને ખાતરી થઈ કે તે કુદરતી કે અસલી પનીર નહોતું, પરંતુ નકલી પીરસવામાં આવ્યું હતું.
તાત્કાલિક પગલાંને બદલે આપ્યો 24 કલાકનો સમય
તુકારામ મુંઢેએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સામે લાયસન્સ ડિસ્પ્લે ન કરવા, પાણીની વ્યવસ્થા અને ગુણવત્તા સંબંધિત તમામ ખામીઓ ખુલ્લી પાડી હતી.
- જોકે, તેમણે સ્થળ પર જ કોઈ આકરા તાત્કાલિક પગલાં ભરવાને બદલે રેસ્ટોરન્ટ સંચાલકોને તમામ ખામીઓ સુધારી લેવા માટે 24 કલાક નો સમય આપ્યો હતો.
- તેમણે FDA અધિકારીઓને 24 કલાક પછી ફરીથી રેસ્ટોરન્ટનું સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન કરવાના આદેશ આપ્યા હતા, જેના આધારે નિયમોના પાલનની ચકાસણી કરવામાં આવી હતી.
3 મહિનામાં 165 લાયસન્સ સસ્પેન્ડ, 750થી વધુને નોટિસ
તુકારામ મુંઢેએ આશરે 3 મહિના અગાઉ મહારાષ્ટ્ર FDA કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારથી તેમણે સમગ્ર રાજ્યમાં ફૂડ સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે મોટું અભિયાન છેડ્યું છે:
• આ ઝુંબેશ હેઠળ રેસ્ટોરન્ટ્સ, આઈસ્ક્રીમ પાર્લર, ડેરીઓ અને ઈ-કોમર્સ સુવિધાઓ સહિત હજારો સ્થળોએ કડક તપાસ કરવામાં આવી છે.
• છેલ્લા 2 મહિના દરમિયાન FDAની ટીમોએ રાજ્યભરમાં 3,100થી વધુ ખાદ્ય પ્રતિષ્ઠાનોનું ઓચિંતું નિરીક્ષણ કર્યું છે.
• સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી ધોરણોનું પાલન ન કરવા બદલ આશરે 165 ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે 750થી વધુ એકમોને તાત્કાલિક સુધારો કરવા માટે કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે.









