વાયદા પૂરા કરો નહીંતર ફરી ધરણાં પર બેસીશું, CJPના અભિજિત દીપકેની કેન્દ્ર સરકારને ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Abhijeet Dipke Warns Central Government : કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજિત દીપકેએ સોમવારે કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો સરકાર અમારી માંગણીઓ પૂરી નહીં કરે તો અમે ફરી ધરણાં પર બેસીશું. સરકારે હજુ સુધી આત્મહત્યા કરનારા NEET-UGના ઉમેદવારના પરિવારને 1-1 કરોડ રૂપિયાનું વળતર આપ્યું નથી.
…નહીં તો અમારે ફરી ધરણાં પર બેસવું પડશે : દીપકે
અભિજિત દીપકેએ કહ્યું કે, ‘અમે ઇચ્છીએ છીએ કે, સરકારે અમને જે વાયદા આપ્યા છે, તે પૂરા કરે, નહીં તો અમારે ફરી ધરણાં પર બેસવું પડશે. અમે કેન્દ્ર સરકારને માંગ કરી હતી કે, કથિત આત્મહત્યા કરનારા નીટ ઉમેદવારના પરિવારને 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. જોકે સરકારે હજુ સુધી અમારી આ માંગણી પૂરી કરી નથી. આ માંગ પૂરી કરવા સરકારે નિયમ-કાયદો જોવાની વાત કરી હોવાની મને માહિતી મળી છે. જ્યારે સાંસદો અને ધારાસભ્યોને ખરીદવાના હોય છે, ત્યારે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને હવે વળતરની વાત આવી છે તો સરકારને નિયમ-કાયદા યાદ આવી ગયા છે. એનો અર્થ એ છે કે, સરકારની દાનત યોગ્ય નથી.’
રૂ.1 કરોડ વળતર આપવાનો મુદ્દો CJPની મુખ્ય માંગ
ઉલ્લેખનીય છે કે, સીજેપીની મુખ્ય માંગમાં સૌથી મુખ્ય મુદ્દો એક કરોડ રૂપિયાના વળતરનો હતો. સરકારે આ માંગ પૂરી કરવા આશ્વાસન પણ આપ્યું હતું. જ્યારે સીજેપીની અન્ય બે માંગમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને દેખાવકારો વિરુદ્ધ FIR પરત ખેંચવાનો હતો. 25 જુલાઈએ સીજેપીએ જંતર-મંતર પર 37 દિવસથી ચાલી રહેલા ધરણાં સમાપ્ત કર્યા હતા. ત્યારે પાર્ટીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાનું અને અન્ય મુખ્ય માંગણીઓ પૂરી કરવાનું આશ્વાસન આપ્યા બાદ ધરણાં સમાપ્ત કરવામાં આવ્યા હતા.
અમે પ્રહલાદ જોશીના સમર્થનમાં નથી : અભિજિત દીપકે
અભિજિત દીપકેએ એવું પણ કહ્યું કે, અમારી પાર્ટી નવા શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીના સમર્થનમાં નથી. અમારી માંગ શિક્ષણ મંત્રીના રાજીનામાની હતી, જે પૂરી થઈ છે. જોકે તેમના બદલે પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રી બનાવાયા છે, તે શરમજનક વાત છે, કારણ કે, અમે તેમને બિલકિસ બાનો કેસના આરોપીઓનું સન્માન કરતા અને માળા પહેરાવતા જોયા હતા. તેથી વિચારો, શાળાએ જતી યુવતીઓ આવા સન્માન જોઈને શું વિચારતી હશે, તેથી જ અમે તેમના સમર્થનમાં નથી.’
દિલ્હી પોલીસ અને ગુંડાઓ વચ્ચે મિલીભગતનો આરોપ
20 જુલાઈએ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કર્મચારીઓ પર થયેલા કથિત હુમલા અંગેના પ્રશ્ન પર CJPના સંસ્થાપક અભિજિત દીપકે એએનઆઈ સાથેની વાતચીતમાં દિલ્હી પોલીસ અને ગુંડાઓ વચ્ચે મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘હું આ આંદોલનની શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે કેટલાક બહારના લોકોને પ્રદર્શનમાં ગરબડ ફેલાવવા, આંદોલનને બદનામ કરવા અને તેનો આરોપ CJP પર લગાવવા માટે મોકલવામાં આવશે. આ ગુંડાઓનું દિલ્હી પોલીસ સાથે પહેલાથી જ આયોજન થયેલું હતું. જે પ્રદર્શન સ્થળે મને તપાસ વગર જવા દેવામાં આવતો નહોતો, ત્યાં 2100 અપરાધીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હતા. આ દિલ્હી પોલીસ પર મોટો સવાલ છે.’
‘જંતર-મંતર પાસે પથ્થરોથી ભરેલો એક ટ્રક ઊભો રાખ્યો હતો’
દીપકે વધુમાં દાવો કર્યો કે, ‘19 જુલાઈએ દિલ્હી પોલીસે જંતર-મંતર પર મંચની પાછળ પથ્થરોથી ભરેલો એક ટ્રક ઊભો રાખ્યો હતો. આનું કારણ શું હતું? 20 જુલાઈ પહેલાં ત્યાં એક ક્ષતિગ્રસ્ત વાહન પણ ઊભું હતું. બીજા દિવસે સમાચાર આવ્યા કે પ્રદર્શન દરમિયાન પથ્થરમારો થયો. આ બધું દિલ્હી પોલીસનું પૂર્વ-આયોજિત કાવતરું હતું.’ જોકે, દીપકેના આ આરોપો પર દિલ્હી પોલીસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી અને આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.









