- કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ અનેક યુવાનો એકઠા થયા
- સવારે ધરણાની મંજૂરી મળી, સુત્રોચ્ચાર કરીને બપોરે સાડા ત્રણ વાગ્યે લોકો ઘરભેગા થઇ ગયા પણ સરકાર પ્રત્યે રોષ ઠાલવતા ગયા
- ધરણા પ્રદર્શનની મંજૂરી આપવા બદલ સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારનો આભાર માન્યો, જંતર મંતર પર યુવાનોનો જુસ્સો વધાર્યો
નવી દિલ્હી : નીટ સહિતની પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓ વધી રહી છે, યુવાનોમાં બેરોજગારીને લઇને પણ રોષ જોવા મળી રહ્યો છે. આ તમામ મુદ્દાઓને લઇને દિલ્હીના પ્રખ્યાત જંતર મંતર પર મોટી સંખ્યામાં યુવાનો ખાસ કરીને જેન-ઝી એકઠા થયા હતા. અને દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની કેટલીક માગણીઓ સરકાર સમક્ષ મુકી છે. આ સમગ્ર ધરણા પ્રદર્શનનું આયોજન કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ થયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિતના યુવાનો એકઠા થયા હતા અને ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ, શૈક્ષણિક વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરવામાં આવે, પેપર લીક થતા અટકાવવામાં આવે સહિતની માગણીઓ સાથે મોટી સંખ્યામાં યુવાનો દિલ્હીના જંતર મંતર પર એકઠા થયા હતા. હાથમાં સુત્રો લખેલા બેનરો, ચહેરા પર કોકરોચનું માસ્ક, ફુલો સાથે અનેક યુવાનો આ પ્રદર્શનમાં સામેલ થયા હતા. કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ સમગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, જેમાં પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે, પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક, ડાબેરી પક્ષ સીપીઆઇ(એમએલ)ના જનરલ સેક્રેટરી દિપાંકર ભટ્ટાચાર્ય, સીપીઆઇના એની રાજા, અન્ય એક્ટિવિસ્ટ્સ, ડાબેરી સંગઠનના વિદ્યાર્થી-યુવા સંગઠનના લોકો એકઠા થયા હતા.
અમેરિકાથી સવારે ભારત આવ્યા બાદ અભિજીત દિપકેએ જંતર મંતર પર પ્રદર્શન માટે પોલીસની મંજૂરી માગી હતી, જે તરત જ આપી દેવાઇ હતી. બાદમાં તેઓ જંતર મંતર પર પહોંચ્યા હતા, ભારે ગરમી વચ્ચે પણ બાદમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા. યુવાનોને સંબોધતા અભિજીત દિપકેએ કહ્યું હતું કે જ્યારે હું અમેરિકા ગયો ત્યારે મારી માતાની આંખોમાં બહુ આંસુ નહોતા પરંતુ જ્યારે હું પરત આવી રહ્યો હતો ત્યારે તે બહુ રડી હતી, કેમ કે તેને એવો ડર હતો કે ભારત પ્રવેશતા જ મારી ધરપકડ કરી લેવામાં આવશે. આપણે ક્યાં સુધી આ પ્રકારના ડરના માહોલમાં જીવીશું, સત્તામાં બેઠેલા લોકોને જણાવવા માગું છું કે અમે નહીં ડરીએ, આ એક લાંબી લડત છે, એક મહિનાથી આપણે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરી રહ્યા છીએ, પરંતુ કોઇ જ પગલા લેવાના બદલે આ શરમજનક લોકો અન્ય મુદ્દા પર ધ્યાન આપી રહ્યા છે, અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ટાર્ગેટ કરી રહ્યા છે. પોસ્ટ ડિલિટ કરાવી રહ્યા છ. આ બધુ કરશો તો પણ તમે અમને નહીં મિટાવી શકો.
ડો. બી. આર. આંબેડકર, મહાત્મા ગાંધીજી અને દેશ તરફી સુત્રોચ્ચાર કરનારા યુવાનોને બાદમાં પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક દ્વારા સંબોધવામાં આવ્યા હતા, વાંગચુકે કહ્યું હતું કે આ વિરોધ પ્રદર્શનને થવા દેવામાં આવ્યું તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું, મને પ્રદર્શનો પસંદ નથી પરંતુ ન્યાય માટે કરવું પડે છે. મને કોકરોચ ઇન ચિફ બોલાવવા બદલ અભિજીત દિપકેનો આભાર, આ વિરોધ પ્રદર્શનમાં લોકો બંધારણની કોપી અને તિરંગો લઇને પણ આવ્યા હતા. વિરોધ પ્રદર્શન સવારે શરૂ કરાયું હતું જોકે સાંજ સુધી મંજૂરી આપવામાં આવી હતી પણ બપોરે ૩.૩૦ કલાકે જ તેને અટકાવી દેવાયું હતું. અભિજીત દિપકેનું સ્વાસ્થ્ય ખરાબ થતા બાદમાં તમામ લોકોએ જંતર મંતર ખાલી કરી દીધુ હતું અને કલાકોમાં જ આ ધરણા પ્રદર્શનનો પૂર્ણ વિરામ પણ આવી ગયો હતો.


