કમિકાઝે ડ્રોનથી લઈને એન્ટિ-ટેન્ક મિસાઇલ સુધી, સેનામાં સામેલ થશે 9 ઘાતક હથિયાર: 52 હજાર કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Defense Deal 2026 : ભારતીય સેનાની તાકાતમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સંરક્ષણ મંત્રાલયે ત્રણેય સેનાઓ માટે 52,000 કરોડ રૂપિયાના સંરક્ષણ ખરીદી પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. આ ડીલથી આર્મી, નેવી અને એરફોર્સની લડાયક ક્ષમતા વધશે અને બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવો સરળ બનશે.
ભારતીય આર્મી માટે આધુનિક હથિયારો
સરકારે ભૂમિ સેના માટે શક્તિશાળી એન્ટિ-ડ્રોન સિસ્ટમ 'આકાશ તરંગ' અને દુશ્મનના ટેન્કોનો નાશ કરતી મિસાઇલ (MPATGM)ને મંજૂરી આપી છે. આ સિવાય મધ્યમ અને ટૂંકી દૂરીની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ (MRSAM અને V-SHORADS) પણ સામેલ કરાશે. ટેન્કોની સુરક્ષા માટે એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમ અને દુશ્મનના ઠેકાણા પર સચોટ હુમલો કરનારા ઘાતક જેટ આધારિત 'કમિકાઝે ડ્રોન' પણ આર્મીને મળશે.
નેવી માટે સમુદ્રમાં નવી ક્ષમતાઓ
ભારતીય નૌસેના માટે દુશ્મનના યુદ્ધજહાજો અને સબમરીનને રોકતી ગ્રાઉન્ડ માઇન્સ(MIGM) ખરીદવામાં આવશે. આ સાથે સમુદ્રમાં દેખરેખ રાખવા માટે હાઇટેક ડ્રોન સિસ્ટમ(NSUAS) મંજૂર કરાઈ છે. ભારતમાં જ સ્વદેશી ટૅક્નોલૉજીનો વિકાસ થાય તે માટે જહાજોની મોટર અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમના ટેસ્ટિંગ માટે એક લેન્ડ બેઝ્ડ સેન્ટર (LBTF) પણ બનાવવામાં આવશે.
એરફોર્સની દેખરેખ શક્તિ બનશે મજબૂત
વાયુસેનાની તાકાત વધારવા માટે હાઈ એલ્ટીટ્યુડ સ્યુડો સેટેલાઇટ(FW-HAPS) સિસ્ટમને મંજૂરી આપવામાં આવી છે. આ સિસ્ટમ ખૂબ જ ઊંચાઈ પર લાંબા સમય સુધી રહીને દુશ્મનની જાસૂસી કરવા, સરહદો પર નજર રાખવા અને ટેલિકોમ્યુનિકેશન જેવા મહત્ત્વના કામોમાં મદદ કરશે.
52 હજાર કરોડની ડીલ : આ હથિયારો ખરીદશે ભારત
- આકાશ તરંગ: દુશ્મનના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવતી એન્ટિ-ડ્રોન ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી.
- મેન પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ (MPATGM): જવાનો પોતે હાથમાં ઉઠાવીને દુશ્મનની ટેન્કો અને બખ્તરબંધ વાહનોનો નાશ કરી શકે તેવી મિસાઇલ.
- મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ (MRSAM): જમીન પરથી હવામાં મધ્યમ અંતરે રહેલા દુશ્મનના લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરને તોડી પાડતી મિસાઇલ સિસ્ટમ.
- વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (V-SHORADS): હાઈટેક સેન્સરથી સજ્જ, ટૂંકા અંતરના હવાઈ હુમલાઓનો ત્વરિત જવાબ આપતી સિસ્ટમ.
- એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમ: ભારતીય ટેન્કોની પોતાની સુરક્ષા વધારતી આધુનિક સિસ્ટમ.
- જેટ આધારિત કમિકાઝે ડ્રોન સિસ્ટમ: દુશ્મનના ઠેકાણાઓ પર જઈને આત્મઘાતી સચોટ હુમલો કરનારા અને ઈલેક્ટ્રોનિક યુદ્ધમાં મદદ કરતા ઘાતક ડ્રોન.
- મલ્ટી ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM): સમુદ્રની અંદર દુશ્મનના યુદ્ધજહાજો અને સબમરીનની અવરજવર રોકતી દરિયાઈ સુરક્ષા સિસ્ટમ.
- નેવલ શિપબોર્ડ અનમેન્ડ એરક્રાફ્ટ સિસ્ટમ (NSUAS): આધુનિક સેન્સર ધરાવતું ડ્રોન, જે યુદ્ધજહાજ પરથી ઓપરેટ થઈને સમુદ્રમાં દૂર સુધી દેખરેખ રાખશે.
- લેન્ડ બેઝ્ડ ટેસ્ટ ફેસિલિટી (LBTF): નૌસેનાના જહાજો માટેની હાઈટેક મોટર અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન (પાવર) સિસ્ટમનું ભારતમાં જ પરીક્ષણ કરવાનું કેન્દ્ર.









