Get The App

હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક 1 - image


Flights Extra Charge: કેન્દ્ર સરકારે અગાઉ એરલાઈન્સ કંપનીઓને આદેશ આપ્યો હતો કે દરેક ફ્લાઈટમાં ઓછામાં ઓછી 60 ટકા સીટો કોઈપણ વધારાના ચાર્જ (Seat Selection Fee) વગર મુસાફરોને ઉપલબ્ધ કરાવવી પડશે. જોકે, એરલાઈન્સ કંપનીઓના ભારે વિરોધ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ નિર્ણયને હાલ પૂરતો સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. આ આદેશ 20 એપ્રિલથી લાગુ થવાનો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવે જણાવ્યું છે કે આ નિયમનો સંપૂર્ણ પ્રભાવ આકલન ન થાય ત્યાં સુધી અમલ કરવામાં આવશે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો, મુસાફરોએ પહેલાની જેમ સીટ પસંદગી માટે ફી ચૂકવવી પડશે.

એરલાઈન્સ કંપનીઓનો વિરોધ

ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ જેવી મોટી કંપનીઓએ 'ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ' (FIA) દ્વારા સરકારને પત્ર લખીને આ ચિંતા વ્યક્ત કરી હતી. 

• જો 60% સીટો મફત કરી દેવામાં આવશે, તો તેમની આવક પર સીધી અસર પડશે.
• સીટ સિલેક્શન ચાર્જ એ તેમની આવકનો એક મહત્વનો ભાગ છે, જેનાથી તેઓ ઓપરેશનલ ખર્ચ પૂરો કરે છે.
• આ નુકસાનની ભરપાઈ કરવા માટે તેમણે ટિકિટના મૂળ ભાવમાં વધારો કરવો પડી શકે છે, જે અંતે મુસાફરોને જ ભારે પડશે.

સીટ પ્રેફરન્સના નામે વધારાનો ચાર્જ

ખરેખર તો વિમાન કંપનીઓ સીટ પ્રેફરન્સ (પસંદગીની સીટ) માટે અલગથી ચાર્જ વસૂલે છે. આ આગળની સીટ, એક્સ્ટ્રા લેગ રૂમ જેવી સુવિધાઓ પર નિર્ભર કરે છે. આ માટે 200 રૂપિયાથી લઈને 2100 રૂપિયા સુધી અલગથી લેવામાં આવે છે.

આ નિર્ણય પરત લેવા મુખ્ય કારણ એરલાઇન કંપનીઓની આર્થિક સ્થિતિ અને ઓપરેશનલ ખર્ચ હોવાનું મનાય છે. જો સરકાર આ નિયમ લાગુ કરે, તો એરલાઇન્સ પર મોટો આર્થિક બોજ આવી શકે તેમ હતો. એવિએશન સેક્ટરના નિયમનકારો અને સરકારી અધિકારીઓ વચ્ચેની બેઠક બાદ એવું નક્કી કરવામાં આવ્યું કે હાલના તબક્કે આ યોજના વ્યવહારુ નથી.

જે મુસાફરો રાહત દરની આશા રાખી રહ્યા હતા, તેમને હજુ થોડો સમય રાહ જોવી પડશે. જોકે, સરકાર ભવિષ્યમાં વરિષ્ઠ નાગરિકો માટે કોઈ નવી સબસિડી યોજના લાવશે કે કેમ તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.