'જ્ઞાનેશ કુમારને ચૂંટણીમાં મેચ ફિક્સિંગની જવાબદારી સોંપાઈ', રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર મોટો પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi On Gyanesh Kumar: CEC જ્ઞાનેશ કુમારને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પહેલાં જ્ઞાનેશ કુમાર, જેઓ પહેલા એક કાર્યરત IAS અધિકારી હતા, તેમનો ઉપયોગ ભાજપમાં ભરતી કરાવવા માટે કરવામાં આવ્યો, ત્યારબાદ વડાપ્રધાન અને ગૃહમંત્રીએ તેમને અમ્પાયર બનાવી દીધા અને ભારતીય ચૂંટણીઓમાં 'મેચ-ફિક્સિંગ'ની જવાબદારી તેમને સોંપી દીધી. રાહુલ ગાંધીએ આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખી છે. તેમણે ચૂંટણી પંચને લઈને સામે આવેલા એક અહેવાલ બાદ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પણ તીખા પ્રહાર કર્યા છે.
વિપક્ષ જ્ઞાનેશ કુમારને હટાવવા એકજૂટ
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને ઊભા થઈ રહેલા સવાલો વચ્ચે વિપક્ષ તેમને હટાવવા માટે ત્રીજી વખત મહાભિયોગ (Impeachment) લાવવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે અનેક વિપક્ષી દળોએ હાથ મિલાવ્યા છે. સંસદના પ્રસ્તાવિત વિશેષ સત્ર પહેલાં વિપક્ષ લોકસભા અને રાજ્યસભામાં નોટિસ આપવાની તૈયારી કરી રહ્યો છે. બીજી તરફ, આ વિવાદો વચ્ચે શનિવારે દિલ્હીમાં નિર્વાચન સદન ખાતે ચૂંટણી પંચની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે બંને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશી હાજર રહ્યા હતા.
'સત્તા મેળવવા માટે રાહુલ ગાંધી…', કોંગ્રેસ પર ભાજપનો પ્રહાર
ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચમાં કમિશનરો વચ્ચેના મતભેદો અને વિવાદો અંગે ચાલી રહેલા ઘમાસાણ પર ECIની સ્પષ્ટતા બાદ વિપક્ષી કોંગ્રેસ પાર્ટી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપે કહ્યું કે, 'ચૂંટણી પંચે જે સાર્વજનિક નિવેદન આપ્યું છે તેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે.' ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, 'માત્ર સત્તા મેળવવી જ રાહુલ ગાંધીનું લક્ષ્ય છે, અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવા માંગે છે. ભારતની સર્વોચ્ચ અદાલતે 27 મે 2026ના રોજ SIRના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ત્રણેય કમિશનરો એક હતા, સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી પંચના પક્ષમાં નિર્ણય આપ્યો અને કમિશનરોની બેઠકમાં પણ સર્વસંમતિ હતી. છતાં કોંગ્રેસે જે રીતે હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, તે કોંગ્રેસ પાર્ટીમાં પરિપક્વતાની કમી દર્શાવે છે.'
ભાજપના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, '2014 પછી કોંગ્રેસે દેશની તમામ બંધારણીય સંસ્થાઓ કે પછી તે સેના હોય, સુપ્રીમ કોર્ટ હોય કે ચૂંટણી પંચ, તમામ પર આ પ્રકારે પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીનો મંત્ર છે કે 'Can't Win, So Let's Spoil the Game' એટલે કે જીતી નથી શકતા, તો ખેલ જ બગાડી દો. પરંતુ દેશની જનતા બધું સમજે છે.'




