India

‘વૈશ્વિક GDP અઢી ગણી વધી ત્યારે BRICS દેશોની સાડા ચાર ગણી વધી’ BRICS બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી

By GS Team
11 Sep 20264 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં BRICS બિઝનેસ ફોરમમાં PM મોદીએ જણાવ્યું કે, 2006માં 4 દેશોથી શરૂ થયેલું BRICS આજે 21 દેશોનો પરિવાર બન્યો છે. BRICS દેશો વિશ્વની 50% વસતી અને 40% GDPનું પ્રતિનિધિત્વ કરે છે. પુતિને G7 પર પ્રહાર કરતા કહ્યું કે, BRICS GDP મામલે G7થી આગળ નીકળી ગયું છે અને વિશ્વનું નવું ગ્રોથ એન્જિન બન્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘વૈશ્વિક GDP અઢી ગણી વધી ત્યારે BRICS દેશોની સાડા ચાર ગણી વધી’  BRICS બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી

BRICS Business Forum : રાજધાની નવી દિલ્હીમાં આયોજિત 18મા બ્રિક્સ શિખર સંમેલન અંતર્ગત 'બ્રિક્સ બિઝનેસ ફોરમ'ના લીડર્સ સેશનમાં વૈશ્વિક આર્થિક શક્તિ અને વિકાસની નવી દિશા સ્પષ્ટ થઈ છે. ભારત આજે ગ્લોબલ સોલ્યુશન અને ઇનોવેશનનું મુખ્ય કેન્દ્ર બનીને ઊભરી રહ્યું છે તેમજ બ્રિક્સ સંગઠન વિશ્વના આર્થિક ગ્રોથ એન્જિન તરીકે પશ્ચિમી દેશોના જૂથ G7ને પણ પાછળ છોડી રહ્યું છે તેવો સ્પષ્ટ સંદેશ આ મંચ પરથી આપવામાં આવ્યો છે.

2006માં BRICS શરૂ કરાયું ત્યારે 4 દેશો, હવે 20 દેશોનો પરિવાર થયો : PM મોદી

આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જણાવ્યું કે, 'બ્રિક્સ બિઝનેસ ફોરમમાં આપ સૌનું સ્વાગત છે. આ વર્ષે આપણે બ્રિક્સના 20 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. જ્યારે 2006માં આ જૂથ શરૂ થયું ત્યારે તેમાં માત્ર 4 દેશો હતા. આજે બ્રિક્સના સભ્યો અને ભાગીદાર દેશોને મળીને આપણો પરિવાર 21 દેશોનો થઈ ચૂક્યો છે.'

બ્રિક્સ દેશોની સંયુક્ત જીડીપી સાડા ચાર ગણી વધી : વડાપ્રધાન મોદી

PM મોદીએ આર્થિક આંકડાઓ રજૂ કરતાં આગળ કહ્યું કે, 'આજે બ્રિક્સ દેશો દુનિયાની 50 ટકા વસતી, 40 ટકા જીડીપી અને 25 ટકાથી વધુ વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. એટલું જ નહીં, આ વર્ષોમાં જ્યાં વૈશ્વિક જીડીપી લગભગ અઢી ગણી થઈ છે, ત્યાં બ્રિક્સ દેશોની સંયુક્ત જીડીપી સાડા ચાર ગણી વધી છે. બ્રિક્સ દેશો ગ્લોબલ ઇનોવેશન અને સોલ્યુશન માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યા છે અને ભારતમાં આયોજિત આ ફોરમ અત્યાર સુધીનું સૌથી મોટું બ્રિક્સ બિઝનેસ ફોરમ છે.'

પુતિને પશ્ચિમી દેશોના જૂથ G7 પર આકરા પ્રહારો કર્યા

આ જ મંચ પરથી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) એ પશ્ચિમી દેશોના જૂથ G7 પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, 'બ્રિક્સ જીડીપી મામલે G7થી આગળ નીકળી ગયું છે અને અમે દુનિયામાં ગ્રોથ એન્જિન બની રહ્યા છીએ. આ સંમેલન માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ બ્રિક્સ દેશો વચ્ચે મજબૂત બિઝનેસ-ટુ-બિઝનેસ સંબંધો આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. હાલ સમગ્ર વિશ્વ એક ઊંડા, સંરચનાત્મક અને મૂળભૂત આર્થિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.'

