India

પિતા રિક્ષા ચલાવતા, એક અપમાને જીવન બદલ્યું, પહેલા પ્રયાસમાં UPSC ક્રેક કરી IAS બન્યા ગોવિંદ

By GS Team
1 Jun 20262 mins read
TukuTouch Logo
કહેવાય છે ને કે જો તમે મનમાં કંઈક મોટું કરવાનું ધારી લો, તો ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ કંઈપણ અશક્ય નથી હોતું. આ વાતને બનારસના રહેવાસી ગોવિંદ જયસ્વાલે સાબિત કરી બતાવી છે. અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવતા હોવા છતાં તેમણે પોતાના પહેલા જ પ્રયાસમાં UPSC જેવી દેશની સૌથી અઘરી પરીક્ષા પાસ કરી લીધી. હાલમાં ગોવિંદ જયસ્વાલ દિલ્હીમાં શિક્ષણ મંત્રાલયના હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ સેક્રેટરી (Joint Secretary) તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પિતા રિક્ષા ચલાવતા, એક અપમાને જીવન બદલ્યું, પહેલા પ્રયાસમાં UPSC ક્રેક કરી IAS બન્યા ગોવિંદ

IAS Govind Jaiswal Inspiring Success Story : કહેવાય છે ને કે જો તમે મનમાં કંઈક મોટું કરવાનું ધારી લો, તો ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ કંઈપણ અશક્ય નથી હોતું. આ વાતને બનારસના રહેવાસી ગોવિંદ જયસ્વાલે સાબિત કરી બતાવી છે. અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવતા હોવા છતાં તેમણે પોતાના પહેલા જ પ્રયાસમાં UPSC જેવી દેશની સૌથી અઘરી પરીક્ષા પાસ કરી લીધી. હાલમાં ગોવિંદ જયસ્વાલ દિલ્હીમાં શિક્ષણ મંત્રાલયના હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ સેક્રેટરી (Joint Secretary) તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે.

ધોરણ 7માં હતા ત્યારે માતાની છત્રછાયા ગુમાવી

બનારસમાં જન્મેલા ગોવિંદના પિતા રિક્ષા ચલાવતા હતા, અને માતા ગૃહિણી હતા. પરિવારમાં ત્રણ બહેનો પણ હતી. ગરીબી હોવા છતાં માતા-પિતાએ બાળકોના ભણતરને પ્રાથમિકતા આપી અને સરકારી શાળામાં અભ્યાસ કરાવ્યો. પરંતુ જ્યારે ગોવિંદ માત્ર 7માં ધોરણમાં હતા, ત્યારે જ બ્રેઈન હેમરેજના કારણે તેમની માતાનું અવસાન થઈ ગયું. આ ઘટનાએ આખા પરિવારને તોડી નાખ્યો હતો. ત્યારબાદ પિતા અને ત્રણ બહેનો સાથે એક નાની ઓરડીમાં રહીને ગોવિંદે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો.

પિતા ઓટો ડ્રાઈવર બનાવવા માંગતા હતા

ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે ગોવિંદના પિતા ઈચ્છતા હતા કે, તેમનો દીકરો ઓટો રિક્ષા ચલાવવાનું શરૂ કરે, જેથી ઘરમાં થોડા પૈસા આવે. તેમણે વિચાર્યું હતું કે, પોતે રિક્ષા ચલાવશે અને દીકરો ઓટો ચલાવશે તો બહેનોના લગ્ન સરળતાથી કરાવી શકાશે. જો કે, ગોવિંદના સપના મોટા હતા, તેઓ ભણી-ગણીને કંઈક અલગ જ બનવા માંગતા હતા.

એક અપમાને બદલી નાખ્યું આખું નસીબ

જ્યારે ગોવિંદ 11 વર્ષના હતા, ત્યારે તે પોતાના એક મિત્રના ઘરે ગયા હતા. ત્યાં કેટલાક લોકોએ તેમના પિતા રિક્ષા ચલાવતા હોવાને કારણે તેમની ભારે મજાક ઉડાવી અને ટોણા માર્યા. લોકોએ ત્યાં સુધી કહી દીધું કે મોટો થઈને તારે પણ આ જ કામ કરવાનું છે. આ અપમાન ગોવિંદના મગજમાં ઘર કરી ગયું. બસ, એ જ દિવસથી તેમણે મનોમન નક્કી કરી લીધું કે, હવે જીવનમાં કંઈક મોટું કરીને જ બતાવવું છે.

પહેલા જ પ્રયાસમાં UPSC ક્રેક કરીને મેળવ્યો 48મો રેન્ક

ગામના એક વડીલે તેમને આઈએએસ (IAS) ઓફિસર વિશે માહિતી આપી અને ગોવિંદે સનદી અધિકારી બનવાનું લક્ષ્ય નક્કી કરી લીધું. દીકરાના આ સપનાને પૂરું કરવા માટે પિતાએ પોતાની જમીન વેચી દીધી અને તેને ભણવા માટે દિલ્હી મોકલ્યો. દિલ્હીમાં પૈસા બચાવવા માટે ગોવિંદે ગણિતના ટ્યુશન આપવાનું શરૂ કર્યું. તેઓ એક ટાઈમનું જમવાનું છોડીને પણ પૈસા બચાવતા હતા, જેથી રૂમનું ભાડું આપી શકાય અને પુસ્તકો ખરીદી શકાય. તેમની આ આકરી મહેનત રંગ લાવી અને વર્ષ 2006માં ગોવિંદ જયસ્વાલે પોતાના પહેલા જ પ્રયત્નમાં ઓલ ઈન્ડિયા 48મો રેન્ક (Rank 48) મેળવીને આઈએએસ ઓફિસર બની બતાવ્યું. આજે ગોવિંદ દેશના લાખો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે.