'ગટર જનરેશન'... કંગના રનૌત વિરુદ્ધ લખનૌ પોલીસમાં ફરિયાદ, કોણે કરી FIRની માંગ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Police Complaint Filed Against Kangana: ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ લખનૌના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવા માટે ફરિયાદ આપવામાં આવી છે. કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપીને કંગના વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ કરી છે. મહિલા કાર્યકર્તાઓએ કંગના રનૌત પર 'Gen Z' વિદ્યાર્થીઓ અને યુવાનો વિરુદ્ધ અપમાનજનક તેમજ જનભાવનાઓને ઠેસ પહોંચાડતા નિવેદનો આપવાનો આક્ષેપ કર્યો છે.
'ગટર જનરેશન' કહેવાનો આક્ષેપ
લખનૌના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે, નવી દિલ્હીના જંતર-મંતર પર થયેલા પ્રદર્શનના સંદર્ભમાં કંગના રનૌતે 30 જુલાઈના રોજ એક જાહેર નિવેદનમાં પ્રદર્શનકારી યુવાનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, કંગના રનૌતે દેશની દીકરીઓને કથિત રીતે 'ગટર જનરેશન' કહી હતી.
યુવા પેઢીના અપમાનનો આક્ષેપ
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કંગનાએ 'Gen Z' દીકરીઓના માતા-પિતાનું પણ અપમાન કર્યું છે, અને સવાલ ઉઠાવ્યો હતો કે 'આમને કોણ જન્મ આપી રહ્યું છે, અને ઉછેરી રહ્યું છે?. આ માત્ર પ્રદર્શનકારીઓનું જ નહીં પરંતુ સમગ્ર નવી પેઢી, મહિલાઓ અને તેમના પરિવારનું અપમાન છે.' કોંગ્રેસ કાર્યકર્તાઓએ સામાજિક વૈમનસ્ય ફેલાવવા અને શાંતિ ભંગ કરવા ઉશ્કેરવા બદલ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફિલ્મી સીન્સનો વિરોધમાં ઉપયોગ થવાથી નારાજ કંગના
બીજી તરફ, કંગના રનૌતે પોતાની ફિલ્મોના સીન્સનો વિરોધ પ્રદર્શન માટે ઉપયોગ કરનારા સોશિયલ મીડિયા યુઝર્સ પર નિશાન સાધ્યુ છે. તેમણે જણાવ્યું કે, આવી રીતે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે 'જે એક્ટિંગ માટે મને કરોડો રૂપિયા મળે છે, તેના સીન્સ વાપરીને તમે સંવેદનશીલ કિશોરોને ભટકાવી રહ્યા છો. અત્યાર સુધી મેં એક જ જગ્યાએ આટલી ગંદકી અને અભદ્રતા જોઈ નથી. આ તથાગત પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત ભારતીય મહિલાઓની નવી પેઢી છે, જેને હું 'ગટર જનરેશન' કહું છું.' કંગનાના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે.









