ઈઝરાયલમાં PM રેસમાં નેતન્યાહુ પાછળ, 120 સભ્યની સંસદમાં બહુમતી માટે જરૂરી 61 બેઠકના પણ ફાંફા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Netanyahu's Power Struggle in Israel: ઈઝરાયલના રાજકારણમાં હાલ ભારે ઉથલપાથલ ચાલી રહી છે. હાલમાં જ યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની લિકુડ પાર્ટી સૌથી મોટી પાર્ટી તો બની છે, પરંતુ સરકાર રચવા માટે જરૂરી બેઠકો હાંસલ કરવામાં તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
લિકુડ પાર્ટીને 27 બેઠક અને ગઠબંધન પાસે કુલ 53
ઈઝરાયલની 120 સભ્યની નેસેટ એટલે કે સંસદમાં સરકાર બનાવવા ઓછામાં ઓછી 61 બેઠકની જરૂર પડે છે. બેન્જામિન નેતન્યાહુની લિકુડ પાર્ટીએ 27 બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ હોવાનું સાબિત કર્યું છે, પરંતુ તેમના સમગ્ર જમણેરી ગઠબંધનને કુલ 53 બેઠકો જ મળી છે.
આઈઝનકોટને આરબોની 19 બેઠકોનો ટેકો
બીજી બાજુ, પૂર્વ સૈન્ય પ્રમુખ ગાદી આઈઝનકોટના નેતૃત્વ હેઠળના ગઠબંધનની સ્થિતિ પર નજર કરીએ તો, તેમની યાસર પાર્ટી પાસે 21 બેઠકો છે. આ ઉપરાંત નફતાલી બેનેટની પાર્ટીને 12, ડેમોક્રેટ્સને 8 અને યિસરાએલ બેતેનુને 7 બેઠકો મળી છે, જેથી આ તમામ પક્ષો પાસે કુલ 48 બેઠક છે. આ સ્થિતિમાં આરબ સમાજની બે પાર્ટી કિંગમેકરની ભૂમિકા ભજવી રહી છે. તેમની પાસે કુલ 19 બેઠકો છે અને સરકાર બનાવવા માટે આઈઝનકોટને સમર્થન જાહેર કર્યું છે.
જમણેરીઓની 53 બેઠક, પરંતુ નેતન્યાહુને 46 સાંસદનું સમર્થન
હાલમાં જ ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ સાથે યોજાયેલી બેઠકમાં સ્થિતિ સ્પષ્ટ થઈ છે કે, 67 સાંસદે આઈઝનકોટને વડાપ્રધાન બનાવવા માટે સમર્થન આપ્યું છે, જ્યારે 46 સાંસદે નેતન્યાહુના નામની ભલામણ કરી છે. જો કે, 'યુનાઇટેડ તોરાહ જુદાઇઝ્મ'ના સાત સાંસદે કોઈ પણ ઉમેદવારને સમર્થન નથી આપ્યું.
રાષ્ટ્રપતિ હર્ઝોગ રવિવારે કરશે ઉમેદવારની જાહેરાત
હવે રાષ્ટ્રપતિ હર્ઝોગ રવિવારે વડાપ્રધાન પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. નિયમ મુજબ, ચૂંટાયેલા ઉમેદવારને સરકાર બનાવવા 28 દિવસનો સમય મળશે, જેને જરૂર પડ્યે વધુ 14 દિવસ સુધી લંબાવી શકાય છે. જો કે, સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર રચાશે ખરી? આરબ પક્ષો સાથેના ગઠબંધન અને સૈન્યમાં ભરતી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર હજુ સુધી કોઈ સ્પષ્ટ સહમતિ સધાઈ નથી. જો રાજકીય પક્ષો વચ્ચેની વાતચીત નિષ્ફળ જશે, તો ઈઝરાયલની પ્રજાએ વધુ એક ચૂંટણીનો સામનો કરવો પડે તેવી પૂરી શક્યતા છે.




