હિમાચલ પ્રદેશમાં એન્ટ્રી ટેક્સના વિરોધમાં નિહંગ શીખોએ શરૂ કરી 'ખાલસા રાજ ટેક્સ' વસૂલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Himachal Entry Tax Protest : હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા વસૂલવામાં આવી રહેલા એન્ટ્રી ટેક્સનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. નિહંગ શિખ સંગઠન 'તરના દલ'ની આગેવાનીમાં બુધવારથી કુલ્લુ-મનાલી હાઈવે પર કીરતપુર સાહિબમાં મોડા ટોલ પ્લાઝા નજીક એક અનોખો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. નિહંગોએ હિમાચલ પ્રદેશ તરફથી આવતા વાહનો પાસેથી ‘ખાલસા રાજ ટેક્સ’ના નામે સ્વૈચ્છિક ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું છે.
જબરદસ્તી નહીં, સરકારને સંદેશ આપવાનો હેતુ
તરના દલના નિહંગ અચ્છર સિંહે જણાવ્યું કે, તેઓ કાર જેવી નાની ગાડીઓ પાસેથી 100 રૂપિયા, નાના કોમર્શિયલ વાહનો પાસેથી 200 રૂપિયા અને મોટા વાહનો પાસેથી 300થી 500 રૂપિયાની વસૂલાત કરી રહ્યા છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે, આમાં કોઈ વાહનચાલક સાથે જબરદસ્તી કરાતી નથી. જે ચાલક પોતાની ઈચ્છા અને શ્રદ્ધાથી દાન આપવા માંગે તે આપી શકે છે, બાકીના વાહનોને કોઈ પણ રોકટોક વગર જવા દેવામાં આવે છે.
હિમાચલ સરકાર 'ગુન્ડા ટેક્સ' વસૂલે છે : નિહંગો
નિહંગોનું કહેવું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા જે ટેક્સ લે છે તેના બદલામાં રોડ બનાવી આપે છે, તેથી તેની સામે કોઈ વાંધો નથી. પરંતુ હિમાચલ સરકાર જે ટેક્સ વસૂલે છે તે 'ગુન્ડા ટેક્સ' સમાન છે, જેનાથી વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સ પર આર્થિક બોજ વધે છે. તેમણે ચેતવણી આપી છે કે જો હિમાચલ કે પંજાબ સરકાર તેમને રોકવાનો પ્રયાસ કરશે તો પરિણામ સારું નહીં આવે. હાલ પોલીસ પ્રશાસન અને થાના પ્રભારી ઈન્સ્પેક્ટર રાહુલ શર્મા સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો : ઈન્દિરા ગાંધીએ 1968માં રોપેલા બીજ હવે બનશે 'વટવૃક્ષ'! સંકટ વચ્ચે પણ ઓઇલ આપશે આ દેશ
શું છે આ ટેક્સ વિવાદ?
હિમાચલ પ્રદેશમાં પ્રવેશતા વાહનો પાસેથી વર્ષોથી એન્ટ્રી ટેક્સ લેવાય છે. વર્ષ 2025માં સરકારે તેમાં સામાન્ય વધારો કર્યો હતો, પરંતુ ફેબ્રુઆરી 2026 માં નવી ટોલ નીતિ જાહેર કરીને ટેક્સના દરોમાં ભારે વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. હિમાચલમાં સૌથી વધુ પ્રવાસીઓ અને ટ્રાન્સપોર્ટર્સ પંજાબ તેમજ હરિયાણાથી આવે છે, જેથી આ વધારાનો ત્યાં ઉગ્ર વિરોધ થયો હતો. વિવાદ વધતાં 31 માર્ચ 2026 ના રોજ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ દખલગીરી કરવી પડી હતી અને ખાનગી કાર તેમજ કેટલાક મુસાફર વાહનો પરનો વધારો પાછો ખેંચ્યો હતો. હાલમાં કાર, જીપ કે વેન માટે 100 રૂપિયા, 6 થી 12 સીટના વાહન માટે 130 રૂપિયા, ટ્રેક્ટર માટે 100 રૂપિયા અને ભારે વાહનો માટે 800 રૂપિયા સુધીનો ટેક્સ લેવામાં આવી રહ્યો છે. નિહંગોએ માંગ કરી છે કે જ્યાં સુધી હિમાચલ સરકાર આ એન્ટ્રી ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ નહીં કરે, ત્યાં સુધી તેમનો આ વિરોધ ચાલુ રહેશે.
આ પણ વાંચો : 'બળવા' વચ્ચે મમતા બેનર્જીની મોટી કાર્યવાહી, તૃણમૂલ કોંગ્રેસની તમામ કમિટી, સંગઠનો ભંગ









