ભાજપના પૂર્વ સાંસદ રાજકારણ છોડી શિક્ષક બની ગયા, કહ્યું - ઓછામાં ઓછું પેન્શન તો મળશે...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Former BJP MP Returns To Teaching: ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ સાંસદ રેબતી ત્રિપુરાએ રાજકારણથી અંતર જાળવીને પોતાના જૂના વ્યવસાય શિક્ષણ ક્ષેત્રે વાપસી કરી છે. પૂર્વ સાંસદમાંથી ફરી શિક્ષક બનેલા રેબતી ત્રિપુરાનું કહેવું છે કે જૂના વ્યવસાયમાં પાછા ફરવાથી તેમને એક હેતુ મળ્યો છે અને રાજકીય જીવનમાં આવેલી નિષ્ક્રિયતા બાદ ભવિષ્યની આર્થિક સુરક્ષા પણ સુનિશ્ચિત થશે.
શિક્ષકથી સાંસદ સુધીની સફર
ત્રિપુરાના ધલાઈ જિલ્લાના અંતરિયાળ ગામના નિવાસી રેબતી ત્રિપુરાએ પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ વર્ષ 2001માં અગરતલાની મહાત્મા ગાંધી મેમોરિયલ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી હતી. વર્ષ 2014માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં પક્ષે તેમને પૂર્વ ત્રિપુરા સંસદીય બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.
શા માટે રાજકારણથી દૂર થવું પડ્યું?
ગતાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે રેબતી ત્રિપુરાના સ્થાને ત્રિપુરા રાજપરિવારના સભ્ય અને ટીપ્રા મોથા પાર્ટીના પ્રમુખ પ્રદ્યોત કિશોર દેબબર્માના બહેન કૃતિ દેવી દેબબર્મનને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે રેબતી ત્રિપુરા ભાજપની ત્રિપુરા યુનિટની કોર કમિટીના સભ્ય રહ્યા હતા, પરંતુ છેલ્લા બે વર્ષથી પક્ષની પ્રવૃત્તિઓમાં તેમની સક્રિયતા નહિવત્ હતી. તાજેતરમાં જાહેર કરાયેલી ભાજપના હોદ્દેદારોની યાદીમાં પણ તેમનું નામ સામેલ નહોતું.
ફરી શાળામાં હાજર થયા
રાજકીય કારકિર્દી અટકી ગયા બાદ રેબતી ત્રિપુરાએ મૂળ વ્યવસાયમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો અને 20મી જુલાઈથી શાળામાં ફરી ચાર્જ સંભાળી લીધો છે. પૂર્વ સાંસદે જણાવ્યું કે, 'છેલ્લા અઢી વર્ષમાં મારી પાસે પક્ષની કોર કમિટીના સભ્ય તરીકે કોઈ કામ નહોતું. હાલ મારી પાસે કોઈ વિશેષ રાજકીય જવાબદારી નથી, તેથી મેં સરકારી શાળામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરના જૂના વ્યવસાયમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે.'
પૂર્વ સાંસદ રેબતી ત્રિપુરાએ જણાવ્યું કે, 'ઓછામાં ઓછું આ નોકરીથી નિવૃત્તિ પછીના લાભો તો નિશ્ચિત થશે, જેમાં માસિક આશરે 50,000 રૂપિયાનું પેન્શન પણ સામેલ છે, જે એક સારી રકમ છે.' શાળાના કાર્યકારી પ્રિન્સિપાલ ટીટુ સાહાના જણાવ્યા મુજબ, રેબતી ત્રિપુરાએ ફરી ચાર્જ સંભાળ્યા બાદથી પૂરતી નિષ્ઠા અને સમર્પણ સાથે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ તથા સાથી કર્મચારીઓ સાથે સારો તાલમેલ સાધી લીધો છે.









