ઓડિશામાં મોતનું તાંડવ : પલટેલા ટ્રકને જોતી ભીડ પર ડમ્પર ફરી વળ્યું, 2 મોત, અનેક ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dumper Accident In Odisha : ઓડિશામાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. અહીંના મયૂરભંજ જિલ્લામાં નેશનલ હાઈવે-18 પર એક સ્પીડમાં આવી રહેલા ડમ્પર ચાલકે રસ્તા કિનારે ઉભેલા લોકોના ટોળાને કચડી નાખ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ટ્રકનો અકસ્માત જોવા એકઠી થયેલી ભીડ પર ડમ્પર ફરી વળ્યું
મળતી માહિતી મુજબ, આ અકસ્માત પહેલા નેશનલ હાઈવે-18 પર લાકડા ભરેલી એક ટ્રક પલટી ગઈ હતી. આ અકસ્માત બાદ રસ્તા પરથી વાહન હટાવવા અને બચાવ કામગીરી જોવા માટે આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. અકસ્માતનું કવરેજ કરવા અને ફોટોગ્રાફ્સ લેવા માટે મીડિયાકર્મીઓ પણ ત્યાં હાજર હતા.
હાઈવે પર ચીસાચીસ-અફરાતફરી
આ બચાવ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ એક પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. અનિયંત્રિત થયેલું આ ડમ્પર સીધું જ ત્યાં ઉભેલા લોકોના ટોળામાં ઘૂસી ગયું હતું. અચાનક થયેલા આ હુમલાથી ઘટનાસ્થળે ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
7 લોકો ચપેટમાં આવ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, આ ડમ્પરની ચપેટમાં કુલ 7 લોકો આવ્યા હતા. જેમાંથી 2 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોમાં 3 સ્થાનિક પત્રકારો પણ સામેલ છે, જેઓ ત્યાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા. હાલ આ ત્રણેય પત્રકારોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માત થતાં જ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું શરૂ કર્યું હતું. તમામ ઘાયલોને બારીપદા સ્થિત PRM મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસ તપાસ શરૂ અને વાહનવ્યવહાર સામાન્ય
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને કારણે નેશનલ હાઈવે-18 પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો, પરંતુ પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવીને વાહનવ્યવહાર ફરી સામાન્ય કરાવ્યો હતો. ડમ્પર ચાલકની બેદરકારી હતી કે અન્ય કોઈ કારણ, તે અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.









