India

ગૃહ મંત્રાલયે જૈશ, લશ્કર એ તૈયબા અને અલ કાયદા સંબંધિત 23 પાકિસ્તાનીને આતંકી જાહેર કર્યા

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
ગૃહ મંત્રાલયે પાકિસ્તાન પ્રેરિત 23 વ્યક્તિઓને UAPA હેઠળ 'આતંકવાદી' જાહેર કર્યા છે. શનિવારે (4 જુલાઈ 2026) ના રોજ આ પગલાથી, ભારતમાં વ્યક્તિગત આતંકવાદીઓની કુલ સંખ્યા 80 પર પહોંચી ગઈ છે. આ તમામ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે. NIA ને હવે આ આતંકીઓની સંપત્તિ જપ્ત કરવા અને ફંડિંગ રોકવા માટે મજબૂત કાનૂની સત્તા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૃહ મંત્રાલયે જૈશ, લશ્કર એ તૈયબા અને અલ કાયદા સંબંધિત 23 પાકિસ્તાનીને આતંકી જાહેર કર્યા

Ministry of Home Affairs 23 Terrorists UAPA List 2026: પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિરુદ્ધ કડક વલણ અપનાવતા ભારત સરકારના ગૃહ મંત્રાલયે એક મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા અને ત્યાંથી ભારત વિરોધી ગતિવિધિઓ ચલાવતા 23 વ્યક્તિઓને ગેરકાનૂની પ્રવૃત્તિઓ પ્રતિબંધક અધિનિયમ (UAPA) હેઠળ સત્તાવાર રીતે 'આતંકવાદી' જાહેર કરવામાં આવ્યા છે. સરકારના આદેશ અનુસાર, આ તમામ વ્યક્તિઓ લશ્કર-એ-તૈયબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અન્ય પ્રતિબંધિત આતંકી સંગઠનો સાથે સીધા જોડાયેલા છે.

ઘૂસણખોરી અને સૈન્ય કેમ્પ પર હુમલાના આરોપી
ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આ 23 આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ભરતી કરવા, સરહદ પારથી ઘૂસણખોરી કરાવવા, હથિયારોની હેરાફેરી કરવા અને ડ્રોન મારફતે હથિયારો મોકલવાના કાવતરામાં સામેલ છે. આ યાદીમાં સામેલ ત્રણ આતંકીઓ 2016 ના નગરટોટા આર્મી કેમ્પ હુમલામાં અને બે આતંકીઓ 2018 ના સુંજવાન મિલિટરી સ્ટેશન પર થયેલા આતંકી હુમલામાં વોન્ટેડ છે.

હાફિઝ સઈદની કોર ટીમના ત્રણ સાગરીતો બેનકાબ
ગૃહ મંત્રાલયે લશ્કરના સ્થાપક હાફિઝ સઈદના અત્યંત નજીકના ત્રણ સાથીઓની ઓળખ જાહેર કરી છે. જેમાં 54 વર્ષીય રાણા ઇફ્તિખાર, 52 વર્ષીય અબ્દુલ રઉફ અને 51 વર્ષીય હાફિઝ ખાલિદ વલીદનો સમાવેશ થાય છે. રાણા ઇફ્તિખાર યુવાનોને જેહાદ માટે ઉશ્કેરવાનું કામ કરે છે, જ્યારે અબ્દુલ રઉફ ફંડ એકઠું કરવાની અને આતંકી હુમલાના પ્લાનિંગની જવાબદારી સંભાળે છે. હાફિઝ ખાલિદ વલીદ અનેક આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ રહ્યો છે. શનિવારે (4 જુલાઈ 2026) ના રોજ આ 23 નામો ઉમેરાતાની સાથે જ ભારતમાં UAPA હેઠળ વ્યક્તિગત આતંકી જાહેર કરાયેલા લોકોની કુલ સંખ્યા 80 પર પહોંચી ગઈ છે.

NIA ને મળશે મજબૂત પાવર
2019 માં આતંકવાદ વિરોધી કાયદા (UAPA) માં કરાયેલા સુધારા બાદ હવે સંગઠનોની સાથે વ્યક્તિગત આતંકવાદીઓને પણ આ યાદીમાં સામેલ કરી શકાય છે. આ યાદી જાહેર થવાથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને આ આતંકીઓના બેંક ખાતા અને ફંડિંગ રોકવા, તેમની સંપત્તિ જપ્ત કરવા અને હથિયારોની ખરીદી પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ મૂકવા માટે કાનૂની તાકાત મળશે.