તહેવારોમાં ગુજરાતભરના PTC ઉમેદવારો રઝળ્યા: રાતોરાત મેરિટ લિસ્ટ મૂકાતા ગાંધીનગરમાં દોડધામ, ₹5 લાખ ફી માગ્યાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat PTC Admission Round 4 Merit List Controversy: ગુજરાતમાં PTC (D.El.Ed) કોલેજમાં એડમિશન મેળવવા માટે હાલ ચોથો રાઉન્ડ ચાલી રહ્યો છે. જે અંતર્ગત 6 અને 7 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે સેક્ટર 20 સ્થિત સુવિધા કચેરી ખાતે રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. ઓનલાઇન પોર્ટલ પર 5000 ઉમેદવારોની સંમતિ માંગવામાં આવી હતી, જેમાંથી બેઠકોના આધારે 2000 ઉમેદવારોને રૂબરૂ હાજર રહેવા જણાવાયું હતું. જોકે, એડમિશન વિભાગના અણઘડ આયોજન અને મોડા નોટિફિકેશનના કારણે કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, જામનગર અને ડાંગ જેવા દૂરના જિલ્લાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
તહેવારોમાં તાત્કાલિક બોલાવાયા, વહેલી માહિતી ન મળતા આક્રોશ
બનાસકાંઠાથી આવેલી એક વિદ્યાર્થિનીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, "અમારા ગામથી 3 કિલોમીટર ચાલ્યા પછી વાહન મળે છે. તહેવારોના કારણે બસોમાં ભારે ભીડ અને વાહનો ન મળવાની સમસ્યા વચ્ચે અગાઉથી યોગ્ય માર્ગદર્શન આપ્યા વગર તાત્કાલિક ગાંધીનગર બોલાવી લેવાયા હતા. 7 નવેમ્બરે પહોંચ્યા પછી ખબર પડી કે સામાન્ય પ્રવાહવાળાને તો 6 નવેમ્બરે આવવાનું હતું!"
કચ્છથી આવેલા વિદ્યાર્થીઓને પણ ધરમ ધક્કો!
આ જ રીતે કચ્છના નખત્રાણાથી આવેલી વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, "7 નવેમ્બર સવારે 8:30 વાગ્યાના કોલ લેટર માટે 6 નવેમ્બરે સવારે 11 વાગ્યે લિસ્ટ મૂકવાનું હતું, જેને બદલે રાત્રે 8 વાગ્યે PDF ફાઇલ મુકાઈ. અમે તો મેરિટ જોયા વગર જ બપોરે 4 વાગ્યે બસ પકડીને નીકળી ગયા હતા." રાત્રે 1:30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ રસ્તા પર રઝળવા મજબૂર બન્યા હોવાનું સ્થાનિક રિક્ષાચાલકોએ પણ જણાવ્યું હતું.
મેનેજમેન્ટ ક્વોટામાં ફીનો ખેલ!
એડમિશન પ્રક્રિયામાં માત્ર આયોજનની જ ખામી નથી, પરંતુ ફી વસુલવાની મોડસ ઓપરેન્ડીનો પણ આક્ષેપ થયો છે. એક સરકારી શિક્ષકે નામ ન આપવાની શરતે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, પોતાની દીકરીના PTC મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ માટે પહેલા ₹3 લાખ ફી કહેવામાં આવી હતી. આ માટે તેમણે ઘરમાંથી સોનું વેચીને ₹3 લાખ ભેગા કર્યા હતા. પરંતુ જ્યારે એડમિશન લેવા ગયા ત્યારે કોલેજ સંચાલકોએ સીધા ₹5 લાખની માંગણી કરી હતી.




