ઝારખંડ વિધાનસભામાં જેન-ઝીનો આક્રમક ઘેરાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- શિક્ષણમાં સુધારા માટે દિલ્હીથી શરૂ થયેલું આંદોલન હવે અન્ય રાજ્યોમાં ફેલાવા લાગ્યું
- વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, વોટર કેનન, આંસુ ગેસ શેલિંગનો મારો પરીક્ષા રદ કરવા, સીબીઆઇને તપાસ સોંપવાની માગ પર યુવાનો મક્કમ
- પેપર લીકના વિવાદમાં હવે ઇડીની પણ એન્ટ્રી : દેશભરમાં ઇસીઆઇઆર નોંધી મની ટ્રેઇલની તપાસ શરૂ કરી
રાંચી : શિક્ષણમાં સુધારા માટે દિલ્હીના જંતર મંતરેથી જે આંદોલન શરૂ થયું હતું તે હવે અન્ય રાજ્યોમાં પણ ફેલાવા લાગ્યું છે. ઝારખંડમાં હજારો યુવાનોએ પરીક્ષા પ્રક્રિયામાં સુધારા સહિતની માગ સાથે વિધાનસભા તરફ રેલી કાઢી હતી. તેમને રોકવા સાત લેયરમાં બેરિકેડ લગાવાયા હતા, સાથે જ વોટર કેનન, આંસુ ગેસ શેલિંગ, લાઠીચાર્જ જેવો બળ પ્રયોગ કરાયો હતો. જોકે તેમ છતા યુવાનો વિધાનસભા સુધી પહોંચી ગયા હતા અને ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા.
ઝારખંડમાં જેપીએસસી, જેએસએસસી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિને લઇને યુવાનો એક મહિનાથી વધુ સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. રાજધાની રાંચીમાં અનેક યુવાનો દ્વારા ઉપવાસ પણ કરવામાં આવ્યા. જ્યારે દિલ્હીના આંદોલનની સ્ટાઇલમાં બાદમાં આંદોલનકારી યુવાનોએ વિધાનસભાનો ઘેરાવ કરવા માર્ચ કાઢી હતી. સોમવારે આ માર્ચ દરમિયાન ભારે લાઠીચાર્જ, વોટન કેરન, આંસુ ગેસ શેલિંગ થયું જે દરમિયાન અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. યુવાનોને રોકવા માટે કાંટાના તાર સાથે બેરિકેડ ખડકી દેવાયા હતા. ભુખ હડતાળ કરનારા યુવાનો પણ પણ વિધાનસભા ઘેરાવમાં જોડાયા હતા.
રાજ્ય સરકારે ખાતરી આપી છે કે યુવાનોની માગણીઓ સ્વીકારવામાં આવશે, જવાબદાર લોકો સામે કાર્યવાહી થશે. જોકે યુવાનો સમગ્ર તપાસ સીબીઆઇને સોંપવાની અને ગેરરીતિ આચરાઇ તે પરીક્ષાઓ રદ કરવાની માગણી કરી રહ્યા છે. તમામ અવરોધોને પાર કરીને આંદોલનકારી યુવાનો ઝારખંડ વિધાનસભાના સંકુલમાં પ્રવેશી ચુક્યા હતા. જેને પગલે વિધાનસભામાં જે કાર્યવાહી ચાલી રહી હતી તેને સ્થગીત કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ બાદમાં વિધાનસભાની પાસે જ રાત્રે ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા આંદોલનકારીઓને વિધાનસભાના સંકુલમાંથી બહાર કાઢવા પ્રયાસો હાથ ધરાયા હતા.
જોકે આ આંદોલનને લઇને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોલીસ દ્વારા યુવાનો પર લાઠીચાર્જ કે બળ પ્રયોગનો વિરોધ કર્યો હતો, રાહુલે કહ્યુ હતું કે ઝારખંડમાં આંદોલન કરી રહેલા યુવાનો પર બળ પ્રયોગ કરવો અયોગ્ય છે, વિદ્યાર્થીઓને આંદોલન કરવાનો અધિકાર છે, તેમની સાથે વાતચીતથી જ નિરાકરણ આવશે. ઝારખંડ સરકારે આ અંગે યોગ્ય નિરાકરણ લાવવું જોઇએ.
જ્યારે કેન્દ્રીય મંત્રી જિતન રામ માંઝીએ કહ્યું હતું કે જ્યાં એનડીએની સરકાર હોય ત્યાં રાહુલ ગાંધી વિરોધ કરવા લાગે છે પણ પોતાની જ સરકારને લઇને મૌન રહે છે. જ્યારે ભાજપના અન્ય નેતાઓએ પણ રાહુલ ગાંધી પર સવાલો ઉઠાવ્યા હતા.