G7ને ગ્રેટ-7 કેમ કહે છે એ જ સમજાતું નથી: પશ્ચિમી દેશો પર પુતિનનો કટાક્ષ

G7 (Group of Seven) પર કટાક્ષ કરતાં રશિયન રાષ્ટ્રપ્રમુખએ વધુમાં કહ્યું કે, 'છેલ્લા 5 વર્ષોમાં વિશ્વના કુલ જીડીપીમાં 40 ટકાથી વધુ ઉત્પાદન એકલા બ્રિક્સ દેશો દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે તેની સરખામણીએ કહેવાતા G7, કે જેને ગ્રેટ-7 કહેવાય છે (મને ખબર નથી કે તેઓ ખુદને એવું કેમ કહે છે) તેનો હિસ્સો માત્ર 29 ટકા રહ્યો છે. છેલ્લા 5 વર્ષના વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં અડધાથી વધુ હિસ્સો બ્રિક્સ દેશોનો રહ્યો છે, જ્યારે G7 દેશોનો ફાળો માત્ર 18 ટકા સુધી સીમિત થઈ ગયો છે.’
નોંધનીય છે કે પુતિને આટલું કહેતા જ ત્યાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી અભિવાદન કર્યું હતું.

વિશ્વમાં હવે નવા ગ્રોથ એન્જિન આવ્યા: પુતિન

પુતિને વધુમાં કહ્યું કે, ‘બ્રિક્સ દેશો પાસે વિશ્વની 50 ટકાથી વધુ વસતી છે. વિશાળ વસતીના કારણે આ દેશો પાસે અત્યંત ગતિશીલ, જીવંત અને મજબૂત સ્થાનિક બજારો ઉપલબ્ધ છે, જે આર્થિક સ્થિરતા અને વિકાસને સતત વેગ આપે છે. જે જૂના દેશો 20મી સદીના બીજા ભાગમાં આર્થિક વિકાસના અગ્રેસર હતા, તેમનું સ્થાન હવે નવા ગ્રોથ એન્જિન્સ લઈ રહ્યા છે. અલબત્ત, જૂના પશ્ચિમી નેતાઓ પાસે હજુ પણ શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીકલ લાભ અને વિજ્ઞાન ક્ષેત્રે મોટો પાયો ઉપલબ્ધ છે. પરંતુ પ્રકૃતિ અને અર્થતંત્રનો નિયમ જ પરિવર્તન છે. વિશ્વ હંમેશા બદલાતું રહે છે અને આજે સત્તા તથા આર્થિક સંતુલન નવા કેન્દ્રો તરફ વળી રહ્યું છે.’

ભૌગોલિક રાજકીય પડકારો વચ્ચે વાસ્તવિક સહયોગ અનિવાર્ય : ઈરાનના રાષ્ટ્રપ્રમુખ

આ પ્રસંગે ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન (Masoud Pezeshkian) એ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે વૈશ્વિક પડકારો અંગે વાત કરતાં જણાવ્યું કે, 'આજે દુનિયા સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા અને સપ્લાય ચેઈનમાં અવરોધો વચ્ચે બ્રિક્સની ખરી તાકાત માત્ર અર્થવ્યવસ્થાઓના કદ પૂરતી સીમિત નથી, પરંતુ વેપાર, રોકાણ અને જોઈન્ટ ફાઇનાન્સિંગના નેટવર્ક થકી વાસ્તવિક સહયોગ તરફ આગળ વધવામાં છે.'

દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને વૈશ્વિક નેતાઓનું આગમન

ઉલ્લેખનીય છે કે ભારત મંડપમ ખાતે 13 અને 14 સપ્ટેમ્બરના રોજ યોજાનાર આ મુખ્ય સમિટ માટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા હેતુ માટે લગભગ 15000 દિલ્હી પોલીસકર્મીઓ, પેરામિલિટ્રીની 200 કંપનીઓ અને 500થી વધુ સીસીટીવી કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા 4800 ટ્રાફિક જવાનો ખડેપગે છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (Xi Jinping) સહિતના વૈશ્વિક નેતાઓ આ ઐતિહાસિક સંમેલનમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે.