VIDEO : ઉત્તરાખંડમાં ગમખ્વાર અકસ્માત! 22 મુસાફરો સવાર ટ્રાવેલર ખીણમાં ખાબક્યું, 2નાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nainital Road Accident : ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં શુક્રવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. રામગઢથી આશરે 3 કિલોમીટર આગળ મુક્તેશ્વર તરફ આવેલા લુકતાધાર પાસે મુસાફરોથી ભરેલું એક ટેમ્પો ટ્રાવેલર અચાનક ચાલકના કાબૂ બહાર જઈને ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. આ વાહનમાં કુલ 22 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે બાકીના 20 મુસાફરોને બચાવી લેવાયા છે.
સંયુક્ત ટીમો દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી
નૈનીતાલ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા બપોરે 13:35 વાગ્યે આ અકસ્માતની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ SDRFના સેનાનાયક અર્પણ યદુવંશીના માર્ગદર્શન હેઠળ તાબડતોબ એક્શન લેવામાં આવ્યા હતા. સબ-ઇન્સ્પેક્ટર મનોજ રાવતના નેતૃત્વમાં એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને NDRF તેમજ સ્થાનિક જિલ્લા પોલીસ સાથે મળીને સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.
સાધનોની મદદથી રેસ્ક્યુ અને મૃતદેહો પોલીસને સોંપાયા
ઊંડી ખાઈ હોવાને કારણે બચાવ ટીમોએ ખાસ રેસ્ક્યુ સાધનો અને દોરડાંની મદદથી નીચે ઉતરીને અકસ્માતગ્રસ્ત વાહન સુધી પહોંચ મેળવી હતી. ભારે જહેમત બાદ વાહનમાં ફસાયેલા 20 મુસાફરોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે જ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બંને મૃતકોના મૃતદેહ બહાર કાઢીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે જિલ્લા પોલીસને સોંપવામાં આવ્યા છે.









