Get The App

અજિત પવારના પ્લેન ક્રેશના સામે આવ્યા CCTV, બે વખત લેન્ડિંગના પ્રયાસ પછી ક્રેશ

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
અજિત પવારના પ્લેન ક્રેશના સામે આવ્યા CCTV, બે વખત લેન્ડિંગના પ્રયાસ પછી ક્રેશ 1 - image


Ajit Pawar Plane Crash news : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનાના અત્યંત આઘાતજનક સમાચાર વચ્ચે હવે આ ઘટનાના અંતિમ ક્ષણોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વિમાન પણ અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનની જેમ જ ધડાકાભેર તૂટી પડ્યું હતું અને આગ તથા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આ ફૂટેજમાં અકસ્માતની ભયાનકતા સાફ જોઈ શકાય છે, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે.



CCTVમાં કેદ થયો મોતનો મલાજો 

સામે આવેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે સવારે 8 વાગ્યાને 46 મિનિટે આ દુર્ઘટના સર્જાઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે અજિત પવારનું વિમાન રનવે નજીક પહોંચતા જ અચાનક જમીન પર પટકાય છે અને સેકન્ડોમાં જ આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ જાય છે. આકાશમાં ધુમાડાના કાળા ગોટા અને આગની ભીષણ લપટો દેખાઈ રહી છે, જે દર્શાવે છે કે વિમાનમાં સવાર મુસાફરોને બચવાની કોઈ તક મળી નહોતી. આ વિમાન બે વખત લેન્ડિંગના પ્રયાસો કરી ચૂક્યું હતું. 

દુર્ઘટના સ્થળનું હૃદયદ્રાવક દૃશ્ય 

પ્રત્યક્ષદર્શીઓ અને ફૂટેજ મુજબ, જમીન પર પટકાતાની સાથે જ વિમાન બે ભાગમાં તૂટી પડ્યું હતું. વિમાનમાં સવાર અજિત પવાર સહિત તમામ 5 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. રિપોર્ટ અનુસાર, વિમાનમાં લાગેલી ભીષણ આગને કારણે તમામ મૃતકોના શબ સંપૂર્ણપણે બળી ગયા હતા, જેનાથી ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી.

બારામતીમાં શોકનું મોજું 

અજિત પવાર તેમના ગઢ એવા બારામતીમાં ઉતરાણ કરવાના હતા, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. સત્તાવાર રીતે સવારે 8:46 વાગ્યે રૅકોર્ડ થયેલી આ ઘટનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પાડી છે. હાલ પોલીસ અને તપાસ એજન્સીઓ આ CCTV ફૂટેજના આધારે અકસ્માતના ટેકનિકલ કારણોની ઊંડી તપાસ કરી રહી છે.