India

AI ઈનોવેશનના નામે ફ્રોડ, ‘ચાઈનીઝ ગોલમાલ’ કરવા બદલ ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી

By GS TEAM
18 Feb 20263 mins read
TukuTouch Logo
એકતરફ ભારત ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ગતિથી આગળ વધવા માટે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ માટે નવી દિલ્હીના પ્રતિષ્ઠિત 'ભારત મંડપમ' ખાતે 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026' યોજાઈ રહી છે, જોકે ગ્રેટર નોઈડાની એક યુનિવર્સિટીએ સમિટમાં સ્ટોલ પર ચાઈનીઝ રોબોડૉગ રજૂ કરતા ભારે વિવાદ ઉભો થયો છે. આ મામલે સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ માફી માંગી લીધી છે. આ સાથે યુનિવર્સિટીને AI એક્સ્પોમાંથી બહાર ધકેલી દેવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AI ઈનોવેશનના નામે ફ્રોડ, ‘ચાઈનીઝ ગોલમાલ’ કરવા બદલ ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી

AI Summit 2026 : એકતરફ ભારત ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ગતિથી આગળ વધવા માટે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ માટે નવી દિલ્હીના પ્રતિષ્ઠિત 'ભારત મંડપમ' ખાતે 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026' યોજાઈ રહી છે, જોકે ગ્રેટર નોઈડાની એક યુનિવર્સિટીએ સમિટમાં સ્ટોલ પર ચાઈનીઝ રોબોડૉગ રજૂ કરતા ભારે વિવાદ ઉભો થયો છે. આ મામલે સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ માફી માંગી લીધી છે. આ સાથે યુનિવર્સિટીને AI એક્સ્પોમાંથી બહાર ધકેલી દેવાઈ છે.

AI એક્સ્પોમાંથી યુનિવર્સિટીને બહાર ધકેલી દેવાઈ

યુનિવર્સિટીએ કહ્યું છે કે, સ્ટોલ પર ઉભેલા તેના પ્રતિનિધિ દ્વારા ખોટી માહિતી અપાઈ છે, જેના કારણે લોકોમાં ભ્રમ ઉભો થયો છે. પ્રતિનિધિ પ્રોડક્ટ અંગે કોઈ ચોક્કસ માહિતી જાણતા ન હતા. તેમણે ઉત્સાહમાં આવીને પ્રોડક્ટના ટેકનિકલ સ્રોતની ખોટી માહિતી કહી દીધી હતી. પ્રતિનિધિને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી ન હતી. જોકે ખોટી માહિતી ફેલાવવાનો તેમનો ઈરાદો પણ ન હતો. હવે કંપનીએ ચાઈનીઝ રોબોડૉગ મામલે માફી માંગી છે અને આયોજક દ્વારા એક્સ્પોમાંથી યુનિવર્સિટીને બહાર કાઢવાના નિર્ણયને સ્વિકારી લીધો છે. આમ યુનિવર્સિટીએ વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહા સિંહ પર ફોડી દીધું છે.ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી

યુનિવર્સિટીએ સત્તાવાર જાહેરાત કરી છે કે, ‘એઆઈ સમિટમાં ગડબડ મામલે અમે માફી માંગીએ છીએ. સ્ટોલ પર ઉભેલા અમારા પ્રતિનિધિને પ્રોડક્ટ અંગે ચોક્કસ માહિતી ન હતી. ટેકનિકલ રીતે પ્રોડક્ટનું ઉત્પાદન ક્યાંથી થયું છે, તેની પ્રતિનિધિને માહિતી ન હતી. તેમને પ્રેસ સાથે વાત કરવાનો અધિકાર ન હતો, જોકે કેમેરા સામે આવતા તેઓ ઉત્સાહમાં આવી ગયા અને ખોટી માહિતી આપી દીધી. અમે આયોજકોની ભાવનાઓને સમજીને સ્ટોલ ખાલી કરી દીધો છે.’

આ પણ વાંચો : ચીનના રોબોટને 'મેક ઈન ઈન્ડિયા' બતાવતા હોબાળો, AI સમિટમાંથી ગલગોટિયાસ યુનિવર્સિટીની હકાલપટ્ટી

યુનિવર્સિટીએ 2.5 લાખમાં રોબોડૉગ ખરીદ્યો હતો

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં યોજાઈ રહેલ એઆઈ સમિટમાં ગ્રેટર નોઈડાની જાણીતી ગલગોટિયાસ યુનિવર્સિટી (Galgotias University) દ્વારા 'ઓરિયન' (Orion) નામનો રોબોટ ડોગ રજૂ કરાયો હતો. વાસ્તવમાં આ રોબોડૉગ ચીને બનાવેલો હતો અને યુનિવર્સિટીએ તેને માર્કેટમાંથી 2.5 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. યુનિવર્સિટીએ એવું બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે, આ રોબોટ તેણે પોતે બનાવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેણે રોબોડૉગને 350 કરોડ રૂપિયાની પોતાની AI ECO SYSTEMનો હિસ્સો ગણાવીને રજૂ કર્યો હતો.

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?

AI સમિટમાં ગલગોટિયાસ યુનિવર્સિટીએ એક આકર્ષક સ્ટોલ લગાવ્યો હતો. જ્યાં એક રોબોટિક ડોગ કરતબ બતાવી રહ્યો હતો. યુનિવર્સિટીના પ્રતિનિધિઓ અને સોશિયલ મીડિયા પર શેર કરાયેલા પ્રારંભિક દાવાઓમાં આ રોબોટને 'ગલગોટિયાસના સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વિકસિત' અને 'ભારતીય એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો' ગણાવવામાં આવ્યો હતો. જોકે, ટેકનોલોજીના નિષ્ણાતો અને સતર્ક નેટિઝન્સે તરત જ ઓળખી કાઢ્યું કે, આ રોબોટ ખરેખર ચીની કંપની 'Unitree Robotics'નું પ્રસિદ્ધ મોડલ 'Go2' છે. આ રોબોટ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર 2,000થી 3,000 ડોલર (આશરે રૂ.2-3 લાખ)માં સરળતાથી ઉપલબ્ધ છે.

'ભારત મંડપમ'માંથી હકાલપટ્ટી

જ્યારે આ સમાચાર વાયુવેગે ફેલાયા અને સોશિયલ મીડિયા (ખાસ કરીને X) પર 'ફેક્ટ-ચેક' થવા લાગ્યા, ત્યારે ભારત સરકારના મંત્રાલયો અને સમિટના આયોજકો પર દબાણ વધ્યું હતું. આરોપ હતો કે, યુનિવર્સિટીએ વિદેશી પ્રોડક્ટ પર પોતાનું લેબલ લગાવીને તેને સ્વદેશી ઇનોવેશન તરીકે રજૂ કર્યું હતું. ત્યાર બાદ આયોજકોએ જણાવ્યું કે, આ સમિટ સાચા ભારતીય ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે છે, નહીં કે 'રિ-બ્રાન્ડેડ' ચાઈનીઝ પ્રોડક્ટ્સ માટે. ગંભીરતાને જોતા યુનિવર્સિટીને તાત્કાલિક અસરથી સ્ટોલ ખાલી કરવા આદેશ અપાયો હતો.

આ પણ વાંચો : DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા