23થી 28 જુલાઈ દેશભરમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું 27 રાજ્યોમાં ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IMD Weather Forecast : દેશભરમાં ચોમાસું ફરી એકવાર પૂરજોશમાં સક્રિય થવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વરસાદ અને તોફાની પવનનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પહાડી રાજ્યોથી લઈને મેદાની વિસ્તારો સુધી આગામી દિવસોમાં મૂશળધાર વરસાદ પડવાની પૂરી સંભાવના છે.
દિલ્હી-NCR: કાળા વાદળો વચ્ચે વાતાવરણ આહ્લાદક બન્યું
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પવન ફૂંકાતા લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મુક્તિ મળી છે. આગામી કલાકોમાં આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. અહીં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.
ઉત્તર પ્રદેશ: 26થી 28 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં 26 જુલાઈ સુધી મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે, જ્યારે 26થી 28 જુલાઈ દરમિયાન અત્યંત ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પણ 27 અને 28 જુલાઈએ ભારે વરસાદનું ઍલર્ટ અપાયું છે.
બિહાર: 23થી 24 જુલાઈ સુધી મેઘરાજા ગાજશે
બિહારમાં 23થી 24 જુલાઈ દરમિયાન વ્યાપક અને ભારે વરસાદ થવાની આશંકા છે. 26 જુલાઈએ વરસાદનું જોર થોડું ઘટ્યા પછી 27 અને 28 જુલાઈના રોજ ફરીથી તીવ્ર વરસાદી તબક્કો શરૂ થઈ શકે છે.
હિમાચલ પ્રદેશ: ભૂસ્ખલન અને પૂરનો ભય, રેડ-ઑરેન્જ ઍલર્ટ
હિમાચલમાં સતત વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. કાંગડા અને મંડીમાં અતિભારે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે શિમલા, કૂલ્લુ, ચંબા અને સોલનમાં યલો ઍલર્ટ જારી કરાયું છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન (Landslide) અને અચાનક પૂર (Flash Flood) આવવાનું જોખમ વધી ગયું છે.
મધ્ય પ્રદેશ: આગામી 48 કલાકમાં મસમોટો વરસાદ
મધ્ય પ્રદેશમાં ચોમાસાએ ધમાકેદાર વાપસી કરી છે. ભોપાલ, જબલપુર, નર્મદાપુરમ, સાગર અને રીવા સહિતના અનેક જિલ્લાઓમાં આગામી 24થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે.
રાજસ્થાન: 26 જુલાઈ સુધી અનેક ભાગોમાં ધોધમાર પાણી પડશે
જયપુર, કોટા, ભરતપુર, ઉદયપુર અને જોધપુર જેવા મુખ્ય વિભાગોમાં 22થી 26 જુલાઈ વચ્ચે મૂશળધાર વરસાદનું અનુમાન છે. કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન કેન્દ્રે વ્યક્ત કરી છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે
આ સિવાય ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને પૂર્વોત્તરના રાજ્યો જેવા કે અસમ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં પણ આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળશે.









