'મેરા ભારત મેરા યોગદાન' અભિયાન હેઠળ આંશિક 'લોકડાઉન'
એક વર્ષ મંત્રી-અધિકારીઓના વિદેશ પ્રવાસ રદ સ્કૂલ, યુનિવર્સિટી અને કોર્ટોને ઓનલાઈન કરવા અપીલ
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલ બચાવવાની સાથે કંપનીઓને વર્ક ફ્રોમ હોમની અપીલ કરી હતી. હવે ભાજપ શાસિત દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, સરકારી ઓફિસોમાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ રહેશે. ખાનગી કંપનીઓએ પણ આ આદેશ લાગુ કરવાનો રહેશે. સરકારે 'મેરા ભારત મેરા યોગદાન' અભિયાન હેઠળ અનેક પ્રકારના ઉપાયોની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની બચત માટે વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન અપાશે. આ બંને દિવસમાં ૧૦૦ ટકા કર્મચારી ઘરેથી જ પોતાનું કામ કરશે. જોકે, ઈમરજન્સી અને જરૂરી સેવાઓવાળા વિભાગોનો તેમાં સમાવેશ કરાયો નથી.
મુખ્યમંત્રી અને મંત્રીઓના વાહનોની સંખ્યામાં કરાયેલા કાપનો ઉલ્લેખ કરતા રેખા ગુપ્તાએ જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. અધિકારીઓના પેટ્રોલમાં ૨૦ ટકા કાપ મૂકાયો છે. આ સિવાય પ્રત્યેક સોમવારે મંડે મેટ્રો ડે રહેશે અને મંત્રી તથા અધિકારીઓ વધુમાં વધુ સંખ્યામાં તેનો ઉપયોગ કરશે.
સરકારી અને ખાનગી ઓફિસોના સમયમાં ફેરફારની જાહેરાત કરતા સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે, દિલ્હી સરકારની ઓફિસોનો સમય ૧૦થી ૭.૩૦ રહેશે. જ્યારે કોર્પોરેશનની ઓફિસોનો સમય સવારે ૮.૩૦થી સાંજે ૫.૩૦ રેશે. તેમણે દિલ્હીની જનતાને પણ નો વ્હિકલ ડે માટે વિનંતી કરી હતી. સરકાર આગામી છ મહિના સુધી કોઈ ગાડી નહીં ખરીદે. વધુમાં સ્કૂલો, યુનિવર્સિટીઓ અને કોર્ટોને ઓનલાઈન કરવા અપીલ કરાઈ છે.
તેમણે ઉમેર્યું કે, કોઈપણ મંત્રી અથવા અધિકારી આગામી એક વર્ષ સુધી વિદેશ નહીં જાય. વિદેશ જવાના બધા જ કાર્યક્રમો સ્થગિત કરી દેવાયા છે. વધુમાં આગામી ત્રણ મહિના સુધી કોઈ મોટા કાર્યક્રમો નહીં યોજાય. મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોને પ્રાથમિક્તા અપાશે. ૯૦ દિવસ સુધી દિલ્હીમાં ઈંધણ બચાવવા, જાહેર પરિવહનના ઉપયોગ માટે લોકોને જાગૃત કરવા અભિયાન ચલાવાશે તેમ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું હતું.


