હું 100 લોકો સાથે PM નિવાસ જઈશ: ઈથેનોલના વિરોધમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

E20 Petrol Controversy : દેશભરમાં E20 પેટ્રોલને લઈને ભારે ચર્ચા જાગી છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ E20 પેટ્રોલનો સતત વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે દિલ્હીના 'કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઑફ ઇન્ડિયા' ખાતે 'E20 સામે નેશનલ ટાઉન હોલ' કાર્યક્રમ યોજ્યો હતો. હવે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના નિવાસસ્થાન સુધી પગપાળા માર્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.
સરકારના છૂપા એજન્ડા પર આશંકા : કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'ઈથેનોલને કારણે દેશની જનતા પરેશાન છે. લોકોના વાહનોની માઇલેજ ઘટી રહી છે અને વાહનો સતત બગડી રહ્યા છે. તેમ છતાં સરકાર કોઈ જવાબ આપ્યા વિના લોકો પર બળજબરીથી ઈથેનોલ લાદી રહી છે. આના પરથી લાગે છે કે આની પાછળ સરકારનો કોઈ છૂપો એજન્ડા છે.'
અમેરિકાના દબાણ હેઠળ નિર્ણય લેવાયાનો દાવો
કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ મૂકતાં કેજરીવાલે કહ્યું હતું કે, 'ટ્રમ્પના દબાણમાં આવીને કેન્દ્ર સરકાર ઈથેનોલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. ટ્રમ્પ બળજબરીથી પોતાના દેશનું ઈથેનોલ ભારતમાં નિકાસ કરવા માંગે છે.' કેજરીવાલે એવો અંદાજ વ્યક્ત કર્યો હતો કે, 'આગામી 5 વર્ષમાં ભારત 20 મિલિયન ડૉલરનું ઈથેનોલ અમેરિકા પાસેથી ખરીદશે, જે આખા દેશ પર લાદવામાં આવશે.'
વિરોધ કરનારાઓને ધમકાવવાનો આરોપ
પોતાના ટાઉન હોલ કાર્યક્રમ વિશે વાત કરતા કેજરીવાલે કહ્યું હતું કે, 'આ પ્રોગ્રામને 7 લાખથી વધુ લોકોએ લાઇવ જોયો હતો. આ બાબત તેની સફળતા દર્શાવે છે અને એ પણ સ્પષ્ટ કરે છે કે કેટલા મોટા પ્રમાણમાં લોકો E20થી પરેશાન છે. જો કોઈ કન્ટેન્ટ ક્રિએટર કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર E20નો વિરોધ કરે છે તો તેને ડરાવવામાં અને ધમકાવવામાં આવે છે.'
‘PMને પત્ર લખ્યો, જવાબ ન આપ્યો, હવે તેમના નિવાસસ્થાને જઈશ’
પ્રધાનમંત્રી આવાસ તરફની માર્ચ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, 'અમે થોડા દિવસો પહેલા વડાપ્રધાનના નામે એક ઓનલાઇન અરજી શરૂ કરી હતી, જેમાં લગભગ 2,33,238 લોકોએ સહીઓ કરી છે. કાલે બપોરે 12 વાગ્યે હું ઈથેનોલથી પ્રભાવિત લોકો અને પાર્ટી કાર્યકરો સહિત લગભગ 100 લોકો સાથે આ અરજી વડાપ્રધાનજીને સોંપવા માટે તેમના નિવાસસ્થાને જઈશ. હું વ્યક્તિગત રીતે તેમને મળીને આ આવેદન સોંપીશ અને સાથે જ ઈથેનોલ તથા E20 પેટ્રોલ અંગે ચર્ચા કરીશ.' તેમણે ઉમેર્યું હતું કે લગભગ 1 મહિના પહેલા તેમણે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો, પરંતુ તેમનો કોઈ જવાબ આવ્યો નહોતો.









