India

'NEET પેપર લીક વિવાદ મુદ્દે સરકાર ચર્ચા માટે તૈયાર...', કેન્દ્રીય મંત્રી રિજિજૂનું મોટું નિવેદન

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પરની કાર્યવાહી મુદ્દે વિપક્ષે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ લોકસભામાં જણાવ્યું કે, સરકાર આ ગંભીર મુદ્દે ગૃહમાં વિસ્તૃત ચર્ચા કરવા તૈયાર છે. જોકે, વિપક્ષે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વડાપ્રધાનના નિવેદનની પણ માંગ કરી, જેના કારણે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી.

Summarized by AI; it may make mistakes. Check important info

'NEET પેપર લીક વિવાદ મુદ્દે સરકાર ચર્ચા માટે તૈયાર...', કેન્દ્રીય મંત્રી રિજિજૂનું મોટું નિવેદન
IMAGE - IANS

NEET Paper Leak Parliament Debate: NEET પેપર લીક અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહીને લઈને વિપક્ષે કેન્દ્ર સરકાર પર હુમલા તેજ કર્યા છે. આ વિરોધ વચ્ચે બુધવારે કેન્દ્ર સરકાર સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવા માટે તૈયાર થઈ ગઈ હતી.

સંસદીય કાર્ય મંત્રીની જાહેરાત

લોકસભામાં વિપક્ષના હોબાળા અને નારેબાજી વચ્ચે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ સ્પષ્ટ કર્યું હતું કે, 'સરકાર નીટ પેપર લીક અંગે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે. વિદ્યાર્થીઓ અમારી સૌથી પહેલી પ્રાથમિકતા છે અને અમે આ ગંભીર મુદ્દા પર ગૃહમાં વિગતવાર ચર્ચા કરવા ઈચ્છીએ છીએ.'

વિપક્ષે કરી વડાપ્રધાનના નિવેદનની માગ

ચર્ચા માટે સરકારની તૈયારી હોવા છતાં, વિપક્ષે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી કથિત પોલીસ બર્બરતાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પીએમ મોદી પાસે જવાબ આપવાની માંગ કરી હતી. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મંગળવારે વડાપ્રધાનના આવાસ બહાર થયેલા ધરણાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, 'વડાપ્રધાન સંસદમાં બોલતા નથી તેથી તેમને ઘરની બહાર ધરણા કરવાની ફરજ પડી હતી.' આ સાથે જ તેમણે સવાલ કર્યો હતો કે, 'વડાપ્રધાન દેશના યુવાનોના મુદ્દે સંસદની બહાર બોલે છે, તો ગૃહમાં નિવેદન કેમ નથી આપતા? દિલ્હીના રસ્તાઓ પર વિદ્યાર્થીઓ સાથે થયેલી પોલીસ કાર્યવાહીનો સરકારે જવાબ આપવો જોઈએ.'

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ

સરકાર ચર્ચા માટે સહમત થઈ હોવા છતાં વિપક્ષી દળો સંસદમાં કોઈપણ ચર્ચા શરૂ કરતા પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ રહ્યા હતા. કોંગ્રેસ નેતા પવન ખેડાએ જણાવ્યું હતું કે, 'પહેલા જવાબદારી નક્કી થવી જોઈએ અને તે પછી જ ચર્ચા થઈ શકે, તેથી ધર્મેન્દ્ર પ્રધાને સૌથી પહેલા રાજીનામું આપવું જોઈએ.'

ગૃહની કાર્યવાહી મુલતવી

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં ચર્ચા શરૂ કરાવવાનો પ્રયાસ કર્યો હતો અને નોંધ્યું હતું કે સત્તાપક્ષ અને વિપક્ષ બંને ચર્ચા ઈચ્છે છે. જોકે, વિપક્ષ દ્વારા રાજીનામાની માંગ સાથે સતત હોબાળો ચાલુ રખાતા સ્પીકરે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી.