E20 પેટ્રોલ બાબતે સરકારી દાવો VS વાસ્તવિકતા, ટેક્નિકલ મોહજાળે ગ્રાહકોની મૂંઝવણ વધારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ethanol Blending: હાલના સમયમાં E20 પેટ્રોલ બાબતે સરકાર તરફથી સતત સ્પષ્ટતાઓ અને તેના ફાયદા દર્શાવતી સત્તાવાર સોશિયલ મીડિયા પોસ્ટ્સ સામે આવી રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય તેમજ ભાજપના સત્તાવાર એક્સ (X) હેન્ડલ દ્વારા E20 પેટ્રોલથી દેશને અને વાહનચાલકોને થતા ફાયદાઓ અંગે વારંવાર માહિતી આપવામાં આવી રહી છે. જો કે, સરકાર જેમ જેમ વધુ સ્પષ્ટતાઓ આપી રહી છે, તેમ તેમ પ્રશ્નો શમવાને બદલે વધુ જટિલ બની રહ્યા છે. જે આંકડાઓ ટાંકીને E20 ની પ્રશંસા કરવામાં આવી રહી છે, તે ખોટા ન હોય તો પણ સંદર્ભ વિના અને ગેરમાર્ગે દોરે તે રીતે રજૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. 5 જુલાઈ, 2026 ના રોજ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) દ્વારા જાહેર કરાયેલા ડેટા અને સરકારના પોતાના જ સત્તાવાર દસ્તાવેજો ચકાસતા આ સરકારી દાવાઓની હકીકત કંઈક અલગ જ ચિત્ર ઉપસાવે છે.
દાવો 1: ઓક્ટેન નંબરની રમતમાં તકનીકી છેતરપિંડી?
ભાજપ સરકાર તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે E20 નો ઓક્ટેન નંબર 108.5 છે, જ્યારે નિયમિત પેટ્રોલમાં ફક્ત 84.4 હોય છે, જેથી વાહનની કાર્યક્ષમતા (પર્ફોર્મન્સ) માં મોટો વધારો થાય છે. પરંતુ સરકારી દસ્તાવેજો ચકાસતાં નીચે મુજબની બાબતો બહાર આવે છે:
- 108.5 અને 95 વચ્ચેનો તફાવત: પેટ્રોલિયમ મંત્રાલયના સત્તાવાર એફએક્યુ (FAQ) મુજબ, 108.5 રિસર્ચ ઓક્ટેન નંબર (RON) એ શુદ્ધ ઈથેનોલ (E100) નો છે, જે સીધા ઈંધણ તરીકે વપરાતું નથી. જ્યારે પેટ્રોલમાં 20% ઈથેનોલ ભેળવવામાં આવે છે (E20), ત્યારે બનતા પેટ્રોલનો ઓક્ટેન નંબર આશરે 95 RON થાય છે.
- ગેરમાર્ગે દોરતી સરખામણી: સરકારી પ્રચારમાં 108.5 ની સરખામણી 84.4 સાથે કરવામાં આવી છે. વાસ્તવિકતા એ છે કે હાલમાં ભારતમાં ચાલતું સામાન્ય પેટ્રોલ પણ 84.4 નું નથી, પરંતુ તેનો ઓક્ટેન નંબર પહેલેથી જ 91 RON ની આસપાસ છે. તેથી, સાચી સરખામણી 91 અને 95 ની વચ્ચે હોવી જોઈએ, નહીં કે 84.4 અને 108.5 ની.
હાઈ-ઓક્ટેનનો સામાન્ય વાહનોને ફાયદો કેટલો?
વિશ્વભરની ઓટોમોબાઈલ એજન્સીઓના મતે, હાઈ-ઓક્ટેન ઈંધણ ફક્ત તે જ એન્જિન માટે ઉપયોગી છે જે ખાસ હાઈ-પર્ફોર્મન્સ માટે ડિઝાઇન કરાયા હોય. સામાન્ય કાર કે બાઇકમાં હાઈ-ઓક્ટેન વાપરવાથી એન્જિન અચાનક વધુ શક્તિશાળી બની જતું નથી કે માઇલેજમાં મોટો ઉછાળો આવતો નથી.
દાવો 2: ઊર્જા સુરક્ષા અને બચતના દાવાઓનું સત્ય
બીજો દાવો એવો કરાયો છે કે ઈથેનોલ મિશ્રણથી 31 મિલિયન મેટ્રિક ટન ક્રૂડ ઓઈલની આયાત બચી છે, 1.90 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિદેશી હૂંડિયામણ બચ્યું છે અને ભારતને વૈશ્વિક તેલના ભાવના આંચકાથી રક્ષણ મળ્યું છે. આ દાવાની પાછળની ગણતરી પણ સંપૂર્ણ નથી.
- વાસ્તવિક આયાત ઘટી નથી: 31 મિલિયન મેટ્રિક ટન એ ખરેખર બચેલું તેલ નથી, પરંતુ પેટ્રોલના બદલે વપરાયેલા ઈથેનોલના આધારે લગાવાયેલો એક અંદાજ છે.
- સમયગાળો અને ખર્ચ: સરકારી દસ્તાવેજો અનુસાર, આ બચતના આંકડા કોઈ એક વર્ષના નથી પરંતુ 2014-15 થી અત્યાર સુધીના છે. ઉપરાંત, 1.90 લાખ કરોડ રૂપિયાની બચતમાં ઈથેનોલ ખરીદવાનો ખર્ચ, સરકારી પ્રોત્સાહનો અને લોજિસ્ટિક્સ ખર્ચ ગણતરીમાં લેવાયા નથી.
- 88.5% આયાત નિર્ભરતા: સૌથી મહત્ત્વનો સરકારી આંકડો એ છે કે ભારત આજે પણ પોતાની ક્રૂડ ઓઈલની કુલ જરૂરિયાતનો આશરે 88.5% હિસ્સો વિદેશમાંથી જ ખરીદે છે. જો દેશ આટલી મોટી માત્રામાં વિદેશી તેલ પર નિર્ભર હોય, તો વૈશ્વિક બજારમાં ભાવ વધતાં ભારત અછૂત રહી શકે નહીં. E20 અસરને થોડી ઓછી કરી શકે છે, પરંતુ સંપૂર્ણ બચાવી શકતું નથી.
જૂના વાહનોમાં એન્જિન ડેમેજ અને વીમાની જટિલતા
શરૂઆતમાં સરકારે 2030 સુધીમાં E20 અમલમાં મૂકવાનો ધ્યેય રાખ્યો હતો, પણ તેને ડિસેમ્બર 2025 સુધીમાં જ હાંસિલ કરી લેવાયો અને સરકારે તેને પોતાની સિદ્ધિ ગણાવી. જ્યારે પેટ્રોલ પંપ પર E20 નું વેચાણ શરૂ થયું ત્યારે જૂના વાહનચાલકોને ખાતરી અપાઈ હતી કે તેમના વાહનોને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ હકીકત જુદી નીકળી.
- સરકારનો સ્વીકાર: રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું હતું કે 2016 પહેલાં ઉત્પાદિત વાહનોમાં રબરના ભાગો અને ફ્યુઅલ ગાસ્કેટ ખરાબ થઈ શકે છે.
- કાટ લાગવાનું જોખમ: ઈથેનોલ હવામાંથી ભેજ ખેંચવાનો ગુણધર્મ ધરાવે છે. 2023 પહેલાં બનેલા વાહનોની ફ્યુઅલ ટેન્ક અને ગાસ્કેટ પર આ ભેજ દબાણ લાવે છે. કાટ લાગવાની પ્રક્રિયા રાતોરાત થતી નથી, પરંતુ સમય જતાં આવી ફરિયાદો વધવાની પૂરી શક્યતા છે.
- વીમા કવરેજની મર્યાદા: સરકારનો દાવો છે કે E20 થી વીમા પોલિસી પર અસર નહીં પડે. પરંતુ વાસ્તવિકતા એ છે કે 'એન્જિન પ્રોટેક્ટ' કવર તમામ ગાડીઓમાં સરળતાથી મળતું નથી અને ઈંધણમાં ભેજ કે કાટને કારણે થતા નુકસાનને સામાન્ય સર્વિસિંગ ગણીને ક્લેમ ફગાવી દેવામાં આવે છે.
નીતિ સામે નહીં, રજૂઆત સામે સવાલ
અહીં પ્રશ્ન ઈથેનોલ મિશ્રણની પર્યાવરણલક્ષી નીતિનો નથી, પરંતુ તેને ઉતાવળે અમલમાં મૂકવાની અને જનતા સમક્ષ અર્ધસત્ય રજૂ કરવાની ઉતાવળનો છે. સરકાર જે ઝડપે સ્પષ્ટતાઓ આપી રહી છે, તે દર્શાવે છે કે તે લોકોની શંકાઓ દૂર કરવા કરતાં પોતાના નિર્ણયને સાચો સાબિત કરવા પર વધુ ધ્યાન આપી રહી છે.
આ વખતે સરકાર વિપક્ષના આક્ષેપો સામે નહીં, પણ પોતાના જ દસ્તાવેજો અને PIB ના આંકડાઓ સામે આવીને ઊભી રહી ગઈ છે. કોઈપણ સરકાર માટે પોતાની સિદ્ધિઓનો પ્રચાર કરવો સ્વાભાવિક છે, પરંતુ જ્યારે પૂર્ણ સત્યના બદલે અંદાજિત આંકડા જ રજૂ કરાય, ત્યારે જનતાનો વિશ્વાસ નબળો પડે છે. પ્રચાર કરતાં પ્રજાનો વિશ્વાસ ટકાવી રાખવો વધુ મૂલ્યવાન છે.









