India

મુંબઈમાં ધોધમાર વરસાદ... રસ્તાઓ બેટમાં ફેરવાયા, કોલોનીઓ ટાપુ બની, વીજ સપ્લાય ઠપ

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ સહિત થાણે, પાલઘર, વસઈ, નાલાસોપારા અને ભિવંડીમાં મુશળધાર વરસાદે કહેર વર્તાવ્યો છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને વીજ પુરવઠો ઠપ થયો. IMDએ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ માટે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. વસઈની મીઠાગર વસાહતમાં 120 પરિવારો ફસાયા છે, જ્યારે હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈમાં ધોધમાર વરસાદ... રસ્તાઓ બેટમાં ફેરવાયા, કોલોનીઓ ટાપુ બની, વીજ સપ્લાય ઠપ

Mumbai Rain: મહારાષ્ટ્રના મુંબઈ સહિત સમગ્ર મેટ્રોપોલિટન રિજન (MMR)માં કુદરતે કહેર વરતાવ્યો છે. મુંબઈ, થાણે, પાલઘર, વસઈ, નાલાસોપારા અને ભિવંડીમાં સતત થઈ રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક સોસાયટીઓ ટાપુ જેવી બની ગઈ છે, જ્યારે કેટલાય વિસ્તારોમાં વીજ સપ્લાય પણ ઠપ થઈ ગયો છે.

બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી કલાકોમાં હજુ વધુ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હાઇવે પર ટ્રાફિક જામ, વાહનો ગોકળગાયની ગતિએ

પાલઘર જિલ્લાના નાલાસોપારા ફાટા વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. સતત વરસાદને કારણે હાઇવે નજીકના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના લીધે વાહનો ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત, વસઈ પૂર્વનો મુખ્ય સાતિવલી રોડ (જે હાઇવેને જોડે છે) પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રોજબરોજ હજારો લોકો આ માર્ગ પરથી મુસાફરી કરે છે, પરંતુ રસ્તાની બંને બાજુ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. સ્થાનિક લોકો હવે વહીવટીતંત્ર પાસે તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે.

વસઈની મીઠાગર વસાહત પાણીમાં ડૂબી, સોથી વધુ પરિવારો મુશ્કેલીમાં

સૌથી કપરી પરિસ્થિતિ વસઈ પૂર્વમાં આવેલી મીઠાગર વસાહતની થઈ છે. ભારે વરસાદના કારણે આખી વસાહત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને મુખ્ય રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ કે ડૂબી ગયો છે. વસાહતના અંદાજે 120 પરિવારોના 300થી 400 જેટલા લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. અહીં મુશ્કેલી માત્ર પાણી ભરાવા પૂરતી સીમિત નથી, પરંતુ પૂરના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ જતાં લોકોની હાલાકી બેવડાઈ ગઈ છે.